જીતી શકે એવા ઉમેદવાર શોધવાની લ્હાય લોકશાહી માટે જોખમી બનશે
- રાજકીય સત્તા સર્વોપરી છે તે લોકો સમજવા લાગ્યા છે
- રાજકારણની કમનસીબી એ છે કે કોઇ કાર્યકર બનવા તૈયાર નથી, સૌને સીધા ચૂંટાઇને સત્તાસુખ ભોગવવું છે
લોકશાહીમાં સૌથી મોટી સત્તા કઇ? વાહવાહી ખેંચી લાવતી તેમજ પડકારજનક કોઇ સત્તા હોય તો તે રાજકીય સત્તા છે. બોલિવુડ સેલિબ્રિટી કે ક્રિકેટ સેલિબ્રિટી એમ માનતા હોય કે અમે લોકોના દિલ પર રાજ કરીએ છીએ તોે તેઓ મોટી ભૂલ કરે છે. કોઇ પોલીસ વડા પોતાના કામમાં બાહોશ હોય, પરંતુ એ ઘણી વાર પ્રજાની સમસ્યાનો નિકાલ નથી કરી શકતા. કોર્પોરેટ દુનિયા સાથે સંકળાયેલાઓ અબજોપતિઓની નજર પણ રાજ્યસભાની સીટ પર ચીટકેલી હોય છે. આઇએએસ-આઇપીએસ અધિકારીઓ રાજકારણમાં પ્રવેશવાનું સપનું સેવતા આવ્યા છે. ગુજરાતમાં અડધો ડઝન જેટલા ચહેરા એવા છે કે જે પોલીસના ટેન્ટમાંથી રાજકારણના મેદાનમાં આવ્યા છે. આવા લોકો કેટલા સફળ થાય છે તે બીજા નંબરની વાત છે, પરંતુ આવા લોકો કોમનમેનની જગ્યા રોકીને બેસી જાય છે.
ભારતનું રાજકારણ દરેક ક્ષેત્ર માટે લોહીચુંબક સમાન સાબિત થયું છે. તેના પર કુટુંબ વાદ, સમાજના પ્રતિષ્ઠિત લોકો, સેલિબ્રિટી જગત અને અંધારી આલમની પકડ હતી, જેના કારણે દેશનો સામાન્ય વર્ગ રાજકારણથી દૂર રહેતો આવ્યો છે. જીતી શકે એવા ઉમેદવાર શોધવાની લ્હાયમા રાજકીય પક્ષો ઉમેદવારની પસંદગીની મર્યાદા સીમિત બનાવી દે છે. પોતાના પ્રતિસ્પર્ધીને હરાવીને યેનકેન પ્રકારેણ સત્તા કબજે કરવાની વાત લોકશાહીના પાયામાં હથોેડા ફટકારવા સમાન સાબિત થઇ રહી છે.
સત્તા કબજે કરવા વપરાતી ચાલબાજી, લુચ્ચાઇ, જ્ઞાાતિવાદનાં સમીકરણો વગેરેને કારણે મધ્યમવર્ગ ચૂંટણી જંગમાં ક્યાંય જોવા નથી મળતો. ટિકિટવાંચ્છુઓ અને તેમના સમર્થકો ચમચમાતા ફોર વ્હીલરમાં આવતા હોય છે. તેમાં ટુ વ્હીલરવાળા શોધ્યા પણ નથી મળતા. ટૂંકમાં, આખો ખેલ પૈસાનો બની ગયો છે. પક્ષને શું આપશે અને પક્ષ શું આપશે જેવી વાતો લાખો-કરોડો રૂપિયા સાથે સંકળાયેલી હોય છે.
