પોરબંદરમાં નવા બનાવાયેલા રોડ પર વવાયેલા વૃક્ષો સૂકાયા
- વૃક્ષોનું જતન કરવામાં તંત્રની બેદરકારી
- રસ્તાના બ્યુટીફિકેશન માટે કરાયેલો લાખોનો ખર્ચ પાલિકાની બેદરકારીથી એળે
પોરબંદર: પોરબંદર નગરપાલિકાનું તંત્ર વિકાસકામોનું જતન અને જાળવણી થાય છે કે નહીં તેની ભાગ્યે જ દકરાર લેવામાં આવે છે. આવી બેદરકારી વધુ એક વખત સામે આવી છે. જેમાં ફૂવારા સર્કલથી જીમ તરફ જતો રસ્તો લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકાના તંત્રએ બનાવ્યો હતો. અને ડિવાઇડર ઉપર અત્યંત મોંઘા કહી શકાય એવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તથા લોન પણ તેમાં વાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ વૃક્ષોની જાળવણી નહીં થતા સુકાઇ ગયા છે.
પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પોરબંદરમાં વર્ષોથી ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતાં રસ્તે ચાઇનીઝ ખાણી-પીણીના ધંધાર્થીઓ નાનો-મોટો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા જ્યાં નગરપાલિકાના તંત્રએ ફુવારા સર્કલથી જીમ સુધીનો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી અને તે અંતર્ગત એ ધંધાર્થીઓને ત્યાંથી દૂર ખસેડી દીધા હતા.
ત્યારબાદ ચોપાટી તરફ જવા માટેના રસ્તાને બ્યુટીફીકેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકસાવાયો હતો. જેમાં રોડને સિમેન્ટનો બનાવવા સહિત વચ્ચેના ભાગે ડીવાઇડર બનાવીને તેમાં મોટીમાત્રામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અનેક વૃક્ષો ખુબ જ મોંઘા અને ત્રણથી ચાર ફુટ લંબાઇ ધરાવતા અને દરિયાઇ આબોહવાને અનુકુળ એવા વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો વાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકાના તંત્રએ કર્યો હતો. ત્યારબાદ તેના જતન અને જાળવણીમાં નગરપાલિકાનું તંત્ર ઉણું ઉતર્યંિ છે. અહીંયા વાવેલા વૃક્ષોને પુરતું પાણી પીવડાવી શક્યા નથી તેથી તે સુકાઇ ગયા છે. આ અંગે યોગ્ય કરવા માંગ ઉઠી છે.