Get The App

માણસ 'શિક્ષિત' બની શકે છે, પણ 'સંસ્કારી' કેમ બની શકતો નથી?

Updated: Mar 8th, 2022

GS TEAM

Google News
Google News
માણસ 'શિક્ષિત' બની શકે છે, પણ 'સંસ્કારી' કેમ બની શકતો નથી? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સંસ્કાર-સાધના એ તપસ્યા છે જેનામાં આત્મશિક્ષણની ભાવના હોય તે જ પોતાની જાતને સુધારી શકે. કોમ્પ્યુટરની બોલબાલાના આ યુગમાં માણસ 'યંત્ર' નિપુણ બની શકે, પણ જીવનનો 'મંત્ર' નિપુણ ન બની શકે

* માણસ 'શિક્ષિત' બની શકે છે, પણ 'સંસ્કારી' કેમ બની શકતો નથી ?

* પ્રશ્નકર્તા ઃ ભાવસાર કનૈયાલાલ હરિભાઈ, અંબાજી માતાનું ચાચરુ, ભાવસાર ઓળ, મુ.તા. વડનગર (ઉ.ગુ)

શિ ક્ષિત એટલે શિક્ષણ પામેલું શિક્ષણ શબ્દ 'શિક્ષ્' પરથી બનેલો છે, જેનો અર્થ છે, શીખવું, ભણવું. શિક્ષણ આપે તે શિક્ષક. શિક્ષણ શબ્દનો પ્રયોગ બોધ ઉપદેશ, વિદ્યા, કેળવણી માટે કરવામાં આવ્યો છે. શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકીય શિક્ષણ કે પદવી માટે પ્રાપ્ત કરેલા જ્ઞાાન પૂરતો નથી. શિક્ષણ એટલે જ્ઞાાનવૃદ્ધિ પરંતુ મનુષ્યના મન અને હૃદયને વિકસિત કરવું. 'અંગ્રેજી શબ્દોની દુનિયા' (પ્રભુલાલ દોશી) મુજબ 'એજ્યુકેશન' શબ્દ મૂળ લેટિન ભાષાનો છે અને તે ઈગેબચિી ક્રિયાપદ પરથી બનેલો છે. જેનો અર્થ 'બાળકને ઉછેરવું' એવો પણ છે ઘેંભછઇઈ શબ્દમાં 'દોરવણી' આપવી એવો પણ થાય છે. માણસની અંદર જે શક્તિઓ પડી છે તેને બહાર લાવવાનો યજ્ઞા એટલે શિક્ષણ. શિક્ષિત થવું એટલે શીલવાન બનવું. પહેલાં ગુરુકુળોમાં શિક્ષણ અને શીલ બન્નેનો સુમેળ હતો. શરદ બાબૂ કહેતા કે જે શિક્ષણ માણસના મન-હૃદયને સાંકડું બનાવે, તેનું મૂલ્ય કોઈ પણ યુગમાં સ્વીકાર્ય બને નહીં. શિક્ષણ એ કોઈ વય પૂરતું મર્યાદિત નથી, પણ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. એરિસ્ટોટલને કોઈકે પૂછ્યું કે શિક્ષિત લોકો અશિક્ષિત લોકો કરતાં કેટલાં શ્રેષ્ઠ ? ત્યારે તેમણે કહ્યું હતું. જેટલાં મૃતકો કરતાં જીવિત લોકો.

મનુષ્યને પૂર્ણ જીવન વ્યતીત કરવા માટે તૈયાર કરવો એ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે. ચારિત્ર્ય નિર્માણ એની ફળશ્રુતિ બનવી જોઈએ. શિક્ષણ જો રાવણો અને દુર્યોધનોના વારસદારો પેદા કરે અને પોતાને સદાચારી, ન્યાયી, નિર્લોભી અને સદ્વૃત્તિધારી ન બનાવે તો એવી શિક્ષણ વ્યવસ્થા વ્યક્તિને વિશ્વ સાથે જોડી શકતી નથી.

શિક્ષકની કેટલી મોટી જવાબદારી છે એનું વર્ણન કરતાં રઘુવીર શરણ મિત્રએ કહ્યું છે -

''ઐસા સત્ય સિખાના જગકો

અનાચાર જગસે મિટ જાયે,

મિટે સ્વર્ગકી અસત્ કલ્પના

શાશ્વત સત્ય ભૂમિ પર આયે

તુમ ભૂકે ભગવાન, તુમ્હારે

ચરણોમેં ઈશ્વર મિલતા હૈ,

તુમ અંતર કે માલી, તુમસે

ફૂલ જિંદગી કે ખિલતે હૈં''

જે શિક્ષણ માણસને નિર્બળોને સતાવવા માટે તૈયાર કરે, આપણને ઘરની અને ધનના ગુલામ બનાવે, ભોગ-વિલાસમાં ડૂબાડે, જે આપણને બીજાનું રક્ત ચૂસીને તગડો બનાવે, એ શિક્ષણ નથી પણ નરી ભ્રષ્ટતા છે, એમ મુંશી પ્રેમચંદજી માનતા.

