ઓસામા અને નિજ્જરઃ અમેરિકા કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું
- અમેરિકાના ડબલ સ્ટાન્ડડ્ર્સની અમેરિકામાં જ હાંસી ઊડી રહી છે ઃ ટ્રુડોએ ભારત સામે આક્ષેપ કરવાના બદલે આતંકવાદીને કેમ આશરો આપ્યો તેનો ખુલાસો કરવો જોઇએ
- અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને માર્યો તેમાં કશું ખોટું નહોતું તો ભારતે નિજ્જરને કેનેડામાં ઘૂસીને માર્યો હોય તો તેમાં પણ કશું ખોટું નથી. નિજ્જર ભારતના ભાગલા કરવા માગતો હતો એ જોતાં ભારતે જે કંઈ કર્યું એ બરાબર કર્યું છે પણ અમેરિકાએ આ મુદ્દે હળાહળ ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. ટ્રુડોએ કરેલા ભારત વિરોધી નિવેદન પછી અમેરિકા તરફથી આવેલાં નિવેદનો જોશો તો સમજાશે કે, અમેરિકા નિજ્જરને આતંકવાદી માનવા તૈયાર નથી ને ભારતે બહુ મોટો અપરાધ કરી નાંખ્યો હોય એ રીતે વર્તી રહ્યું છે.
અમેરિકા સહિતના પશ્ચિમના દેશોની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી છે. ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મુદ્દે તણાવ ઉભો થયો છે ત્યારે અમેરિકાની આ માનસિકતા છતી થઈ ગઈ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું કહેવું છે કે, હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે
અમેરિકાએ કેનેડાની વાતમાં સૂર પુરાવીને ભારતને નિજ્જરની હત્યાની તપાસમાં સહકાર આપવા કહ્યું છે. અમેરિકાએ કેનેડાની તરફેણમાં બીજાં પણ નિવેદનો આપ્યાં છે અને ભારતે 'ટ્રાન્ઝેશનલ રીપ્રેશન' કર્યું હોવાની ટ્રુડોની વાતને ટેકો આપ્યો છે. કોઈ દેશ પોતાની સામા અવાજને દબાવી દેવા માટે બીજા દેશમાં ઘૂસીને કાર્યવાહી કરે તેને 'ટ્રાન્ઝેશનલ રીપ્રેશન' કહે છે. અમેરિકાએ આડકતરી રીતે ભારતે કેનેડામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનું કહી દીધું છે.
અમેરિકાનું આ વલણ તેનાં બેવડાં ધોરણોનો પુરાવો છે ને સદનસીબે આ ડબલ સ્ટાન્ડર્ડ્સની અમેરિકામાં જ હાંસી ઉડી રહી છે. અમેરિકાના મિલિટરી હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ટોચના અધિકારી રહી ચૂકેલા માઈકલ રૂબિને તો નિજ્જરની સરખામણી ઓસામા બિન લાદેન સાથે કરીને કટાક્ષ કર્યો છે કે, ઓસામા બિન લાદેન જે રીતે એક સામાન્ય કન્સ્ટ્રક્શન એન્જીનિયર નહોતો એ રીતે નિજ્જર પણ કેનેડા કહે છે એ રીતે સામાન્ય પ્લમ્બર નહોતો. ઓસામાની જેમ નિજ્જરના હાથ પણ નિર્દોષોના લોહીથી રંગાયેલા હતા ને એ સંખ્યાબંધ આતંકવાદી કૃત્યમાં સામેલ હતો.
રૂબિને તો જસ્ટિન ટ્રુડોની પણ ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર માનવાધિકારના મોડલ તરીકે ઉપયોગમાં લેવા જેવો માણસ નહોતો એ જોતાં ટ્રુડો મોટી ભૂલ કરી રહ્યા છે. નિજ્જર આતંકવાદી હતો એ વાતના પુરાવા છે પણ ભારત સરકાર સામે ટ્રુડોએ કરેલા આક્ષેપોના કોઈ પુરાવા નથી. રૂબિનના મતે તો, ટ્રુડોએ ભારત સામે આક્ષેપો કરવાના બદલે પોતાના દેશમાં ઓક આતંકવાદીને કેમ આશ્રય આપ્યો હતો તેનો ખુલાસો કરવો જોઈએ.
રૂબિન અમેરિકન છે તેથી સીધી રીતે તેણે અમેરિકાની ઝાટકણી કાઢવાનું ટાળ્યું છે પણ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેનને ઝાટક્યા છે. રૂબિને નિજ્જરની ઓસામા બિન લાદેન સાથે સરખામણી કરીને આડકતરી રીતે કહી જ દીધું છે કે, અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી શકે તો ભારત પણ કેનેડામાં ઘૂસીને ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરને મારી જ શકે.
