માળિયાના મોટી-નાની બરાર, જશાપર, દેવગઢ, જાજાસર ગામમાં પાંચ દિવસે પાણી વિતરણ
- મહિલાઓને અવેડામાંથી પાણી ભરવા જવું પડે છે
- દર ઉનાળે થતી પાણી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે અધિકારીઓ એકબીજાને ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા પ્રજાનો મરો
મોરબી : માળિયા તાલુકો હજુ પણ પછાત માનવામાં આવે છે. માળિયા તાલુકાના વિકાસમાં સત્તાધીશોએ ક્યારેય રસ લીધો ન હોય તેમ એકધારા ભાજપના શાસન છતાં માળિયા તાલુકો હજુ પણ પછાત જોવા મળે છે. અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ સરકાર પૂરી શકતી નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. માળિયાના ગામોમાં પાણીનું વિતરણ પાંચ દિવસે થતાં લોકો હેરાન થઇ રહ્યા છે.
માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે માળિયા તાલુકાના મોટી બરાર, નાની બરાર, જશાપર, દેવગઢ અને જાજાસર ગામમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ગામોમાં ૪-૫ દિવસે એક વખત પાણી આવતું હોવાની ફરિયાદ મહિલાઓ કરીરહી છે ગામની મહિલાઓને અવેડામાંથી પાણી ભરવા જવું પડે છે ગામમાં ૪-૫ દિવસે એક વખત પાણી વિતરણ થતા ગૃહિણીઓ અનેક સમસ્યાનો સામનો કરી રહી છે. પાણીની સમસ્યા અંગે મોટી બરાર ગામના સરપંચ સુરેશભાઈ ડાંગર જણાવે છે કે પાણી પુરવઠા વિભાગ,જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સહિતનાઓને રજૂઆત કરી છે છતાં પણ પાણીની સમસ્યા હલ થતી નથી. ઉનાળામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર વર્ષ ૧૯૯૫ થી ભાજપનો કબજો છે પાંચ ટર્મ કરતા વધુ સમયથી ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે જોકે તેઓ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી તે હકીકત છે આટલા વર્ષો થયા છતાં પણ અધિકારી કે પદાધિકારી દ્વારા માળિયા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી અધિકારીઓ એકબીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા હોય છે. જેથી દર ઉનાળામાં મહિલાઓને રઝળપાટની સ્થિતિનો સામનો કરવો પડે છે.