- રમકડાની રેલ ગાડીના પાટા પર બાળકીને વીજ શોક લાગતા મોત નિપજયાની ચર્ચા
- ગાર્ડન વિભાગ, બિલ્ડીંગ વિભાગ, લેક બનાવનાર એજન્સીના નિવેદન લેવાશે : ગંભીર ઘટનાના પગલે લોકોમાં રોષ સાથે ફફડાટ
ભાવનગર શહેરના અકવાડા લેકમાં ગઈકાલે રવિવારે સાંજના સમયે જાનવી રામજીભાઈ મેર (ઉ.૮) નામની બાળકી રમકડાની રેલ ગાડીના પાટા પર રમતી હતી ત્યારે અચાનક તે બેભાન થઈ જતા તેને તત્કાલ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જયાં હાજર તબીબે બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી તેથી બાળકીના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. રમકડાની રેલ ગાડીના પાટા પર બાળકીને વીજ શોક લાગતા મોત નિપજયાની ચર્ચા છે પરંતુ સાચુ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી. આ ઘટનાના પગલે આજે સોમવારે મહાપાલિકાના જુદા જુદા વિભાગના અધિકારીઓ તપાસ માટે અકવાડા લેક ગયા હતા અને બાળકીનુ મોત કંઈ રીતે થયુ ? તેની તપાસ હાથ ધરી હતી.
મૃતક બાળકીનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ નથી તેથી મૃત્યુનુ સાચુ કારણ જાણવા હજુ સુધી મળ્યુ નથી. અકવાડા લેકમાં કોન્ટ્રાકટ પર કર્મચારીઓ રાખી મહાપાલિકા દ્વારા તમામ સંચાલન કરવામાં આવી રહ્યુ છે. બાળકીનુ મોત નિપજતા મનપાના અધિકારીઓની દોડધામ વધી ગઈ છે અને મૃત્યુનુ સાચુ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. આ બાબતે ગાર્ડન વિભાગ, બિલ્ડીંગ વિભાગ, લેક બનાવનાર એજન્સી વગેરેના નિવેદન લેવામાં આવશે. આ બનાવના મામલે જેની બેદરકારી હશે તેની સામે કડક પગલા લેવામાં આવશે તેમ મનપાના કમિશનરે જણાવેલ છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ જવાબદાર સામે કડક પગલા લેવા જણાવ્યુ હતું. તપાસના અંતે મનપા દ્વારા શુ પગલા લેવામાં આવે છે ? તેની રાહ જોવી જ રહી. ગંભીર ઘટનાના પગલે લોકોમાં રોષ સાથે ફફડાટ ફેલાયો છેે. અકવાડા લેકમાં બાળકોને લઈને ફરવા જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મૃતક બાળકીના મોતનુ જવાબદાર કોણ ?
ભાવનગર શહેરના અકવાડા લેકમાં ૮ વર્ષની બાળકીનુ મોત નિપજયુ છે તેથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. વીજ શોક લાગતા બાળકીનુ મોત નિપજયાની ચર્ચા છે. મૃતક બાળકીના મોત અંગે જવાબદાર કોણ ? તે મોટો પ્રશ્ન છે. અકવાડા લેકનુ તમામ સંચાલન મનપા દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને મનપાએ તપાસ પણ હાથ ધરી છે પરંતુ બાળકીનુ મોત નિપજયુ છે ત્યારે તત્કાલ જવાબદાર અધિકારી-કર્મચારી સામે કડક પગલા લેવા જરૂરી છે.
અકવાડા લેકમાં સેફટીના સાધનોનો અભાવ, ઈલેકટ્રીશયન પણ નથી
ભાવનગર શહેરના અકવાડા લેકમાં બાળકીના મૃત્યુ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને તપાસ હાથ ધરી છે. અકવાડા લેકમાં સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. એક ઈલેકટ્રીશયન પણ રાખવામાં આવ્યો નથી તેથી આવી કોઈ ઘટના બને તો મદદ મળવી મૂશ્કેલ બની શકે. આ કિસ્સામાં મહાપાલિકાની બેદરકારી ખુલ્લી પડી હોવાની ચર્ચા છે અને આવી બીજી ઘટના ના બને તે માટે મનપાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
ઘટના બન્યા બાદ હવે રાઈટ્સોનુ ચેકીંગ કરાશે
અકવાડા લેકમાં નાની બાળકીનુ મોત નિપજયા બાદ મહાપાલિકાને ઈલેકટ્રીક રાઈટ્સોનુ ચેકીંગ યાદ આવ્યુ છેે. હવે તમામ ઈલેકટ્રીક રાઈટ્સોનુ ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ કર્યા બાદ રાઈટ્સો ચાલુ કરવા તપાસ અધિકારીએ સુચના આપી છે તેથી થોડા દિવસ ઈલેકટ્રીક રાઈટ્સો બંધ રહેશે. આ ઘટનાને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે મનપાએ યોગ્ય પગલા લેવા જરૂરી છે.


