નાનકિંગ શહેરમાં જાપાની સૈનિકોના અધમ અત્યાચારો..
Updated: Sep 20th, 2023
- વર્ષ 1937ની તા.13 ડિસેમ્બર પછીના છ અઠવાડિયા દરમિયાન ચીનના
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-5
- જાપાની સૈનિકોને શિરપાવરૂપે રૂપાળી ચીની યુવતીઓ મોકલાતી હતી
- ઓછા સમયમાં સૌથી વધારે ચીનાઓને મોતને ઘાટ ઊતારવાની ઘાતકી સ્પર્ધા..!
જાપાનના પાટનગર ટોકિયોની ચુઓ યુનિવર્સિટીના હિસ્ટ્રીના એક નામાંકિત પ્રોફેસર યોશિમી યોશિઆકીએ જાપાનીઝ ડિફેન્સ એજન્સીના આર્કાઇવ્સમાં સંશોધન કર્યા બાદ વર્ષ ૧૯૯૧માં જે વિગતો બહાર પાડી તે અત્યંત ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે.
નાનકિંગ પર આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ જાપાની સૈનિકો દ્વારા બળાત્કારોની સેંકડો ઘટનાઓ વિશે વિરોધનો જુવાળ ઊભો કર્યો. તેના પ્રત્યાઘાતરૂપે જાપાનીઝ હાઇ કમાન્ડે બળાત્કારી સૈનિકોને શિક્ષા કરવાના બદલે ખાનગી રાહે મોટા પાયે ''લશ્કરી વેશ્યાવાડા'' શરૂ કરાવ્યા.
જાપાની લશ્કરી સત્તાધિશોએ મધ્ય ચીનમાં ''કમ્ફર્ટ હાઉસીસ'' (''Comfort Houses'') ની સવલત માટેના આયોજનનો અમલ શરૂ કરાવી દીધો.
જાપાનના હિસ્ટ્રી પ્રોફેસરે નોંધ્યું છે કે નાનકિંગ યુધ્ધ દરમિયાન સામુહિક બળાત્કારની સેંકડો શરમજનક ઘટનાઓ પછી ચીન, અમેરિકા અને યુરોપમાંથી ઉઠેલી ટીકાની ઝડીઓથી ગભરાઇને જાપાને (બળાત્કારોની ઘટનાઓ છુપાવવા) Comfort Houses ની સવલત ઊભી કરી.
હકીકતમાં આ કન્ફર્ટ હાઉસીસ એ જાપાની સૈનિકો માટેના સત્તાવાર વેશ્યાવાડા જ હતા..!
લાંબો સમય સુધી યુધ્ધ મેદાન પર લડતા સૈનિકોને, ''શિરપાવરૂપે'' આ 'કમ્ફર્ટ હાઉસીસ' ની સુવિધા જાપાની લશ્કર પુરૃં પાડતું હતું.
પાછળથી વિશ્વના દેશોને આની જાણ થઇ ત્યારે પણ જાપાની સરકારે તો આનો ઇન્કાર કરતા એવી દલીલ કરી હતી કે જાપાનની ઇમ્પિંરીઅલ ગવર્નમેન્ટ (જાપાનના સમ્રાટની નિગેહબાની હેઠળની સરકાર) નહીં પણ ખાનગી બિઝનેસમેનો યુધ્ધકાળ વખતે વેશ્યાવાડા ચલાવતા હતા. પરંતુ ખુદ ટોકિયોની ચુઓ યુનિવર્સિટીના પ્રોફેસરે સંશોધન બાદ પુરવાર કર્યૂં કે આ વેશ્યાવાડા જાપાની લશ્કર જ ચલાવતું હતું.
પહેલું સત્તાવાર ''કન્ફર્ટ હાઉસ'' નાનકિંગ શહેર નજીક વર્ષ ૧૯૩૮માં શરૂ કરાયું હતું. સુસંસ્કૃત સમાજના લોકો કલ્પી પણ ન શકે એટલી ખરાબ હાલત અહીં સ્ત્રીઓની કરાતી હતી.
જાપાની સૈનિકોને આ સ્ત્રીઓ નવડાવતી અને સ્નાન કરાવ્યા પછી આખા શરીરે તેમને મસાજ પણ કરી આપવો પડતો હતો.
આ કમ્ફર્ટ હાઉસની યુવતીઓને જાપાની સૈનિકો ટોન્ટમાં 'પબ્લિક ટોઇલેટ' કહેતા હતા. આવી સેંકડો સ્ત્રીઓએ પાછળથી આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધા; કેટલીય સ્ત્રીઓ ગુપ્ત રોગથી રીબાઇને મરી ગઇ તો ઘણી સ્ત્રીઓને ખુદ જાપાની સૈનિકોએ ગોળીથી વિંધી નાંખી હતી.
જાપાનના શીઓડોર કુક નામના એક સ્કોલરે જાપાની સૈનિકોના આટલી હદ સુધીના વિકૃત ''માઇન્ડ સેટ''નો તલસ્પર્શી અભ્યાસ અને સંશોધન બાદ છેલ્લે લખ્યું છે કે નાનકિંગમાં જાપાનીઝ સૈનિકોના માઇન્ડ સેટ વિશે સંશોધન કરવું એ અવકાશના Black Holes (બ્લેક હોલ્સ) વિશે સંશોધન કરવા જેવું કઠિન કામ છે.
