પાકિસ્તાનમાં ફિલ્મ 'જોયલેન્ડ' સામે રાજકીય કડવાશ
- કટ્ટરવાદીઓને ખુશ કરવા પાકિસ્તાન સરકાર અને વિપક્ષી નેતા ઇમરાન ખાનના પ્રયાસો, જોયલેન્ડ અટવાઈ રહી છે
ઈમરાન ખાનને 'જોયલેન્ડ'ના બહાને એક તીરથી બે શિકાર કરવાનો મોકો મળી ગયો છે. શરીફ સામે વિરોધનો મોટો મુદ્દો મળી ગયો છે ને કટ્ટરવાદીઓને ખુશ કરીને પોતાની મતબેંક મજબૂત કરવાની તક પણ મળી ગઈ છે. ઈમરાન ખાનના સમર્થકો 'જોયલેન્ડ'ના વિરોધમાં ઉતરતાં શુંક્રવારે ફિલ્મ રીલીઝ થઈ પછી બે દિવસમાં જ મોટા ભાગના થીયેટર માલિકો પાણીમાં બેસી ગયા હતા.
પાકિસ્તાન વિવાદોનો પ્રદેશ છે ને ત્યાં કટ્ટરવાદનો પ્રભાવ એ હદે છે કે સતત કોઈ ને કોઈ વિવાદ પેદા થઈ જ જાય છે. અત્યારે 'જોયલેન્ડ' નામની એક ફિલ્મના કારણે જોરદાર વિવાદ થયો છે. ભારતે આ વખતે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ને વિશ્વમાં ફિલ્મો માટેના સર્વોચ્ચ મનાતા ઓસ્કાર એવોર્ડ માટે વિદેશી ભાષાની ફિલ્મોની કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરી એ રીતે પાકિસ્તાને 'જોયલેન્ડ'ને પસંદ કરી છે. મતલબ કે, 'જોયલેન્ડ' પાકિસ્તાન તરફથી ઓસ્કાર એવોર્ડ્સ માટેની ઓફિશીયલ એન્ટ્રી કરનારી ફિલ્મ છે.
જો કે 'જોયલેન્ડ'નો વિષય એવો છે કે પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ ભડકી ગયા છે. સજાતિય સંબંધો અથવા તો સમલૈંગિકતા જેવા સંવેદનશીલ વિષય પર બનેલી આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ્સ મળ્યા છે. 'જોયલેન્ડ' પ્રોડક્શનની રીતે જોરદાર મૂવી નથી પણ સબ્જેક્ટ સારો હોવાથી વિવેચકોએ પણ તેને વખાણી છે પણ પાકિસ્તાનના કટ્ટરવાદીઓને વાંધો હોવાથી તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો. ડિરેક્ટર સૈમ સદિકની પહેલી ફિલ્મ 'જોયલેન્ડ'નું ટ્રેલર ૪ નવેમ્બરે રીલિઝ થયું એ સાથે જ હોબાળો શરૂ થઈ ગયેલો. એ વખતે જાહેરાત કરાયેલી કે 'જોયલેન્ડ'ને પાકિસ્તાનમાં ૧૮ નવેમ્બરે રીલિઝ કરવામાં આવશે પણ કટ્ટરવાદીઓના હોબાળા સામે ઝૂકીને પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો.
શરીફ સરકારના આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હોહા થઈ ગઈ. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ સહિત અનેક વિદેશી ફિલ્મ ફેસ્ટીવલમાં 'જોયલેન્ડ' રીલિઝ થઈ ચૂકી છે ને ઢગલાબંધ એવોર્ડ્સ પણ જીત્યા છે. આવી ફિલ્મ પર પ્રતિબંધ મૂકાયતાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના તરફદારો ભડક્યા ને તેમણે સોશિયલ મીડિયા પર હોહા કરી નાંખી. શહબાઝ શરીફને અત્યારે વિદેશમાં પાકિસ્તાનની છાપ બગડે ને કોઈ પણ પ્રકારની નેગેટિવ પબ્લિસિટી મળે એ પરવડે તેમ નથી તેથી આ વિરોધથી એ હલબલી ગયા.
શહબાઝે તરત ગુલાંટ લગાવીને એલાન કર્યું કે, પોતાના અધ્યક્ષપદ હેઠળની કમિટી ફિલ્મ જોશે ને યોગ્ય લાગશે તો પ્રતિબંધ હટાવી દેશે. આ કમિટીની રચના ને સ્ક્રીનિંગ વગેરે નાટક જ હતાં એ કહેવાની જરૂર નથી. શહબાઝે પોતાની સરકારે જ લીધેલો નિર્ણય બદલીને થૂંકેલું ચાટવું ના પડે એટલે આ નાટક કર્યું ને 'જોયલેન્ડ' પરનો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી. તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે થતો વિરોધ તો શમી ગયો પણ પાકિસ્તાનમાં હોળી સળગી છે. કટ્ટરવાદીઓ પાછા મેદાનમાં આવ્યા છે તેના કારણે સ્ફોટક સ્થિતી છે.