રૂબિનની વાત બિલકુલ સાચી છે કેમ કે ઓસામા અને નિજ્જરમાં કોઈ ફરક જ નથી. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ નથી પણ નિજ્જર સામાન્ય નાગરિક નહોતો એ પણ હકીકત છે. નિજ્જર ભારત સરકારે જાહેર કરેલો આતંકવાદી હતો. ભારતમાં તેની સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. કેનેડા દાવો કરે છે એ રીતે નિજ્જર અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર નહોતો ભોગવતો પણ ભારતના ભાગલા કરવાના ઉદ્દેશથી આતંકવાદ ફેલાવતો હતો. પંજાબમાં જ નહીં પણ દેશના બીજા ભાગોમાં અરાજકતા અને અશાંતિ ઉભી કરવા માગતો હતો.
સૈધ્ધાંતિક રીતે જોઈએ તો નિજ્જરના ઈરાદા ઓસામા બિન લાદેન કરતાં પણ વધારે ખતરનાક હતા. ઓસામા વિશ્વમાં ઈસ્લામનું શાસન સ્થાપવા માગતો હતો પણ અમેરિકાના ભાગલા કરવા નહોતો માંગતો. અમેરિકા મુસ્લિમ રાષ્ટ્રોમાં દખલગીરી કરે છે તેની સામે તેને વાંધો હતો તેથી તેણે અમેરિકા સામે હથિયાર ઉઠાવીને આતંકવાદ ફેલાવ્યો.
ઓસામાએ જે કર્યું એ અક્ષમ્ય હતું એ જોતાં અમેરિકાએ તેને પાકિસ્તાનમાં ઘૂસીને માર્યો તેમાં કશું ખોટું નહોતું. નિજ્જર તો ભારતના ભાગલા કરવા માગતો હતો એ જોતાં ભારતે નિજ્જરને કેનેડામાં ઘૂસીને માર્યો હોય તો તેમાં પણ કશું ખોટું નથી. અમેરિકાએ લાદેનને માર્યો ત્યારે બરાક ઓબામા પ્રમુખ હતા. ઓબામા પોતાના માણસો સાથે બેસીને અમેરિકાનું ઓપરેશન લાઈવ જોતા હતા. ઓસામા મરાયો ત્યારે ઓબામા આણિ મંડળીએ મોટી સિધ્ધી મેળવી હોય તેમ જશ્ન મનાવ્યો હતો. ભારતે તો એવું કશું કર્યું નથી છતાં અમેરિકા ભારતની મેથી મારી રહ્યું છે.
અમેરિકાએ આ મુદ્દે હળાહળ ભારત વિરોધી વલણ અપનાવ્યું છે એ જોતાં ભારતે કેનેડાની જેમ અમેરિકા સામે પણ આક્રમક બનવું જોઈએ. ટ્રુડોએ કરેલા ભારત વિરોધી નિવેદન પછી અમેરિકા તરફથી આવેલાં નિવેદનો જોશો તો સમજાશે કે, અમેરિકા નિજ્જરને આતંકવાદી માનવા તૈયાર નથી ને ભારતે બહુ મોટો અપરાધ કરી નાંખ્યો હોય એ રીતે વર્તી રહ્યું છે.
ટ્રુડોના નિવેદન પછી તરત અમેરિકાના નેશનલ સીક્યુરિટી એડવાઈઝર સુલિવને ડહાપણ ડહોળેલું કે, ટ્રુડોએ કરેલા આક્ષેપો જેવી પ્રવૃત્તિઓ માટે કોઈ પણ દેશને વિશેષ છૂટછાટ ના આપી શકાય. ભારતે કેનેડા દ્વારા કરાઈ રહેલી પોતાના નાગરિક નિજ્જરની હત્યાની તપાસમાં સહકાર આપવો જોઈએ. આ વાત જ વાહિયાત કહેવાય કેમ કે નિજ્જર કેનેડામાં મરાયો તો તેની તપાસ કેનેડા કરે. ભારતને તેની સાથે શું લેવાદેવા ?
સુલિવન પછી અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને પણ આ જ સૂફિયાણી સલાહ આપીને કહ્યું કે, ટ્રુડોએ કરેલ આક્ષેપોથી અમેરિકા અત્યંત ચિંતિત છે. ભારત સરકારે કેનેડાના નાગરિક નિજ્જરની હત્યાની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો જોઈએ. એ પછી અમેરિકાના કેનેડામાં રાજદૂત ડેવિડ કોહેને પણ એ જ રાગ આલાપીને કહ્યું છે કે, ફાઈવ આઈઝ એલાયન્સ દ્વારા અપાયેલા ઈનપુટમાં ભારતની સંડોવણીના પુરાવા છે તેને અવગણી ના શકાય.
