ઝાલાવાડ પંથકમાં ફરીથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમનો દરોડો: 12 જુગારી પકડાયા
વિરમગામ પછી લીંબડી રૂરલ પોલીસ ઊંઘતી ઝડપાઈ
લીંબડીના બાહેલાપરામાં રેડ : સાત ઉંટડી ગામના, ચાર લીંબડીના અને એક ધોળાના શખ્સ પાસેથી કુલ ૭૦,૦૦૦નો મુદ્દામાલ કબજે
લીંબડી: ઝાલાવાડ પંથકમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કાળા કારોબારો પર બ્રેક લગાવવાનું શરૂ કર્યું છે ત્યારે બીજી તરફ ઝાલાવાડ પંથકની પોલીસો આબાદ ઉંઘતી ઝડપાતી હોય તેવું જણાઈ રહ્યું છે. બુધવારે વિરમગામ પોલીસને ઉંઘતી રાખીને દરોડો પાડીને ૨૭ જુગારીઓને પકડયા બાદ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ઝાલાવાડમાં ફરી એક રેડ લીંબડીમાં પાડી હતી જેમાં ૧૨ જુગારીઓ જુગાર રમતા રંગે હાથ પકડાયા છે.
તમામ પાસેથી કુલ ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કરાઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દરોડાઓ સ્પષ્ટ સુચવે છે કે ઝાલાવાડ પંથકમાં પોલીસ તંત્રની રહેમનજર હેઠળ તથા હપ્તા વસુલી કરીને ચાલતાં બેનંબરના ધંધામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં ભોંયતળિયે ખુલ્લી જગ્યામાં વિક્રમભાઈ શંભુભાઈ કટુડીયા બહારથી માણસો બોલાવીને વરલી મટકાનો જુગાર રમાડતાં હતાં ત્યારે લીંબડી પોલીસને ઊંઘતી રાખીને અચાનક જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બાતમીના આધારે ત્રાટકી હતી. સ્ટેટ મોનિટરિંગની ટીમના દરોડામાં વિક્રમ શંભુભાઈ કટુડીયા, ભીમજી ચતુર જાંબુકિયા, કમલેશ વિક્રમભાઈ કટુડીયા, દર્શન જામાભાઈ, વિજય અજાભાઈ રાવળ, હપો હિંમતભાઈ રાવળ, ઘનશ્યામ વાલજીભાઈ પગી તમામ સાતે રહેવાસી ઉંટડી તેમજ હમીદ મહમદભાઈ, નાસીર દિનઅલી ફકીર, લાલો પ્રવિણભાઈ પઢિયાર, ગોવિંદ રુમલસિંઘ જામોદ તમામ ચારે રહેવાસી લીંબડી અને ભુપત લક્ષ્મણભાઈ કાગડીયા ધોળાના રહેવાસી મળીને કુલ ૧૨ શખ્સોને જુગાર રમતા રંગેહાથ પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી સાત મોબાઈલ જેની કિંમત રૂ. ૧૯ હજાર તથા રૂા. ૨૦ હજારની એક બાઈક સહિત રોકડ રકમ રૂપિયા ૩૧ હજાર મળીને કુલ રૂપિયા ૭૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને ૧૨ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. બહારની પોલીસે લીંબડીમાં આવીને દરોડો પાડતાં અન્ય ગેરકાયદે ધંધા કરનાર અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાવા સાથે સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.