Get The App

ભાવનગરમાં જીએસ.ટીના બોગસ બિલીંગ કૌભાંડમાં 3 શખ્સ પકડાયા

Updated: Sep 3rd, 2023

GS TEAM


Google News
Google News
ભાવનગરમાં જીએસ.ટીના બોગસ બિલીંગ કૌભાંડમાં 3 શખ્સ પકડાયા 1 - image


સરદાર પટેલ સોસાયટીનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

વડવા નેરા અને ભીલવાડા સર્કલના બે કૌભાંડીને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરાયા

ભાવનગર: ભાવનગરમાં જીએસટીના બોગસ બિલીંગ કૌભાંડમાં ફરાર ત્રણ શખ્સને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ઝડપી લીધા હતા. આ ત્રણ કૌભાંડી પૈકી સરદાર પટેલ સોસાયટીમાં રહેતા શખ્સના એસઆઈટીએ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે બે કૌભાંડીને કોર્ટમાં રજૂ જિલ્લા જેલહવાલે ધકેલી દેવામાં આવ્યા હતા.

ભાવનગરમાં અશિક્ષિત અને ગરીબ લોકોના આધારકાર્ડમાં બીજાના મોબાઈલ નંબર ઉમેરી ખોટા દસ્તાવેજો ઉભા કરી જીએસટીના કરોડો રૂપિયાના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થતાં ગત ૨૭મી ફેબુ્રઆરીના રોજ રાજ્યવેરા નિરિક્ષકે સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી તપાસ સોંપવામાં આવતા બોગસ પેઢીઓ ઉભી કરી ૧૧૦૨ કરોડથી વધુનું બોગસ બિલીંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં ભીલવાડા અને વડવા નેરાના બે શખ્સની સંડોવણી બહાર આવતા એસઆઈટીએ ગઈકાલે શુક્રવારે શાહરૂખ ઉર્ફે ભુરો યુસુફભાઈ પઠાણ (ઉ.વ.૩૦, રહે, ભીલવાડા સર્કલ, આનંદ પ્રોવિઝન સ્ટોરની ઉપર બીસમિલ્લાહ કોમ્પલેક્ષની બાજુમાં) અને મહમદહુસેન ઉર્ફે બાદશાહ ઈસ્માઈલભાઈ કટારિયા (ઉ.વ.૨૮, રહે, જાલમસિંહનો ખાંચો, વડવા નેરા) નામના બે કૌભાંડીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમે ઝડપી લઈ આજે કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલહવાલે કરી દેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગત ૧૭-૭ના રોજ નિલમબાગ પોલીસ મથકમાં ખોટી પેઢી ઉભી કરી પેઢીના નામે બોગસ બીલો અને ઈ-બીલ જનરેટ કરી કૌભાંડ આંચરવામાં આવ્યાના નોંધાયેલા ગુનામાં મહાવીરસિંહ ગગજીભાઈ પરમાર (ઉ.વ.૪૨, રહે, પ્લોટ નં.૨૦, સરદાર પટેલ સોસાયટી નંબર-૨, જવેલ્સ સર્કલ પાસે) નામના શખ્સને એસઆઈટીએ ગઈકાલે સાંજના સુમારે દબોચી લઈ કોર્ટમાં રજૂ કરતા તા.૪-૯ને સોમવારે સવારે ૧૧ કલાક સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા.

Tags :