Get The App

સિલ્વર સ્ક્રીન પર 'હાથી મેરે સાથી'નો જાદુ ફરી જીવંત થશે

પ્રભુ સોલોમન 'હાથી મેરે સાથી'ની રિમેક લઈને આવી રહ્યા છે

Updated: Dec 15th, 2017

GS TEAM

Google News
Google News

રાજેશ ખન્ના અને તનુજાને ચમકાવતી 'હાથી મેરે સાથી' ફિલ્મ ૧૯૭૧માં રિલીઝ થઈ હતી : એ ફિલ્મ પણ યોગાનુયોગે તમિળ ફિલ્મ ડિરેક્ટરે જ બનાવી હતી

સિલ્વર સ્ક્રીન પર 'હાથી મેરે સાથી'નો જાદુ ફરી જીવંત થશે 1 - imageદક્ષિણ ભારતની સંસ્કૃતિમાં હાથીઓનું આગવું મહત્ત્વ છે. શહેરીકરણના કારણે જંગલો કપાતા આ પ્રેમાળ પ્રાણી અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક સમયે જંગલો નજીકના ગામડાની પ્રજાને હાથીઓ સાથે ખૂબ જ આત્મીય સંબંધ હતા, પરંતુ આજે હાથી-માણસ વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. દક્ષિણ ભારતના આ હાથીઓ મંદિરોના શૉ પીસ બનીને રહી ગયા છે. હાથીને લગતી કોઈ પણ બાબત મુદ્દે બોલવા પ્રભુ સોલોમન  'ઓથોરિટી' છે.

ના, પ્રભુ સોલોમન કોઈ પ્રાણી નિષ્ણાત કે પર્યાવરણવાદી નથી પણ ફિલ્મ ડિરેક્ટર છે. તેમણે અત્યાર સુધી તમિળમાં ડઝનેક અને કન્નડમાં બે ફિલ્મ બનાવી છે. સોલોમને ૨૦૧૨માં 'કુમકી' નામની ફિલ્મ બનાવી હતી, જેમાં હાથી અને મહાવત વચ્ચેના ઊંડા સંબંધનું નિરુપણ કરાયું છે.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ ગઈ હતી અને સમીક્ષકોએ પણ વખાણી હતી. હવે તેઓ ઈરોઝ ઈન્ટરનેશનલ માટે રાણા દગ્ગુબાટીને ચમકાવતી 'હાથી મેરે સાથી'ની રિમેક લઈને આવી રહ્યા છે. રાજેશ ખન્ના અને તનુજાને ચમકાવતી એ ફિલ્મ ૧૯૭૧માં આવી હતી. એ ફિલ્મને અંજલિ આપવાના હેતુથી જ પ્રભુ સોલોમન આ ફિલ્મ ડિરેક્ટ કરવા તૈયાર થયા છે.

પ્રભુ સોલોમન હાથીઓ વિશે કલાકો સુધી બોલી શકે છે. તેઓ અનેક ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે, હાથી પૃથ્વી પરનું સૌથી હોશિયાર અને પ્રેમાળ પ્રાણી છે. હા, તેમના સાથે શૂટિંગ કરવું સરળ નથી. ફિલ્મ સેટ  પર એક હાથીને રોજનો ૨૫૦ કિલો ખોરાક અને ૨૦૦ લિટર પાણી જોઈએ.

હાથીઓને લઈને શૂટિંગ કરવાનું હોય તો જાણે લગ્નની તૈયારી કરી રહ્યા હોય એમ લાગે. અમારા જેવા નાના ફિલ્મ ડિરેક્ટર પાસે ક્રૂ પણ ઓછા હોય. આમ છતાં, હાથી સાથે શૉટ લેવા લાંબા સમય સુધી ધીરજ રાખવી પડે. સુરક્ષાને લગતી બાબતોનું પણ ધ્યાન રાખવું પડે.

