Get The App

નાનકિંગના ચોકમાં સેંકડો સ્ત્રી-પુરૂષોને જીવતા સળગાવ્યા..

Updated: Sep 27th, 2023

GS TEAM


Google News
Google News
નાનકિંગના ચોકમાં સેંકડો સ્ત્રી-પુરૂષોને જીવતા સળગાવ્યા.. 1 - image


- બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સૈનિકો દ્વારા નાનકિંગમાં અત્યાચારોનો સિલસિલો

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-6

- શહેરના માર્ગો પર ચીની યુવતીઓ પર જાપાની સૈનિકોની ખુલ્લેઆમ હેવાનિયત

- સેંકડો ચીની નાગરિકો પર ટેન્કો ફેરવીને જાપાનીઓએ તેમને જીવતા કચડી માર્યા

સેંકડો ચીનાઓને આ રીતે અડધા પડધા દફન કર્યા પછી જાપાની જવાનોએ ધારદાર તલવારોથી કેટલાકના માથા ધડથી અલગ કરી દીધા અને બાકીના પર ઘોડાઓ દોડાવીને કે ટેન્કો ફેરવી દઇ બેરહમ હત્યા કરી. નાનકિંગમાં ચોતરફ તેમણે લોહીની નદીઓ વહેતી કરી દીધી.

ચીનની આ જૂની રાજધાનીની ગલીએ ગલીએ, રસ્તાઓ પર અને શહેરના ચોક વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં લાશોના ઢગલા ખડકાયા હતા.

કોઇનું માથું ધડથી અલગ હતું. તો કોઇના હાથ-પગ કાપી નંખાયેલા હતા. નાના બાળકોના ટુકડે ટુકડા કરીને અહીં-તહીં ફંગોળાયેલા નજરે પડતા હતા.

માણસ  કેટલી હદે રાક્ષસ બની શકે છે, તેના રૂંવેરૂંવા ખડા કરી દેતા પુરાવા નાનકિંગમાં જોવા  મળ્યા હતા, છતાં ઇતિહાસના પાને જેટલી જર્મનીના તાનાશાહ હિટલરના યહૂદીઓ પરના અત્યાચારોની નોંધ લેવાઇ છે, તેનાથી અડધી નોંધ પણ નાનકિંગમાં જાપાની લશ્કરે ગુજારેલા અત્યાચારોની નથી લેવાઇ.

ધુ્રજાવી દેતી હકીકત તો એ છે કે માત્ર છ જ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં જાપાની જવાનોએ  નાનકિંગમાં ચીની સૈનિકો, નાગરરિકો કે જેમાં સ્ત્રીઓ, પુરૂષો અને બાળકો સુધ્ધાનો સમાવેશ થતો હતો, એ બધા મળીને અઢીથી ત્રણેક લાખ ચીનાઓની ફાયરિંગમાં,  કે તલવારથી અથવા તો પછી સેંકડોને નાનકિંગ શહેરમાંથી વહેતી યાન્ગઝે નદીમાં ફંગોળીને ક્રૂર રીતે હત્યાઓ કરી હતી. હજારો ચીનાઓ પર ટેન્કો ફેરવી દઇ તેમને જીવતા કચડી માર્યા હતા.

ભગવાન ઇસુ ખ્રિસ્તની છાતી પર પાપીઓએ ખીલા ઠોકી વધસ્તંભ પર તેમનો જીવ લીધો તેમ જાપાની જવાનોએ સેંકડો ચીનાઓને લાકડાના તેમના ઘરોની દીવાલો સરસા ઊભા રાખી તેમની છાતી પર ખીલા ઠોકી ઠોકી રિબાવી રિબાવીને તેમનો જાન લીધો હતો.

નિર્દોષ ચીની સ્ત્રી-પુરૂષોને મોતને ઘાટ ઊતારી દેવા માટે જાપાનીઓ કલ્પી પણ ન શકાય તેવા નવા શયતાની નુસ્ખા શોધી કાઢતા હતા.

એક જાપાની સૈનિક તો લોકોને જીવતા સળગાવી દેતો હતો.

નાનકિંગના શિઆક વાન વિસ્તારમાં  એક જાપાની જવાન દશ ચીનાઓને એક સાથે દોરડાથી બાંધી દીધા પછી ધક્કો મારી નજીકના મોટા ખાડામાં નાંખતો હતો, તે બાદ દોરડાથી એકસાથે બંધાયેલા ૧૦ ચીનાઓ પર ગેસોલિન રેડીને આગ ચાંપતો હતો.

નાનકિંગના બૈઇપિંગ રોડ પર મોટી સંખ્યામાં ચીનાઓને એક બિલ્ડિંગના બીજા માળે જતા રહેવા માટે જાપાની જવાનોએ હુકમ કર્યો. ચીનાઓ ઉપર પહોંચ્યા કે તુરત બિલ્ડિંગના લાકડાના દાદર જાપાનીઓએ તોડી નાંખ્યા પછી એ બદમાશોએ  બિલ્ડિંગને આગ લગાડી દીધી. કેટલાય ચીનાઓ આગમાં બળીને ભડથુ થઇ ગયા, કેટલાકે ગભરાઇને નીચે ભુસકો મારતા ગંભીર ઇજાઓથી એ લોકો મોતને ભેટયા.

