ભારતીય મૂળની વિદ્યાર્થિની હરિની લોગન અમેરિકાની સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા
હરિનીએ ૨૬માંથી ૨૨ સ્પેલિંગના સાચા જવાબો આપીને ખિતાબ જીત્યો
ફાઈનલ રાઉન્ડમાં બે ભારતીય મૂળના સ્ટૂડન્ટ્સ વચ્ચે સ્પર્ધા થઈ હતીઃ હરિનીને ૫૦ હજાર ડોલરનું ઈનામ મળ્યું
અમેરિકાની વિખ્યાત સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળની વિદ્યાર્થિની હરિની લોગન વિજેતા બની હતી. ૨૬માંથી ૨૨ સ્પેલિંગના સાચા જવાબો આપીને હરિનીએ આ સ્પર્ધા જીતી લીધી હતી. આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતા જીતવા બદલ હરિનીને ૫૦ હજાર ડોલરનું ઈનામ મળ્યું હતું. ફાઈનલ રાઉન્ડમાં બે ભારતીય સ્ટૂડન્ટ્સ વચ્ચે જ સ્પર્ધા હતી.
ટેક્સાસના સેન એન્ટોનિયોમાં રહેતી ૮મા ધોરણની ૧૪ વર્ષની વિદ્યાર્થિની હરિની લોગને અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતી લીધી હતી. ૯૦ સેકન્ડમાં હરિનીએ ૨૨ સાચા સ્પેલિંગ જણાવ્યા હતા. ફાઈનલ રાઉન્ડમાં બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓ વચ્ચે જ સ્પર્ધા થઈ હતી. ૧૨ વર્ષનો વિક્રમ રાજુ ફાઈનલ રાઉન્ડમાં હતો. રાજુએ ૯૦ સેકન્ડમાં ૧૫ સાચા જવાબો આપ્યા હતા. વધુ એક વખત સ્પેલિંગ બીની સ્પર્ધામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો હતો. ફાઈનલમાં પણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ જ હોવાથી ભારતીય વિદ્યાર્થીને જ પ્રાઈઝ મળશે તે નક્કી હતું.
૮મા ધોરણની વિદ્યાર્થિની હરિનીને આ સ્પર્ધામાં વિજેતા બનવા બદલ ૫૦ હજાર ડોલરનું પ્રાઈઝ મળ્યું હતું. ફાઈનલ રાઉન્ડમાં હરિનીએ ૨૬માંથી ૨૨ સ્પેલિંગ સાચા કહ્યા હતા. ઈનામી રકમ મેરિયમ વેબસ્ટર અને એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા આપે છે. બીજા ક્રમે રહેલા રાજુને ૨૫ હજાર ડોલરનું ઈનામ મળ્યું હતું. વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને હરિની પોતાના આદર્શ માને છે. તે સ્પેલિંગ બાબતે લોકોને પ્રેરિત કરવા માગે છે અને ક્રિએટિવ રાઈટિંગમાં કરિઅર બનાવવા ઈચ્છે છે.
આ સ્પર્ધાની રસપ્રદ બાબત એ હતી કે ટોચના ચાર વિજેતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ હતા. ત્રીજો ક્રમ વિહાન સિબલને મળ્યો હતો. ચોથો નંબર સહર્ષ વુપાલાને અપાયો હતો. આ સ્પર્ધામાં ભારતીય વિદ્યાર્થીઓનો વધુ એક વાર દબદબો જોવા મળ્યો હતો. આ ૯૪મી વાર્ષિક સ્પેલિંગ બી સ્પર્ધા યોજાઈ હતી. છેલ્લાં ઘણાં દાયકાઓથી ભારતીય વિદ્યાર્થીઓ ઝળકતા રહે છે.