આજકાલ આવી ફિલ્મો બનાવતી વખતે પ્રાણી અધિકારને લગતી બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. એંશીના દાયકાની શરૃઆતમાં આવેલી 'હાથી મેરે સાથી'ને આવી કોઈ મુશ્કેલી પડી ન હતી. યોગાનુયોગ જુઓ, એ ફિલ્મ પણ તમિળ ફિલ્મ ડિરેક્ટર એમ.એ. થિરુમુગમે બનાવી હતી. થિરુમુગમે સર્કસના ચાર પાળેલા હાથીની મદદથી 'હાથી મેરે સાથી'નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં હાથીઓ રાજુ (રાજેશ ખન્ના) સાથે ફૂટબોલ રમતા હોય છે, ગાર્ડનિંગમાં મદદ કરતા હોય છે, દોડમાં ભાગ લેતા હોય છે અને કાર કચડવામાં પણ મદદ કરતા હોય છે.

પ્રભુ સોલોમનની રિમેક માણસ અને હાથી વચ્ચેના સંઘર્ષને રજૂ કરે છે. આ કારણસર ફિલ્મના અનેક દૃશ્યો સામે ભારતમાં પ્રાણીઓના અધિકાર માટે કામ કરતી સંસ્થાઓ વાંધો ઉઠાવી શકે છે. ભારતમાં સેન્સર બોર્ડના વાંધાવચકાનો પણ પાર નથી અને એટલે જ સોલોમન જેવા અનુભવી ફિલ્મ ડિરેક્ટરે હાથીને લગતા બધા જ દૃશ્યો થાઈલેન્ડમાં શૂટ કરવાનું નક્કી કર્યું છે.

થાઈલેન્ડમાં બધી જ સુવિધા ધરાવતા એલિફન્ટ કેમ્પ પણ આવેલા છે અને ત્યાં શૂટિંગની સહેલાઈથી મંજૂરી પણ મળી જાય છે. ઈરોઝ ઈન્ટરનેશનલ પણ ઈચ્છતું હતું કે, 'હાથી મેરે સાથી'ની રિમેક ગ્લોબલ અપીલ ધરાવતી હોય. આ પ્રકારની ફિલ્મ શૂટ કરવા જે કોઈ સુવિધા જોઈએ એ માટે પણ થાઈલેન્ટ સૌથી યોગ્ય લોકેશન છે.

પ્રભુ સોલોમન ઈચ્છતા હતા કે, આ ફિલ્મ બનતી વખતે હકીકતમાં હાથીઓ માટે કંઈ થવું જોઈએ. એકવાર તેઓ હાથીઓની શોધમાં કાઝિરંગા નેશનલ પાર્ક ગયા ત્યારે તેમને ખબર પડી કે, ત્યાં માણસ અને હાથી વચ્ચેના સંઘર્ષના કારણે વીસ હાથી અનાથ થઈ ગયા છે. હવે પ્રભુ સોલોમન આ હાથીઓને કેવી રીતે બચાવાયા એ પણ પોતાની ફિલ્મમાં દર્શાવવાના છે.

પ્રભુ સોલોમનને હાથીઓની ફિલ્મ માટે એક 'ફિટ જંગલ મેન'ની પણ જરૃર હતી. આ મુદ્દે તેઓ કહે છે કે, 'બાહુબલી' જોતી વખતે જ મને લાગ્યું હતું કે, અમારી ફિલ્મ માટે રાણા દગ્ગુબાટી પરફેક્ટ છે. બિઝનેસની રીતે  પણ દગ્ગુબાટી યોગ્ય પસંદ છે.

આ ફિલ્મ પણ હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. 'એન્થિરન' અને 'બાહુબલિ' જેવી ફિલ્મોની સફળતા પછી મુંબઈસ્થિત ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ મુંબઈ બહારના ટેલેન્ટને ચાર હાથે આવકારી રહ્યા છે. આ બંને મેગા હીટ ફિલ્મ સ્થાનિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ હોવા છતાં ઐતિહાસિક સફળતા મેળવી શકી હતી.

હોલિવૂડમાં તો માણસ અને પ્રાણીઓના સંબંધ દર્શાવતી અનેક ઉત્તમ ફિલ્મો બની છે, પરંતુ વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ ફિલ્મની વાર્તાના વૈવિધ્યને લઈને આવું ગૌરવ લઈ શકે એમ નથી. ખેર, માણસ અને પ્રાણીઓના સંબંધની વાત છે તો આપણને પ્રભુ સોલોમન નામના ઉત્તમ ફિલ્મ સર્જક મળ્યા છે. તેઓ હાથી સિવાયના પ્રાણીઓને લઈને પણ ફિલ્મ બનાવવા માંગે છે. બેસ્ટ લક સોલોમન.
 

Tags :