નાનકિંગનો સૌથી ભયંકર બનાવ શહેરના ચોકમાં બન્યો હતો. જાપાનીઓએ સેંકડો પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને ધમકાવી/ડરાવીને ચોકમાં ઊભા કરી દીધા બાદ એ સૌ પર ગેસોલિન છાંટીને સળગતી દિવાસળીઓ તેમના પર ફેંકતા એકસાથે સેંકડો ચીની  નાગરિકો શહેરના ચોકમાં ભડકે બળ્યા હતા.

દુશ્મન દેશ ચીનના લોકોને જીવતા સળગાવ્યા પછી જાપાનીઓએ ચીની યુધ્ધકેદીઓને કાતિલ બરફીલી ઠંડીમાં ઊભા રાખી થીજાવીને મોતના મુખમાં ધકેલી દેવાનો નુસ્ખો પણ અજમાવ્યો હતો.

સેંકડો યુધ્ધકેદીઓને જાપાનીઓ અતિશય ઠંડીના કારણે થીજીને બરફ થઇ ગયેલા શહેરના એક તળાવના કિનારે લઇ ગયા. તળાવ કાંઠે ચીનાઓને તમામ કપડાં કાઢી નાંખી નગ્ન થઇ જવાની તેમણે ફરજ પાડી.

શરીર પર એકપણ કપડાં વગરના ચીનાઓ ઠંડીમાં થર થર ધુ્રજતા હતા. જાપાનીઓએ તેમને તળાવ પર પથરાઇ ગયેલા બરફનું ઉપલું પડ તોડવા હુકમ કર્યો. એ પછી દરેક ચીનાને બંદુકના ગોદા મારી તળાવના બરફીલા પાણીમાં ડૂબાડી દીધા...

હજારો ચીનાઓને જુદી જુદી અત્યંત ઘાતકી રીતે જાપાની લશ્કરના સૈનિકોએ મારી નાંખ્યા, તેની સાથોસાથ જાપાની જવાનોએ ચીની યુવતીઓ, સ્ત્રીઓ અને ૬૫-૭૦ વર્ષની વયની વૃધ્ધાઓ સુધ્ધાને પોતાના હવસનો શિકાર બનાવી હતી.

વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલા સામુહિક બળાત્કારના સૌથી જઘન્ય કિસ્સા નાનકિંગમાં બન્યા હતા. 

નાનકિંગમાં કેટલી સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારાયા, તેની ચોક્કસ સંખ્યા મળવી અશક્ય છે. પરંતુ ઉપલબ્ધ આંકડાઓ મુજબ ઓછામાં ઓછી ૨૦,૦૦૦થી લઇને વધુમાં વધુ ૮૦,૦૦૦ ચીની સ્ત્રીઓ/યુવતીઓ પર જાપાની જવાનોએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યા હતા.

ચીનાઓને મારી નાંખવા માટે જાપાનીઓએ જેમ જુદા જુદા તરીકા અમલમાં મુક્યા હતા, એ જ રીતે ચીની સ્ત્રીઓ પર જુલમ ગુજારવા જાપાની જવાનોએ અલગ અલગ નુસ્ખા અજમાવ્યા હતા.

જાપાની સૈનિકો સ્ત્રીઓ પરના જુલમમાં અધઃપતનની તમામ સીમાઓ વળોટીને અત્યંત હીન કક્ષામાં પણ અતિ નિમ્ન સ્તરે ઊતરી ગયા હતા. 

જાપાનીઓએ ખેડૂતોની પત્નીઓ, શાળા-કોલેજોની વિદ્યાર્થિનીઓ, શિક્ષિકાઓ, શ્રમજીવી સ્ત્રીઓ, તો ઠીક પણ બૌધ્ધ સાધ્વીઓ/સંન્યાસિનીઓને પણ તેમણે છોડી નહોતી.

જાપાનીઓના પાશવી ગેન્ગ રેપના લીધે કેટલીક યુવા સાધ્વીઓ ભયંકર રક્તસ્ત્રાવથી મોતને ભેટી હતી...!

નાનકિંગમાં કેટલાક જાપાની સૈનિકોએ તો હદ વળોટી દીધી હતી. રૂપાળી ચીની યુવતીઓને શોધવા માટે તેઓ ચીનાઓના ઘરમાં ઘુસી જઇ આખું ઘર ખુંદી વળતા.

ઘરમાં જઇ તેઓ રાઇફલની અણીએ આખા પરિવારને ડરાવી દઇ ઘરની યુવાન વયની છોકરીઓની માંગણી કરતા હતા. ચીની સ્ત્રીઓ પર ગમે તે સ્થળે અને ગમે તે સમયે બળાત્કારો થતા હતા.

ધોળા દિવસે નાનકિંગના રસ્તા પર લોકોની અવરજવર વચ્ચે જ આવા અપકૃત્યો કરતાં તેમને જરીકેય શરમ નહોતી આવતી.

પવિત્ર ધાર્મિક સ્થળોમાં પણ જાપાનીઓ કોઇ છોછ રાખ્યા વગર યુવતીઓને નગ્ન કરી નાંખતા હતા. ચર્ચ, બાઇબલ શીખવતી શાળાઓ અને સાધ્વી ગૃહોમાં જઇને પણ જાપાનીઓએ નિર્લજ્જરીતે બળાત્કાર ગુજાર્યા હતા. ધર્મનું શિક્ષણ આપતી  એક સ્કૂલના કમ્પાઉન્ડમાં ૧૭ જેટલા જાપાની સૈનિકોએ એક ચીની સ્ત્રીને નિર્વસ્ત્ર કરી વારાફરતી તેના પર શારીરિક જુલમ ગુજાર્યો હતો. 

(ક્રમશઃ)

Tags :