Get The App

DGP, કોસ્ટગાર્ડના IG અને ATS સહિતની ટીમે 14 કલાક દરિયો ખૂંદ્યો

Updated: Apr 14th, 2023

GS TEAM


Google News
Google News
DGP, કોસ્ટગાર્ડના IG અને ATS સહિતની ટીમે 14 કલાક દરિયો ખૂંદ્યો 1 - image


મજબૂત દરિયાઈ સુરક્ષા કવચ માટેની રણનીતિ ઘડવા અભૂતપૂર્વ કવાયત : IMBL સુધીની સફર ખેડીને જાતનિરીક્ષણ કર્યું, કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે પાંચ જિલ્લાના એસપી સાથે બેઠક યોજીને સમીક્ષા

પોરબંદર, : ગુજરાતમાં પહેલી જ વખત રાજ્યના પોલીસ મહાનિર્દેશક, કોસ્ટગાર્ડના આઈ.જી., એટીએસના અધિકારીઓ , ફિશરીઝ, નેવી સહિતના ઊચ્ચ અધિકારીઓએ કોસ્ટગાર્ડની શીપમાં ગઈકાલ સાંજથી આજે સવાર સુધી ૧૪ કલાક જેટલો સમય અરબી સમુદ્રમાં પસાર કરી આઈ.એમ.બી.એલ.સુધીની સફર ખેડીને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી હતી. ત્યારબાદ રાજ્યના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગુજરાતના દરિયાકિનારાની સઘન સુરક્ષા વ્યવસ્થાથી સમગ્ર દેશને મજબૂત સુરક્ષાચક્ર મળશે.

પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે દ્વિદિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનું સમાપન બુધવારે થયું ત્યારે ગુજરાતના ડી.જી.પી. વિકાસ સહાય અને કોસ્ટગાર્ડના ડી.જી. એસ.કે. વર્ગીસ સહિત ઊચ્ચ અધિકારીઓ  બુધવારે રાત્રે અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન વિસ્તારના નિરીક્ષણ માટે ગયા હતા. જયાંથી વારંવાર પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી માછીમારોના અપહરણ કરી જાય છે તે આઇ.એમ.બી.એલ. વિસ્તારની આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને કોસ્ટલ સિક્યુરિટી અનુસંધાને કોસ્ટગાર્ડના ડિસ્ટ્રીકટ હેડકવાર્ટર ખાતે બેઠક યોજી હતી. એ બેઠકમાં એ.ટી.એસ.ના અધિકારીઓ,  તેમજ પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસવડા તથા ફિશરીઝ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરિયાઈ સુરક્ષા મુદે  ચર્ચાઓ કરી હતી.

રાજયના પોલીસવડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,થોડા દિવસો પહેલા દરિયાઈ સુરક્ષા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા અગત્યની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી, જેમાં દરિયાઈ સુરક્ષા કવચને વધુ મજબુત બનાવવા માટે ચોક્કસ રણનીતિ ઘડવાનું નક્કી થયું હતું, અને તેના ભાગરૂપે જ ગઈકાલે ૧૪ કલાક જેટલો સમય સમુદ્રમાં પસાર કરીને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી છે. ગુજરાતનો દરિયો વધુ સુરક્ષિત બનશે તેનાથી માત્ર ગુજરાતને જ નહી પરંતુ સમગ્ર દેશને વધુ મજબુત સુરક્ષાચક્ર આપી શકાશે, અને તેના માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફિશરીઝ વિભાગ સાથે સંકલન સાધી મહત્વની રણનીતિ ઘડવામાં આવશે.  દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત કરવા માટે ડ્રોન સહિતની આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરાશે.

સામાન્ય રીતે જે- તે જિલ્લાના કોસ્ટલ વિસ્તારની સુરક્ષાની જવાદારી એ જિલ્લાના ઊચ્ચ અધિકારીઓની અને સુરક્ષા એજન્સીઓની હોય છે,પરંતુ હવે દરિયાઈ પટ્ટીના જિલ્લાના પોલીસવડાઓ અને સુરક્ષા એજન્સીના વડાઓ એકબીજા સાથે સંકલન સાધીને કોસ્ટલ સિક્યુરીટીને વધુ મજબુત બનાવી શકાશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

માછીમારોને હેરાનગતિ ન થાય તે રીતે આયોજન

સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હજારો ફિશિંંગ બોટના માધ્યમથી માછીમારો દિવસ- રાત માછીમારી કરતા હોય છે,તેથી દરિયાઈ સુરક્ષા સીસ્ટમને વધુ મજબુત બનાવવા જે રણનીતિ ઘડવામાં આવશે તેમાં માછીમારોને કોઇપણ પ્રકારની ખોટી હેરાનગતિ વેઠવી પડે નહી તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


Tags :