ભાડાના ઘરમાં પણ વાસ્તુ મુજબની વ્યવસ્થા રાખવી જરૂરી
અમદાવાદ, રાજકોટ કે મુંબઈ જેવા મોટા શહેરોમાં ઘણાં લોકોએ એક યા બીજા કારણસર ભાડાના ઘરમાં રહેવાનો વારો આવે છે. કોઈનું મકાન રિડેવલપમેન્ટમાં જાય છે અથવા તો એનું રિનોવેશન કરવું પડે એમ હોય છે. સવાલ એ છે કે આ સંજોગોમાં ભાડાના ઘર (રેન્ટેડ હાઉસ) માં વસવાટ સીમિત સમય માટે હોય છતાં પણ વાસ્તુના નિયમો યાદ રાખવા જરૂરી છે? તમારે જો રેન્ટેડ હાઉસમાં શાંતિ, મનમેળ અને આનંદથી રહેવું હોય તો વાસ્તુની ટિપ્સ અમલમાં મુકવી જરૂરી છે.
ડિલ (સોદો) કરતાં પહેલાં રેન્ટેડ પ્રોપર્ટીના લોકેશનનો વિચાર કરવો સૌથી અગત્યનો છે. મોટા ભાગે લોકો પોતાના કામ-ધંધાના સ્થળની આસપાસ જ ભાડાનું ઘર શોધે છે. પણ એ ઉપરાંત મકાન હોસ્પિટલ, કબ્રસ્તાન કે વધુ પડતી ભીડભાડવાળી જગ્યા જેવા નેગેટીવ એનર્જી ધરાવતા સ્થળોએથી પણ દૂર હોય એ સુદ્ધા જરૂરી છે. ભાડાના મકાનમાં તમારો પરિવાર શાંતિ અને સુમેળથી રહી શકે એ માટે કેટલીક સરળ અને સોંઘી વાસ્તુ ટિપ્સની ચર્ચા કરવી હિતાવહ છે.
૧- ભાડાના ફ્લેટનો સોદો ફાઈનલ કરતા પહેલા પાછી ખાતરી કરી લેવી કે એની કોઈ દીવાલમાં ભેજ તો નથી ને.
૨- નળમાંથી પાણી ટપકતું હોય કે પાઈપલાઈન તૂટેલી હોય તો એને તુરત રિપેર કરાવી લેવી.
૩- એ સિવાય, મેન એન્ટ્રન્સ ડોર પાસે પુરતો ઉજાસ હોય એ જરૂરી છે. બીજું, ઘરનો કચરો કે એંઠવાડ સીધો દરવાજાની બહાર ફેંકવાનું ટાળવું. એ હાઈજિન અને વાસ્તુ બંનેની દ્રષ્ટિએ જરૂરી છે.
૪- ચોથો મુદ્દો. મીઠુ અથવા કપૂર નાખેલા પાણીથી નિયમિત દરેક રૂમ લુછવાનું રાખો. બીજું, ધૂપ કે એસેન્સિયલ્સ ઓઈલ્સ વાપરવાથી પણ ફ્લેટની ઉર્જા અનેક ગણી વધી જશે.
૫- તાજા ફૂલો પણ પુષ્કળ ગુણકારી છે કારણ કે એ ઘરમાં પોતાની સાથે પોઝિટીવ એનર્જી ક લાવે છે. વળી, શાંત અને ધીમું સંગીત વગાડવાથી પણ ફ્લેટનો માહોલ એકદમ પીસફુલ થઈ જશે.
૬- ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જેમાં પરિવારના વડીલોના ફોટા ન હોય. ફલેટમાં બાપદાદાના ફોટા રાખવાની સાચી દિશા દક્ષિણ પશ્ચિમ છે એટલું યાદ રાખો.
૭. ફ્લેટની પૂર્વ દિશામાં પહોળા પાંદડાના અમુક ગ્રીન પ્લાન્ટ્સ ગોઠવો. વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ સૌથી બેસ્ટ છે.
૮. જાણીને નવાઈ લાગે પણ એ હકીકત છે કે પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં ફળોની ટોપલી રાખવાથી ઘરમાં લક્ષ્મી અને સમૃદ્ધિ આવે છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં સરસ્વતી માતાનો ફોટો રાખવાનું પણ શુભ છે અને એનાથી તમારી અંદર સારુ-નરસુ પારખવાનો પાવર આવશે.
૯. ભલે એ કોમન સેન્સની વાત છે પણ વાસ્તુ મુજબ એ મહત્ત્વની છે. ફ્લેટને વેરણછેરણ ન રહેવા દો અને એ માટે ઉપયોગમાં ન લેવાતા હોય એવા જુના મોબાઈલ ચાર્જર્સ, ફોન, લેપટોપ અને બીજી ઈલેક્ટ્રોનિક આઈટમો કાઢી નાખો. ઘરમાં જાળા બાજી ન જાય એ માટે સમયાંતરે ઘરનો દરેક ખૂણો સાફ કરતા રહો.
૧૦. આપણા વડીલો કહેતા કે બંધ પડેલી ઘડિયાળ અશુભ છે. વાસ્તુશાસ્ત્ર પણ કહે છે કે વોલ ક્લોક્સ અને કબાટમાં રાખેલી કાંડા ઘડીયાળો પણ ચાલુ કન્ડીશનમાં છે એની ખાતરી કરતા રહેવી.
૧૧. ફ્લેટના મેઈન ડોરની બહાર ભગવાનની મૂર્તિ કે તસવીર કદી ન રાખવી જોઈએ. એટલા માટે કે ઈશ્વરનું સ્થાન પૂજાના રૂમમાં જ છે.