શહબાઝ શરીફ સરકારની લીલી ઝંડી પછી 'જોયલેન્ડ' ૧૮ નવેમ્બરે પાકિસ્તાનનાં કેટલાંક થીયેટરોમાં રીલીઝ તો થઈ પણ કટ્ટરવાદીઓનાં દેખાવોના કારણે ત્યાં પણ પાટિયાં પડી રહ્યાં છે. બીજી તરફ પંજાબ પ્રાંતની સરકારે શરીફના ફરમાનની ઐસીતૈસી કરીને ફિલ્મ પર પ્રતિબંધ ઠોકી દેતાં શરીફની આબરૂનો ધજાગરો થઈ ગયો છે. પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ની સરકાર છે. પીટીઆઈની સરકાર શરીફના આદેશને ઘોળીને પી ગઈ છે. 'જોયલેન્ડ' પર આખા પાકિસ્તાનમાંથી પ્રતિબંધ હટાવી લેવાયો છે ત્યારે પંજાબ પ્રાંતમાં પ્રતિબંધ મૂકાતાં ત્યાં 'જોયલેન્ડ' રીલીઝ થઈ નથી.
ઈમરાન આમ પણ મુસ્લિમ કટ્ટરવાદીઓનો પીઠ્ઠુ છે. શરીફ તેને ઉથલાવીને ગાદી પર બેઠા તેથી શરીફ સામે પણ તેને ખાર છે. ઈમરાન ખાનને 'જોયલેન્ડ'ના બહાને એક તીરથી બે શિકાર કરવાનો મોકો મળી ગયો છે. શરીફ સામે વિરોધનો મોટો મુદ્દો મળી ગયો છે ને કટ્ટરવાદીઓને ખુશ કરીને પોતાની મતબેંક મજબૂત કરવાની તક પણ મળી ગઈ છે. ઈમરાન ખાનના સમર્થકો 'જોયલેન્ડ'ના વિરોધમાં ઉતરતાં શુક્રવારે ફિલ્મ રીલીઝ થઈ પછી બે દિવસમાં જ મોટા ભાગના થીયેટર માલિકો પાણીમાં બેસી ગયા હતા. બાકી રહેલા થીયેટર માલિકો બીજો શુક્રવાર આવશે ત્યાં લગીમાં ઢીલા થઈ જશે એ જોતાં આ ફિલ્મ પહેલું અઠવાડિયું પણ પૂરું કરી શકશે કે કેમ તેમાં શંકા છે. 'જોયલેન્ડ' સામે કટ્ટરપંથીઓને વાંધો છે તેનું કારણ સમલૈંગિકતા છે. આ ફિલ્મની સ્ટોરી એવા પરિવારની છે કે જેમાં બે પુત્ર છે ને બંને પરણેલા છે. રૂઢિચુસ્ત પિતા પોતાનો વંશ આગળ વધે એ માટે પોતાના પુત્રોને ત્યાં પુત્ર જન્મે એવું ઈચ્છે છે. પરિવારનો સૌથી નાનો દીકરો થીયેટરમાં કામ કરે છે ને પરિવારને ખબર ના પડે એ રીતે ઈરોટિક ડાન્સ થિયેટરમાં જોડાય છે. થીયેટરમાં તેને એક ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ થઈ જાય છે. બંને વચ્ચે સંબંધ બંધાય છે ને આ વાત બહાર આવતાં જ પરિવારમાં વિસ્ફોટ થાય છે. 'જોયલેન્ડ'ની સ્ટોરી કહીને સસ્પેન્સ ખોલી નથી દેવું પણ આટલી વાત પરથી જ સમજી જવાય કે, અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. 'જોયલેન્ડ'માં પાકિસ્તાનના જાણીતા કલાકારો સાનિયા સઈદ, અલી જુનેજો, અલીના ખાન, સારવત ગિલાની, રસ્તી ફારુક, સલમાન પીરજાદા, સોહેલ સમીરે વગેરેએ કામ કર્યું છે.
રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મને પાકિસ્તાનમાં સેન્સર સર્ટિફિકેટ મળી ગયું હતું. ૧૭ ઓગષ્ટ ૨૦૨૨ના દિવસે સેન્સર બોર્ડે 'જોયલેન્ડ'ને રીલીઝ કરવા સેન્સર સટફીકેટ આપી દીધું પછી ૧૮ નવેમ્બરે ફિલ્મ રીલીઝ કરવાની જાહેરાત કરીને તૈયારી શૂ કરી દેવાયેલી. બધી તૈયારી થઈ ગયેલી ને કોઈને વાંધો નહોતો પણ ૪ નવેમ્બરે ટ્રેેલર રીલીઝ થતાં ડખો થઈ ગયો. ૧૧ નવેમ્બરે પાકિસ્તાન સરકારે નોટિફિકેશન બહાર પાડીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ અંગે તેમને લેખિત ફરિયાદ મળી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે તેમાં અત્યંક આપત્તિજનક કન્ટેન્ટ છે કે જે આપણા સમાજનાં મૂલ્યોને અનુરૂપ નથી.