દિવસો સુધી જાપાની સૈનિકોએ ચીનના નાનકિંગ શહેરની સ્ત્રીઓ પર જે બળાત્કારો ગુજાર્યા અને તે પછી તેમની બેરહમ હત્યાઓ કરી તેની પાછળનું લોજિક આજ સુધી કોઇ હિસ્ટોરિયન કે સ્કોલર સ્વાભાવિક રીતે જ સમજી શક્યા નથી. કારણ વાસ્તવમાં આવા અધમ કૃત્યો પાછળ ''વિકૃત માઇન્ડ સેટ'' સિવાય બીજું કોઇ લોજિક હોતું નથી.
સૌથી આઘાતજનક બીજી એક હકીકત એ છે કે નાનકિંગમાં જાપાની લશ્કરી અધિકારીઓ/સૈનિકો વચ્ચે ચીનાઓને મારી નાંખવાની સ્પર્ધા યોજાતી કે કોણ ટૂંકા સમયમાં વધુમાં વધુ ચીનાઓને મારી નાંખે..! વર્ષ ૧૯૩૭ની સાતમી ડિસેમ્બરના ''જાપાન એડવર્ટાઇઝર'' નામના અખબારમાં આ અધમ કક્ષાની સ્પર્ધાનો અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો.
એક દિવસ જાપાની લશ્કરના સેકન્ડ લેફટનન્ટ ઓનોએ તેમના તાબાના સૈનિકોને કહ્યું, તમે આજે કોઇની હત્યા નથી કરી તો ચાલો આજે આપણે મારી નાંખવાની પ્રેક્ટિસકરીએ. તમારે ચીનાઓ માણસ છે એવું વિચારવાનું જ નહીં, તેઓ બધા કુતરા-બલાડાથી ય ઊતરતા છે, એવું તમારે વિચારવાનું છે. હિંમતવાન બનો !બી બ્રેવ! આ કિલિંગ પ્રેકિટસમાં જે ભાગ લેવા માંગતા હોય તે આગળ આવે.
જાપાની લશ્કરના આક્રમણ અગાઉના સમયગાળામાં નાનકિંગ શહેરની વસ્તી લગભગ ૧૦ લાખ જેટલી હતી, પરંતુ વર્ષ ૧૯૩૭ના ડિસેમ્બર મહિના સુધીમાં શહેરની વસ્તીમાં અડધો અડધ ઘટાડો થઇ ગયો હતો.
નાનકિંગની વસ્તી હવે ભલે દશમાંથી પાંચ લાખની થઇ ગઇ, પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ચીનાઓ શહેરમાં આવી ગયા હતા, જાપાની લશ્કર આક્રમણ કરશે એવા ભયથી ગામડાના લોકો સલામતી માટે શહેરમાં આવી ગયા હતા.
તેઓ એવું વિચારતા કે નાના ગામમાં તેમને રક્ષણ આપનાર કોઇ નથી પણ નાનકિંગની ચારેબાજુ સંરક્ષણ દીવાલો છે, વળી શહેરમાં પોલીસ અને લશ્કરના જવાનો મોટા પ્રમાણમાં હોવાથી તેમને રક્ષણ મળશે.
પણ તેરમી ડિસેમ્બર ૧૯૩૭ના દિવસે જાપાનીઓએ નાનકિંગ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું તે પછીના છ અઠવાડિયા સુધી જાપાનના સૈનિકોએ નાનકિંગના પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો પર જે બેહદ જુલમ ગુજાર્યો તેનો દુનિયામાં બીજે ક્યાંય જોટો જડે તેમ નથી.
હિટલરના નાઝી સૈનિકોના અપકૃત્યોને પણ ઓછા અધમ કહેવડાવે તેવા પ્રકારના અત્યંત અધમ અત્યાચારો જાપાની સૈનિકોએ નાનકિંગમાં ગુજાર્યા હતા. કેવળ ચીની યુધ્ધકેદીઓ જ નહીં પણ નાનકિંગ શહેરના નિર્દોષ સ્ત્રી, પુરૂષો તેમજ બાળકો પર જાપાની સૈનિકોએ જે અમાનુષી જુલમ ગુજાર્યા તેની વાતો ભલ ભલાના કાળજા કંપાવી દે તેવી છે...
સેંકડો ચીનાઓને જાપાની સૈનિકોએ જીવતા જ દફન કરી દીધા હતા.
શયતાની મનોવૃત્તિ ધરાવતા જાપાની જવાનો પચાસેક ચીનાઓ પાસે પહેલા તો એક વિશાળ કબર ખોદાવતા'તા.
વાસ્તવમાં જાપાનીઓની શયતાનિયત એટલી તો અધમ કક્ષાની હતી કે જે ચીનાઓ પાસે તેમણે કબર ખોદાવી એ કબરમાં, કબર ખોદનારાને તેમણે જીવતા દફનાવી દીધા...
નાનકિંગમાં તેમની નીચતા કે બદમાશી માત્ર આટલેથી જ અટકી નહોતી. કેટલીક કબરોમાં ચીની નાગરિકોને પુરેપુરા દફન કર્યા, પણ અન્ય કેટલીક નાની કબરોમાં ચીની જવાનો, નાગરિકો, કે સ્ત્રીઓને અંદર ઊભા રાખ્યા અને પછી હટ્ટાકટ્ટા ચીની યુધ્ધકેદીઓ પાસે એ કબરોમાં કાંતો કમ્મર સુધી કે ગળા સુધી માટી પુરાણ એ રીતે કરાવ્યું કે કબરમાં ઊભેલા ચીનાઓ તેમની એ સ્થિતિમાંથી જરીકેય આમ કે તેમ ખસકી ના શકે.
(ક્રમશઃ)