ટકાવારીની યોગ્યતા અને ફી ભરવાની ક્ષમતા એ શિક્ષણનો માપદંડ નથી. ગુજરાત વિદ્યાપીઠના કર્મયોગી મગનભાઈ દેસાઈ એટલે જ કહેતા કે વિદ્યાર્થી સ્કૂલ કે કોલેજમાં ક્યાંથી આવે છે તે મહત્વનું નથી પણ ત્યાંથી નીકળી ક્યાં જાય છે તે મહત્વનું છે. શિષ્ટાચારી બનવાને બદલે ભ્રષ્ટાચારી બને તો શિક્ષણનો બધો શ્રમ નિરર્થક બની જાય.

સંસ્કારનો અર્થ છે શુદ્ધ કરવું, સુધારવું, વાસનાઓ અને કર્મોની મન પર પડતી છાપ, સંગતિ, શાસ્ત્રોક્ત અર્થમાં સોળ પ્રકારના સંસ્કારોનો તેમાં સમાવેશ થાય છે. સંસ્કારિતા એટલે સંસ્કારીપણું. આજે તે 'કલ્ચર' રૂપે પ્રચલિત છે. શિક્ષક ગુરૂ બનવો જોઈએ. એણે માત્ર વિદ્યાર્થીને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનો નથી પણ પોતાના મન-હૃદયમાં વ્યાપ્ત થવા મથતા અંધકારને દૂર કરી 'સદ્ગુરૂ' બનવાનું છે. જૈન ધર્મમાં ત્રણ પ્રકારના ગુરૂઓ વર્ણવવામાં આવ્યા છે. કાષ્ઠ સ્વરૂપ, કાગળ સ્વરૂપ અને પથ્થર સ્વરૂપ. પથ્થર સ્વરૂપ ગુરૂ પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે.

સંસ્કાર શબ્દ 'સમ્' એટલે 'સારું' અને 'કૃ' એટલે કરવું - પરથી બનેલો છે. સંસ્કારી એટલે સારા ગુણવાળું. સંસ્કારમાં જીવનશુદ્ધિની ભાવના છે. સદાચારની સુવાસ છે. મન અને હૃદયને સન્માર્ગે ચાલવાની વૃત્તિ અને પ્રવૃત્તિ છે. સંસ્કાર સંયમ શીખવે છે, આત્મનિગ્રહ શીખવે છે. સંવેદનશીલતાનો માર્ગ ચીંધે છે. સંસ્કાર એટલે મનમાંથી શેતાનિયતના તત્ત્વોને વિદાય કરવાની પ્રબળ પિપાસા.

માણસ પૂર્વજન્મના કેટલા મનો પ્રભાવો લઈને જન્મે છે. તેના આધારે માણસનું વર્તન આકાર લેતું હોય છે. શિક્ષણ એ મન અને હૃદયને શુદ્ધ કરવા માટે તત્પર હોય પણ માણસની સ્વભાવગત મર્યાદાઓ તેને સુધરવા ન દે એવું પણ બને. ધર્મ વિશેના ભ્રામક ખ્યાલો પણ શિક્ષિત માણસને શુદ્ધ સંસ્કારયુક્ત સદાચારી જીવન, વર્તન અને વાણી પ્રયોગમાં બાધક બને છે. આવા સંસ્કારોની પ્રબળતા એટલી બધી હોય છે કે તે માણસના વિવેકને ભરખી જાય છે. અને માણસ ભ્રષ્ટ બુદ્ધિનો ગુલામ બની અનુચિત, અસંસ્કારી અને શિક્ષણને લજવે એવું વર્તન કરે છે. શિક્ષણનું કાર્ય જ માણસના કુસંસ્કારોને ધોઈને સંસ્કારી બનાવવાનું છે. જેઓ સ્વભાવથી જ શુદ્ધ છે એ શિક્ષિત બની જીવનના મહાન આદર્શો ચરિતાર્થ કરવા માટે સમર્પિત રહે છે. શિક્ષણ 'ભણતર' શીખવે છે, ગણતર શીખવે છે, પણ સંસ્કારભવનનું ચણતર શીખવતું નથી. એટલે મોટા-મોટા પદવીધારીઓ પણ કુકર્મોની લાલચથી મુક્ત રહી શકતા નથી.

