સાચી સખી કોને કહેવાય? .
- મૈત્રીની કોઈ ઉંમર કે શરત નથી હોતી. ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેવી હાલતમાં મિત્રતા થઈ જાય કહી નથી શકાતું. જે મિત્ર તમને તમારી ખામી સાથે અપનાવી લે, તમારી નકારાત્મક વિચારસણીને હકારાત્મક બનાવી દે, તે દોસ્તી આજીવન ટકી શકે છે.
મારી અને રૂપાની મિત્રતા લાંબા સમયથી છે. આજે અમારી કંપનીમાં અમારી મૈત્રીની ચર્ચા જોરશોરથી કરવામાં આવે છે. કદાચી મારી સાહેલી રૂપાનો સ્વભાવ, તેની સરળતા અને નિષ્ઠાને લીધે જ આ શક્ય બન્યું છે. આમ તો રૂપામાં અનેક ગુણ છે. પરંતુ એક અવગુણ છે. તે સુંદર છે, પરંતુ તેનામાં આત્મવિશ્વાસની ખામી છે. આત્મવિશ્વાસ ન હોવાને કારણે તે બધાની વાતમાં હા એ હા કરે છે. ખોટી વાતને પણ તે ખોટી નથી કહી શકતી.
સાચી વાતમાં હા એ હા કરવું તો ઠીક છે. પરંતુ દરેક વાતને સમર્થન આપવું બરાબર નથી. તેના ભોળપણથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. તેથી મેં તેને પાસે બોલાવી તેની ઘણીખરી બાબતોની પ્રશંસા કરી, મને જે ખોટું લાગ્યું તેના માટે મેં તેને સરળ રીતે સમજાવી.
મેં તેને કહ્યું સૌથી પહેલાં તો તે વ્યવસ્થિત કપડાં પહેરે અને નજર મેળવી વાત કરે. પહેલાં તો રૂપાએ થોડીઘણી આનાકાની કરી, પરંતુ ધીમેધીમે તેને મારી વાત સમજાઈ. મેં તેનામાં પરિવર્તન આવતું જોયું અને એ સફળતાની પહેલી સીડી હતી અને મારી સુપર સાહેલી બનવાની કોશિશનું પ્રથમ પગલું હતું. રૂપા હવે પહેલાં જેવી રૂપા નહોતી. દિવસે દિવસે તેનો આત્મવિશ્વાસ વધતો જતો હતો.
વર્તન બનાવે સુપર
એક સુંદર કાર્ડ કવિતાના નામે આવ્યું હતું. કવિતાએ વાંચ્યું, ''થેંક યુ મારી સાહેલી'' તેની આગળ પાછળ બીજું કંઈ જ લખેલું નહોતું. કવિતાને કંઈ ન સમજાયું તે સાહેલી તો છે, પરંતુ સુપર કેવી રીતે? એમ પણ સાહેલી બનાવવી સરળ નથી. બાળપણની મિત્રતામાં ચોક્કસ એક સાદગી અને આત્મીયતા હોય છે. તેમાં અમીરગરીબના, ઊંચનીચના ભેદભાવ હોતા નથી એટલે જ તો સગાવહાલાંની સરખામણીમાં મિત્રતાને વધારે મજબૂત સમજવામાં આવે છે.
સંબંધમાં વહેંચાતી મિત્રતા
લગ્ન પછી બે સગી બહેનો કે જે સારી મિત્ર અને સુખ દુ:ખની સાથીદાર હોય છે તે પણ દૂરની સંબંધી બની જતી હોય છે અને મિત્રતા પણ આવા સંબંધમાં ક્યાંક વહેંચાઈ જતી હોય છે. એટલા માટે જ અજાણ્યાં સાથે કરવામાં આવેલી મિત્રતા પળવારના મિલનમાં જે સુખ આપે છે તેના માટે એક જન્મ પણ ઓછો પડે છે. કવિતાની સાથે પણ કદાચ આવું જ કંઈક થયું હતું. એક સમારંભમાં પલક સાથે તેની મુલાકાત થઈ હતી. પલક ઈન્ડિયન એરલાઈન્સની ઓફિસમાં કામ કરતી હતી. ત્યાં સોફા પર કવિતાની બાજુમાં જરાય જગ્યા નહોતી ત્યારે પલક તેની બે પુત્રીઓ સાથે ત્યાં આવી. તેણે કંઈક એવી રીતે જગ્યા કરી આપવાની વિનંતી કરી કે કવિતા ના પાડી શકી નહીં. દરમિયાન તેમની વચ્ચે વાતચીતની શરૂઆત થઈ.
પલકે પૂછ્યું કે તેને આ સમારંભમાં કેવી રીતે આવવાનું થયું?
ત્યારે કવિતાએ તેને જવાબ આપ્યો કે તે મુખ્યમંત્રીના ઈન્ટરવ્યૂ માટે આવી હતી ત્યારબાદ વાતચીતનો સિલસિલો શરૂ થયો. કવિતાની વાતનો પલક સભ્યતાથી જવાબ આપતી હતી.
કવિતાએ પૂછ્યું કે સાથે બીજું કોેણ આવ્યું છે? ત્યારે પલકે જવાબ આપ્યો કે પાછળ તેના સાસુ બેઠાં છે.
કવિતાએ કહ્યું કે તેમને તારી સાથે કેમ નથી બેસાડતી. તું બીજા સાથે રાજીખુશીથી બેસી શકે છે તો તારી પોતાની વ્યક્તિ સાથે કેમ નહીં. તે વડીલ છે, જરાક પ્રેમથી હસીને બોલશે તો તેમાં તારું શું જવાનું?