બોલિવુડીયા ચહેરા દેશનો વહીવટ કરી શકવા સક્ષમ નથી હોતા, પરંતુ તેમની લોકપ્રિયતા જોઇને તેમને ક્યાં તો પ્રચારમાં બોલાવાય છે અથવા તો ઉમેદવાર બનાવાય છે. દક્ષિણના ફિલ્મસ્ટારોને તો રાજકારણનું એવું વળગણ હોય છે કે કોઇ રાજકીય પક્ષ ભાવ ના આપે તો પોતાનો રાજકીય પક્ષ ઊભો કરી દે છે. એન.ટી.રામારાવ, જયલલિતા જેવાં મુખ્યપ્રધાન બન્યાં હતાં અને કેન્દ્રીય રાજકારણ પર પ્રભાવ ઊભો કરી શક્યાં હતાં.
દક્ષિણના રાજ્યોમાં જ્યારથી રામારાવ અનેે જયલલિતાએ રાજકીય સત્તા સુખ ભોગવ્યું છે ત્યારથી અન્ય કલાકારો રાજકીય સત્તાની દિશામાં ગતિ કરી રહ્યા છે. બોલિવુડના અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જેવા સુપર સ્ટાર પણ રાજકારણમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. બહુગુણા જેવા મહા સેવાભાવીને હરાવનાર અમિતાભ બચ્ચને અંતે દ્રાક્ષ ખાટી છે એમ કહીને રાજકારણ છોેડી દીધું હતું. બોલિવુડની ખાન ત્રિપુટીને હવે તો કોઇ પ્રચાર માટે પણ બોલાવતું નથી. અભિનેત્રી કંગના રનૌત જેવા ભારાડીઓ રાજકારણમાં પ્રવેશવા ભાજપના દ્વારે ટકોરા મારી રહ્યાં છે.
મૂળ વાત પર પાછા ફરીએ તો, રાજકારણમાં જેમ મહિલાઓને ટિકિટ આપવા પર ભાર મૂકાય છે એમ મધ્યમવર્ગના ઉમેદવારોને ટિકિટ આપવા પર ભાર મૂકવાની જરૂર છે. ઉત્તરપ્રદેશનાં માયાવતી જેવા કોઇક જ ઉદાહરણ છે કે જે દલિત વર્ગમાંથી આવીને મોટામસ નેતા બની શક્યાં હતાં. રાજકારણ પર તેમનો પ્રભાવ પ્રશંસનીય રહ્યો હતો.
રાજકારણમાં જે માન-સન્માન મળે છે તે બીજા કોઇ ક્ષેત્રમાં મળતું નથી. રાજકીય સત્તા સર્વોપરી છે તે લોકો સમજવા લાગ્યા છે. એટલે જ ચૂંટણી આવતા તેમાં ધક્કામુક્કી જોવા મળે છે. મહત્ત્વનું એ પણ છે કે રાજકીય સત્તા પ્રતિષ્ઠાની સાથે ચાર પેઢી વાપરી શકે એવી લક્ષ્મીને પણ ખેંચી લાવે છે. રાજકારણની કમનસીબી એ છે કે કોઇ કાર્યકર બનવા તૈયાર નથી. સૌને સીધા ચૂંટાઇને સત્તાસુખ ભોગવવું છે. રાજકીય પક્ષો પણ સેલિબ્રિટીઓના સાથ મેળવવા ફાંફા મારે છે.
ભારતની લોકશાહીમાં શાસન પર કોમનમેન ભાગ્યે જ જોવા મળે છે. કુટુંબવાદ, સેલિબ્રિટી કલ્ચર, અંધારી આલમ જેવાં ક્ષેત્રોએ લોકશાહીને બાનમાં રાખી છે. રાજકારણમાં ચૂંટણી જંગ જીતવા ક્યાંક મસલ પાવર ચાલે છે તો ક્યાંક અપનેવાલાનું ગણિત ચાલે છે, પરંતુ બંનેમાં પૈસાના પાવર વિના કશું ચાલતું નથી. લોકશાહીને ઓફ ધ પીપલ, બાય ધ પીપલ,ફોર ધ પીપલ કહેનારાઓએ તેની વ્યાખ્યા બદલવાની જરૂર છે.