સંસ્કારી બનવા માટે ઘણું બધું જતું કરવું પડે છે. ત્યાગની ભાવના સિવાય સંસ્કારી બની શકાતું નથી. સંયમના પરિપાલન વગર સંસ્કારી બની શકાતું નથી. શિક્ષણ સંસ્થાઓ આદર્શો અને સદાચારની પરબ બનવી જોઈએ. પણ આજે શિક્ષણ ધર્મ નહીં પણ ધંધાના દૂષણનો વિષય બની રહ્યો છે ત્યારે ગુરૂ-શિષ્યના સંબંધોને, ગુરૂના સદ્વર્તન, ગુરૂના વાત્સલ્યને પ્રદર્શિત કરવાનો 'ઓન લાઇન' શિક્ષણમાં અવકાશ હોતો નથી.

વિદ્યાર્થીને સંસ્કારી બનાવવામાં શિક્ષક શું કરી શકે તેનું પ્રેરક ઉદાહરણ એક બુધાલાલ નામના પ્રાથમિક શિક્ષકનું છે. સ્વ. પ્રિ. ઘનશ્યામભાઈ પરીખે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે એક શિક્ષક જવાબદાર રીતે વર્તી વિદ્યાર્થીને કેવી રીતે સંસ્કારી બનાવી શકે છે એ વાત મને બુધાલાલના જીવનમાંથી શીખવા મળી. ગામડાની એક નાનકડી પ્રાથમિક શાળા ગરીબ અને અમીર બન્નેનાં બાળકો તે સ્કૂલમાં ભણે. એક વિદ્યાર્થીના મામા અમેરિકાથી આવેલા. તેમણે પોતાના ભાણેજને એક ડઝન સુંદર નોટબુક્સ ભેટમાં આપી. એ વિદ્યાર્થી શાળાના બધા જ વિદ્યાર્થીઓને વટભેર એ નોટો બતાવતો. એની પાસે એક ગરીબ ઘરનો વિદ્યાર્થી બેઠેલો. એના પિતાએ ચોપડાનાં પાનાં ફાડી સાંધીને તેને નોટ બનાવી આપેલી. પેલા અમીર ઘરના વિદ્યાર્થીની મનોહર નોટો જોઈ એનું મન લલચાયું. રિસેસમાં બધા વિદ્યાર્થીઓ બહાર ગયા ત્યારે એણે પેલા વિદ્યાર્થીની ડઝન નોટો પૈકી એક નોટ કાઢી પોતાની ચડ્ડીની નીચે સંતાડી દીધી. રિસેસ પૂરી થતાં એક નોટ ગૂમ થયાની એણે શિક્ષકને ફરિયાદ કરી. બધા વિદ્યાર્થીઓનાં દફતર તપાસવામાં આવ્યા પણ નોટ 

ન મળી. શાળા છુટયા બાદ બુધાલાલ સાહેબ એ વિદ્યાર્થી તથા પેલા એક ગરીબ વિદ્યાર્થીને લઈને એક દુકાને ગયા. જેની નોટ ચોરાઈ હતી તેને ત્રણ નોટો અને પેલા ગરીબ વિદ્યાર્થીને છ નોટો અપાવી.

રાત્રે પેલો ગરીબ વિદ્યાર્થી બુધાલાલ સાહેબને ઘેર આવી રડતાં-રડતાં એમના પગ પકડી કહેવા લાગ્યો ઃ ''સાહેબ, મેં જ નોટ ચોરેલી. આ રહી તે નોટબૂક. મેં નોટબૂક ચોરી હતી એવો આપને શક હતો ?''

''હા, પણ હું તને બધાંની હાજરીમાં ચોર ઠેરવવા નહોતો માગતો. તું ગરીબ છે એટલે મેં તને છ નોટબૂક અપાવી. મારું કામ વિદ્યાર્થીને ઠારવાનું છે, બાળવાનું નહીં.'' પેલા વિદ્યાર્થીએ પ્રતિજ્ઞાા કરી કે હું કદાપિ ચોરી કે અનુચિત કામ નહીં કરું.

સુધરવા માટે દાનત જોઈએ. શિક્ષણ જો જીવનમાં ઉતરે તો માણસ સંસ્કારી બને. સંસ્કાર-સાધના એ તપસ્યા છે. જેનામાં આત્મશિક્ષણની ભાવના હોય તે પોતાને સુધારી શકે. કોમ્પ્યુટરની બોલબાલાના આ યુગમાં માણસ 'યંત્ર' નિપુણ બની શકે પણ સમજણ અને વિવેક વગર જીવનના 'મંત્ર' નિપુણ ન બની શકે.