શહબાઝ સરકારે આ નોટિફિકેશન પાછું ખેંચીને ફિલ્મને રીલીજ કરવા દેવી પડી પણ આ વિવાદે ભારત અને પાકિસ્તાનમાં શું ફરક છે એ છતું કરી દીધું છે. ભારતમાં સમલૈંગિકતા જ નહીં પણ બીજા ઘણા સંવેદનશીલ વિષયો પર ફિલ્મો બને છે ને નિર્વિઘ્ને રીલીઝ થાય છે. ભારતમાં પણ કટ્ટરવાદીઓ છે જ કે જે ફિલ્મો પર પ્રતિબંધની માંગ સાથેના ઝંડા ઉંચકીને કૂદી પડે છે પણ ભારત સરકાર તેમને ગણકારતી નથી.
ભારતમાં આજેય અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સર્ર્વોપરિ છે. ફિલ્મ કે બીજા માધ્યમથી પણ પોતાના વિચારો રજૂ કરવા માંગતાં લોકોને એ વિચારે રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ભારતમાં જાહેર કર્યા વિનાની કટોકટીનો માહોલ છે એવી ઘણા ટીકા કરે છે પણ એ તેમના વિચારો છે. આ વિચારોને પણ કોઈ પણ રોકટોક વિના લોકો સામે મૂકી શકાય છે એ જ બતાવે છે કે, ભારતમાં હજુય અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અકબંધ છે. કટ્ટરવાદીઓ સામે ઝૂકીને કે મતબેંકના રાજકારણને વાસ્તે સરકાર કોઈનો અવાજ રૂંધતી નથી. ભારતમાં મુક્તિ છે, આઝાદી છે તેથી જ ભારત પાકિસ્તાન કરતાં આગળ છે.
૨૦૨૧માં પણ બે ફિલ્મો રીલીઝ કરવા દેવાઈ નહોતી
પાકિસ્તાનના કટ્ટરવાદીઓનો આક્ષેપ છે કે, 'જોયલેન્ડ' ફિલ્મ પાકિસ્તાનમાં ગે એજન્ડાને પ્રમોટ કરવા માટે બનાવાયેલી ફિલ્મ છે. તેમના કહેવા પ્રમાણે ઈસ્લામના સિધ્ધાંતો પ્રમાણે સજાતિય સંબંધો હરામ છે અને પાકિસ્તાન જેવા ઈસ્લામના સિધ્ધાંતો પ્રમાણે ચાલતા રાષ્ટ્રમાં તેના માટે કોઈ જગા નથી.
આ ફિલ્મ પર પ્રતિબંધ માટે બાનજોયલેન્ડ હેશ ટેગ સાથે ઉગ્ર ઝુંબેશ પણ ચાલી રહી છે. આ હેશ ટેગ સાથેની મોટા ભાગની કોમેન્ટ્સ બોટ એટલે કે મશીન દ્વારા કરાયેલી છે તેના પરથી સ્પષ્ટ છે કે, 'જોયલેન્ડ' પરના પ્રતિબંધને લોકોનું સમર્થન નથી પણ મુઠ્ઠીભર કટ્ટરવાદીઓ પોતાન ફાયદા માટે આ મુદ્દાને ચગાવી રહી છે.
ઈમરાનની પાર્ટી તરફથી ફેશ ડીઝાઈનર મારીયા બી અને કહેવાતા ધર્મગુરૂ રાજા ઝિયા ફિલ્મનો વિરોધ કરવામાં મોખરે છે. સજાતિય સંબંધો ધરાવતાં લોકો બંને સામે સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવી રહ્યા છે પણ કટ્ટરવાદીઓના ડરે તેમને કોઈ સમર્થન નથી આપતું.
પાકિસ્તાનમાં ગયા વરસે આ રીતે જ સરમદ ખૂસટની ફિલ્મ બુસાન અને એવોર્ડ વિજેતા ફિલ્મો ઝિંદગી તમાશાને કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પ્રતિબંધિત કરી દેવાયેલી.
એ વખતે ઈમરાન ખાનની સરકાર હોવાથી હોબાળો બહેરા કાને અથડાયો હતો. આ બંને ફિલ્મોમાં પાકિસ્તાનનાં મુલ્લા-મૌલવીઓની મજાક ઉડાવાઈ હોવાનું કારણ આપીને પ્રતિબંધ મૂકાયો હતો. બંને ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ જ ના થઈ શકી.