કવિતાની વાતો સાંભળીને તેણે આંખ આડા કાન કર્યા, પરંતુ તેના મનમાં કવિતાને મળતા રહેવાની ઈચ્છા તીવ્ર બનતી જતી હતી. આ બાબત કવિતાએ અનુભવી. કદાચ એટલા માટે પલકે સમારંભ પૂરો થતાં કવિતાનું સરનામું લઈ લીધું અને તેને પોતાનું એડ્રેસ આપીને ક્યારેક ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. કવિતા તો આ મુલાકાતને ભૂલી ગઈ હતી. પણ એક દિવસ અચાનક પલકને ઘરના દરવાજા પર જોઈ તે ચોંકી ગઈ.
''બસ ખાલી અહીંથી જતી હતી તો થયું કે તેને મળતી જાઉં.'' પલકે સંકોચ સાથે કહ્યું.
''શું લઈશ?'' કહીને કવિતા તેની સાસુની સામે જોઈને બોલી, ''બા મારી ફ્રેન્ડ પલક આવી છે, મેં તમને પેલા દિવસે તેનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે હું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગઈ હતી.''
આત્મીયતા ભર્યું વર્તન :
બાને પલક પાસે ડ્રોઈંગરૂમમાં બેસાડીને કવિતા ચા-નાસ્તો બનાવવા જતી રહી. બા સાથે વાતચીત કરીને પલકને ખૂબ આનંદ થયો. તેમના વર્તનમાં આત્મીયતા હતી. એટલામાં કવિતા નાસ્તાની ટ્રે લઈને આવી. બાને ચાનો કપ આપતાં કવિતાએ કહ્યું, ''આ તમારી મોળી ચા છે અને આ બિસ્કિટ.'' તેણે પલકને ચાનો કપ આપતાં પૂછ્યું, ''કહે જોઈએ તારી નોકરી કેવી ચાલે છે અને તારી પુત્રીઓ શું કરે છે.''
પરંતુ પલકનું સંપૂર્ણ ધ્યાન કવિતાની કામગીરી પર હતું કે કેવી રીતે ચા પીતાં ઊઠીને બા માટે ઢીંચણિયું લઈ આવી. પલકને બિસ્કિટ આપતાં, ''એક્સક્યૂઝ મી'' કહીને ઝડપથી નાનો ધાબળો લઈ આવી અને બાના ગોઠણ પર ઓઢાડીને તેમને પાછળ તકિયાના ટેકે બેસવાનો ઈશારો કર્યો. પલકે નોંધ લીધી કે કવિતા મહેમાનગતિ કરતી હતી સાથે સાથે બાનું પૂરતું ધ્યાન પણ રાખતી હતી.
ચા પૂરી કરતા કવિતા બોલી, ''પલક, મારે એક કવરેજ માટે મંત્રાલય જવાનું છે. ફ્રી હો તો તું પણ આવ મારી સાથે.'' એવું કહીને કવિતાએ પર્સ ઉઠાવ્યું અને ચાવીઓનો ઝૂડો બાને આપતાં કહ્યું, ''બા, આ તિજોરીની ચાવી તમારી પાસે રાખો અને આ થોડો મેવો છે તે ચોક્કસ ખાઈ લે જો અને બને ત્યાં સુધી ચાને બદલે સૂપ પીજો જે થરમોસમાં બનાવીને રાખ્યું છે.'' પછી તે બાને પગે લાગીને હસતાં હસતાં નોકરને સૂચના આપીને બહાર નીકળી ગઈ.
ગુણ અપનાવવાની ચાહના
પલકને કવિતાનું વ્યક્તિત્વ ખૂબ ગમી ગયું. તેને મન થયું કે કાશ, તે પણ તેના જેવી બની શકતી હોત તો. પોતે તો સાસુ સાથે કેવા મતભેદ રાખતી હતી. ખાવાપીવામાં બેદરકારી રાખતી હતી. અને ક્યાં કવિતા, જે તેની સાસુને કેટલુ માન આપતી હતી.
હવે તો અવારનવાર પલક કવિતાના ઘરે આવ-જા કરતી હતી જેથી કરીને કવિતા જેવી બની શકવાની કોશિશમાં કોઈ કસર ન રહે. તેના જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવી ગયું હતું. તેનું ઘર પણ તેના વર્તનથી બદલાઈ ગયું હતું. કવિતાની બધી બાબતો પલકને આદર્શ લાગતી હતી. આવી રીતે પલકની કવિતા સાથેની મૈત્રી આસ્થામાં, આસ્થા વિશ્વાસમાં અને વિશ્વાસ અનુકરણમાં બદલાઈ ગયો અને પરિણામ આવ્યું સર્વોત્તમ એટલે કે સુપર કહેવાઈ.
મૈત્રીની કોઈ ઉંમર કે શરત નથી હોતી. ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેવી હાલતમાં મિત્રતા થઈ જાય કહી નથી શકાતું. દોસ્તી આજીવન ટકી શકે છે.જે મિત્ર તમને તમારી ખામી સાથે અપનાવી લે, તમારી નકારાત્મક વિચારસણીને હકારાત્મક બનાવી દે, પોતાની વાણીની મીઠાશ અને વ્યવહારકુશળતાથી તમારું દિલ જીતી લે તો ચોેક્કસ તેનામાં એવા બધા સદ્ગુણો હાજર છે, જે કોઈને એવું કહેવા માટે મજબૂર કરી દે, 'તમે વાત કરો તો ઘણું સારું લાગે, આ દૂરનું આકાશ અને મારું આવું ગજબનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી મહિલા બીજાના દિલમાં એવી ઈચ્છા ઊભી કરવામાં સક્ષ્મ હોય છે કે તેમને પણ પોતાના જેવી બનાવી શકે કે પછી તો તે ચોક્કસપણે 'સુપર સાહેલી' બનવાની દાવેદાર છે.