જાતજાતની વીંટીઓ પહેરીને દેખાઓ સ્ટાઇલિશ
એક સરસ મઝાની વીંટી આપણા હાથની સુંદરતા અનેકગણી વધારી મૂકે છે. આજે બજારમાં કંઇકેટલીય ડિઝાઇનની વીંટીઓ મળે છે. એકદમ સાદી હીરાજડિત વીંટી તમને સોબર લુક આપે છે. પરંતુ જો તમે કોકટેલ રિંગ પહેરો તો સ્ટાઇલિશ દેખાઓ છો. આજે આપણે કેવા હાથમાં કેવી વીંટી પહેરવી અને કેવી ફિંગર રિંગ તમને કેવો લુક આપે તેની વાત કરીએ.
જો તમારા હાથ પાતળા હોય તો ચેન ફિંગર રિંગ પહેરો. તેનથી હાથ ભરેલા દેખાશે. ચેનવાળી વીંટી એક કરતાં વધુ આંગળીઓમાં પણ પહેરી શકાય છે. એક તબક્કે પાંચ ચેન સાથે જોડાયેલી પાંચવીંટી ધરાવતી ડિઝાઇનને પંજો કહેવાતો.
તમારા જ્વેલરી કલેક્શનમાં એકાદ-બે કોકટેલ ફિંગર રિંગ અચૂક રાખો. મોટા કદની હોવાથી કોકટેલ રિંગ એકદમ સ્ટાઇલિશ લુક આપે છે. અચાનક પાર્ટીમાં જવાનું થાય અને કઇ એક્સેસરીઝનો ઉપયોગ કરવો તે ન સૂઝે ત્યારે કોકટેલ રિંગને સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે પણ પહેરી શકાય. પાતળી અને લાંબી આંગળીઓમાં આવી વીંટી અત્યંત સુંદર લાગે છે.પશ્ચિમી પરિધાન સાથે આવી વીંટી વધારે સરસ દેખાશે.
હવે નેલ આર્ટ રિંગ પહેરવાની ફેશને જોર પકડયું છે. જો તમારી પાસે નેલ આર્ટ કરાવવાનો સમય ન હોય તો નખ પાસે પહેરી શકાય એવી નેલ આર્ટ વીંટી પહેરી લો. વેસ્ટર્ન વેઅર સાથે બ્લેક એન્ડ વાઇટ શેડની નેલ આર્ર્ટ રિંગ પહેરો. પરંતુ પરંપરાગત પોશાક સાથે હીરા-માણેક જડેલી નેલ આર્ટ અંગુઠી સુંદર દેખાશે.
ખાસ પ્રસંગે બધી આંગળીઓમાં જુદી જુદી વીંટીઓ પહેરવાને બદલે ફોર ફિંગર રિંગ પહેરો. આ વીંટીઓ એકસાથે જોડાયેલી હોય છે. પરંતુ તમે પહેરો ત્યારે ખબર નથી પડતી કે તે પરસ્પર જોડાયેલી છે. ફોર ફિંગર રિંગની જેમ તમે ટુ ફિંગર કે થ્રી ફિંગર રિંગ પણ પહેરી શકો.
છેલ્લા કેટલાક સમયથી કફ ફિંગર રિંગની ફેશન પણ ખીલી છે. જો તમારી આંગળીઓ લાંબી અને પાતળી હોય તા ે પહોળા કફવાળી વીંટી ખરીદો. પરંતુ જો તમારી આંગળીઓ ભરાવદાર અને નાની હોય તો આવી રિંગ ન પહેરો, આંગળીઓ વધુ નાની દેખાશે.