ભાવનગર અને મહુવામાં ધુમ્મસની ચાદરથી હીલ સ્ટેશન જેવો માહોલ
- નાગરિકોએ વહેલી સવારે આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો
- વિઝિબિલિટી ઘટી જતાં 100 મીટર દૂરના પણ વાહનો દેખાતા બંધ થયા, અકસ્માતથી બચવા વાહનોની હેડલાઈટ ફરજીયાત શરૂ રાખવી પડી : મહુવા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર થંભાવી દેવો પડયો, મહુવામાં વીજ પુરવઠો ડૂલ
ઉનાળાની ઋતુમાં ભાવનગરવાસીઓ અલગ-અલગ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ રાત્રે જાણે શિયાળાની શરૂઆત હોય તેવો ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે મોસમે મિજાજ બદલતા સવારના સમયે સમગ્ર શહેર ઉપર ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. ધુમ્મસથી રસ્તાઓ ઢંકાઈ જતાં વહેલી સવારે વોકીંગ કરવા અને કામ સબબ નીકળેલા નાગરિકોએ હીલ સ્ટેશનમાં પહોંચી ગયા હોય તેવો અલગ જ વાતાવરણનો અનુભવ કર્યો હતો. જ્યારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતાં અકસ્માતથી બચવા માટે લોકોએ વાહનોની હેડલાઈટને ફરજીયાત શરૂ રાખવી પડી હતી. તેમાં પણ સામેથી કોઈ મોટું વાહન આવતું ત્યારે અકસ્માતનો ભય વધી જતો હતો. સૂર્યોદય બાદ ધુમ્મસ હટી જતાં વાતાવરણ અને જનજીવન સામાન્ય થઈ ગયું હતું.
ભાવનગરની સાથે મહુવા પંથકમાં પણ મોડીરાત્રિથી જ ઝાકળ-ધુમ્મસનું સામ્રાજ્ય સર્જાયું હતું. વહેલી સવારે તો ધુમ્મસ વધુ જતાં મહુવા નેશનલ હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ધુમ્મસની એટલી બધી વધુ હતી કે, નેશનલ હાઈવે પર વાહનો અને રસ્તા દેખાતા બંધ થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેના કારણે માર્ગો પર વાહનોના થડકલા જોવા મળ્યા હતા. મહુવા ઉપરાંત નાના-મોટા જાદરા, અમૃતવેલ, માઢિયા, દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. વધુમાં મહુવામાં મોડી રાતથી વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. વીજળી ડૂલ થયા અંગેની ફરિયાદ કરવા હનુમંત ફિડરની ઓફિસે ફોન કરવામાં આવે તો ફોન સતત એન્ગેજ હોવાની જ કેસેટ વાગતી હતી. જેના કારણે વીજ ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. ભાવનગર, મહુવા ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ માવઠાં બાદ આજે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું.