ગોંડલમાં ધો.10ની પરીક્ષામાં મોબાઈલ સાથે પરીક્ષાર્થી પકડાતા કોપીકેઈસ
સીસીટીવી મોનીટરીંગના આધારે ગેરરીતિ પકડાઈ
જુનાગઢ શહેરમાં એક અને કેશોદમાં પરીક્ષા ચોરીના બે કેસ, ધો.10-12ના પ્રશ્નપેપરો પાઠયપુસ્તક આધારીત નીકળતા રાહત
રાજકો: ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષામાં આજે રાજકોટ જિલ્લામાં ગોંડલના પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરાના મોનીટરીંગના આધારે એક પરીક્ષાર્થી મોબાઈલ ફોન સાથે ઝડપાઈ જતાં તેની સામે ગેરરીતિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એ જ રીતે જૂનાગઢ શહેર અને કેશોદમાં ધો.૧૦ની પરીક્ષામાં ત્રણ ઉમેદવારો સામે પરીક્ષાચોરીના કેસ નોંધાયા હતા. ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાના આજના પ્રશ્નપેપરો પણ સહેલા નીકળતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા દરમિયાન આજે ગોંડલના બીએપીએસ સ્વામીનારાયણ ગર્લ્સ હાઈસ્કુલના પરીક્ષા કેન્દ્રમાં ધો.૧૦નો પરીક્ષાર્થી બેઝીક ગણીતનું પેપર આપી રહ્યો હતો. ત્યારે સીસીટીવીના મોનીટરીંગ દરમિયાન તેણે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢ્યો હોવાનું ધ્યાનમાં આવતા તુરંત જ સુપરવાઈઝરને જાણ કરી ચેક કરવામાં આવતા ચાલુ પરીક્ષાએ મોબાઈલ ફોન ઝડપાતા જીજ્ઞોશ પારઘી નામના ઉમેદવાર સાથે ગેરરીતિનો કેસ કરી ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું શિક્ષણાધિકારી કચેરીએ જાહેર કર્યુ હતું. એ જ રીતે જુનાગઢ શહેરમાં આવેલી કેમ્બ્રિજ હાઈસ્કુલમાં ધો.૧૦ની પરીક્ષા દરમિયાન એક અને કેશોદમાં બીએસ પબ્લિક સ્કુલ અને સિગ્મા ગુ્રપ ઓફ સ્કુલમાં પણ બે પરીક્ષાર્થી ચોરી કરતા ઝડપાયા હતા.
ધો.૧૦માં આજે બેઝીક ગણિતનું પ્રશ્નપેપર પાઠય પુસ્તક આધારીત સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓને રાહત થઈ હતી. ધો.૧૨માં અર્થશાસ્ત્ર વિષયના સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપેપરમાં પણ મોટાભાગના પ્રશ્નો પાઠયપુસ્તકમાંથી બેઠા પુછવામાં આવ્યા હતા. ધો.૧૨ની પરીક્ષામાં આજે કોપીકેસ 'નીલ' રહ્યા હતા.