હવે માઈક્રોસોફટ એકાઉન્ટ વિના પણ બિંગ ચેટનો ઉપયોગ શક્ય
ગૂગલે હમણાં હમણાં તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બાર્ડ સર્વિસ (https://bard.google.com/) ૧૮૦ દેશમાં સૌ માટે ઓપન કરી
દીધી છે. પરંતુ જેમ આપણે ગૂગલ.કોમ પર જઇને કે બ્રાઉઝરમાં એડ્રેસબારમાં કંઈક પણ
ટાઇપ કરીને ધડાધડ સર્ચ કરી શકીએ તેવું બાર્ડમાં નથી. તેનો ઉપયોગ કરવા માટે આપણે
ગૂગલ એકાઉન્ટમાં લોગઇન કરવું પડે છે. માઇક્રોસોફ્ટ બિંગ ચેટમાં પણ અત્યાર સુધી આવી
સ્થિતિ હતી. તેનો ઉપયોગ કરવા માટે આપણે માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન થવું પડતું
હતું. દુનિયાભરમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી બાર્ડ સર્વિસ
સુધી પહોંચતા લોકો પાસે ગૂગલ એકાઉન્ટ હોવાની પૂરેપૂરી શક્યતા, પરંતુ માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ કદાચ ન પણ હોય.
આ વાત ધ્યાનમાં રાખીને હવે માઇક્રોસોફ્ટે બિંગ ચેટને ખરા અર્થમાં સૌ માટે ઓપન
કરી દીધી છે (જુઓ https://bing.com/chat).
તેમાં હવે આપણે
માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન થવું જરૂરી નથી. એ જ રીતે બિંગ ચેટબોટને કેવા
પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તેની પણ કોઈ મર્યાદા નથી. પહેલાંની જેમ બિંગ ચેટબોટ
સાથે વાત કરવા માટે આપણે ક્રિએટિવ, બેલેન્સ્ડ અને પ્રીસાઇઝ
મોડમાંથી કોઈ એક સિલેક્ટ કરીને એ મોડમાં ચેટબોટ સાથે વાત કરી શકીએ છીએ. આપણે
માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન થયા વિના ચેટબોટ સાથે વાત કરીએ તો પણ તેના જવાબોની
ક્વોલિટીમાં કોઈ ફેરફાર થતો નથી.
જોકે માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન ન થઇએ તો હજી એક મોટો અંતરાય નડે છે. આ
રીતે આપણે એક સેશનમાં માત્ર પાંચ સવાલ જવાબ કરી શકીએ છીએ. જો આ અવરોધ દૂર કરવો હોય
તો માઇક્રોસોફ્ટનું ફ્રી એકાઉન્ટ ખોલી નાખવામાં ફાયદો છે. એમ કર્યા પછી જો તમારી
પાસે લેપટોપ હોય તો તેમાં વનડ્રાઇવના તમારા પર્સનલ ફોલ્ડરમાં કુલ પાંચ જીબી સુધીની
ફાઇલ્સ સેવ કરીને તેને ક્લાઉડમાં પણ સેવ કરી શકાશે.