સુલિવન, બ્લિન્કેન, કોહેનનાં નિવેદનો આઘાતજનક છે કેમ કે એ લોકો નિજ્જર આતંકી માનવા તૈયાર નથી. ભારતે નિજ્જરની આતંકી પ્રવૃત્તિઓનું આખું ડોઝિયર કેનેડાને આપ્યું છે. કેનેડા અને અમેરિકા ગાઢ સાથીઓ છે એ જોતાં અમેરિકા પાસે પણ આ ડોઝિયર હોય જ છતાં અમેરિકા નિજ્જરને કેનેડિયન નાગરિક ગણાવ્યા કરે છે એ સંજોગોમાં અમેરિકાના ઈરાદા વિશે જ
શંકા જાગે છે.
- કેનેડાને અમેરિકાએ ભારતની સામે ઉભું કર્યું ?
અમેરિકા ભારત સામે 'ટ્રાન્ઝેશનલ રીપ્રેશન'નો આક્ષેપ કરી રહ્યું છે ને કોઈ દેશને આ મુદ્દે વિશેષ છૂટ ના આપી શકાય એવું કહે છે એ હાસ્યાસ્પદ છે. ઓસામા બિન લાદેનનો કિસ્સો તો જાણીતો છે પણ અમેરિકાએ પોતે બીજા દેશોમાં ઘૂસીને પોતાને નડતા લોકોના માર્યા હોય એવા સંખ્યાબંધ કિસ્સા છે. અમેરિકાનું સાથી ઈઝરાયલ તો આ પ્રકારનાં ઓપરેશન્સ કરવા નાટે પંકાયેલું છે. અમેરિકાએ તેને 'ટ્રાન્ઝેશનલ રીપ્રેશન' ગણાવીને કદી વાંધો નથી લીધો ત્યારે ભારત સામે અમેરિકા કેમ 'ટ્રાન્ઝેશનલ રીપ્રેશન'નો આક્ષેપ મૂકી રહ્યું છે એ સવાલ ઉઠયો છે.
વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે, કેનેડાએ ભારત સામે લીધેલા વલણની પાછળ અમેરિકા છે. કેનેડા અમેરિકાને પૂછયા વિના પાણી પણ નથી પીતું એ જોતાં ટ્ડો આવું વલણ અમેરિકાના પીઠબળ વિના લઈ જ ના શકે.
છેલ્લાં કેટલાંક વરસોથી ભારતીયો મોટા પ્રમાણમાં કેનેડા તરફ વળ્યા છે. તેના કારણે અમેરિકાની કોલેજોમાં ભણવા આવતા ભારતીયોની સંખ્યા ઘટી છે. અમેરિકાને આ કારણે બહુ મોટો ફટકો પડયો છે. ભારતીયો કાયમી સ્થાયી થવા માટે પણ કેનેડા પસંદ કરી રહ્યા છે તેથી પણ અમેરિકાનાં આર્થિક હિતો જોખમાયાં છે. ભારતીયો કેનેડાથી દૂર ભાગે ને પાછા અમેરિકા તરફ વળે એ માટે અમેરિકાએ જ આ ખેલ કરાવ્યાની ચર્ચા છે.
- 'ફાઈવ આઈઝ એલાયન્સ' શું છે?
ભારત અને કેનેડા વચ્ચે તણાવના પગલે 'ફાઈવ આઈઝ એલાયન્સ' ચર્ચામાં છે કેમ કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સંડોવાયેલું છે એવા ઈનપુટ 'ફાઈવ આઈઝ એલાયન્સ' દ્વારા અપાયા છે. કેનેડાનાં અખબારોમાં છપાયેલા અહેવાલો પ્રમાણે, ભારતીય રાજદ્વારીઓ વચ્ચેના કોમ્યુનિકેશનના આધારે એવા મજબૂત પુરાવા છે કે ભારતે નિજ્જરની હત્યા કરાવી. 'ફાઈવ આઈઝ એલાયન્સ'ના સભ્યોએ પણ આવા પુરાવા આપ્યા છે.
'ફાઈવ આઈઝ એલાયન્સ' મતલબ પાંચ આંખોનું ગઠબંધન. 'ફાઈવ આઈઝ એલાયન્સ' એક પ્રકારનું સ્પાય નેટવર્ક છે. અમેરિકા, કેનેડા, યુ.કે., ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ જોડાણના પાંચ સભ્યો છે. 'ફાઈવ આઈઝ એલાયન્સ' નેટવર્ક આ પાંચ દેશો વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લે માટે બનાવાયેલું છે અને ૧૯૫૬થી કામ કરે છે.
અમેરિકા અને બ્રિટન વચ્ચે ૧૯૪૩માં ઈન્ટેલિજન્સ અને સીક્યુરિટીને લગતી બાબતોના આદાનપ્રદાન માટે સમજૂતી થઈ હતી. બીજા વિશ્વયુધ્ધ પછી આ સમજૂતી કરારમાં પરિણમી. ૧૯૪૬માં અમેરિકાના વોર ડીપોર્ટમેન્ટ તથા બ્રિટનની ઈન્ટેલિજન્સ અને સીક્યુરિટી એજન્સી ગવર્નમેન્ટ કોડ એન્ડ સાયફર સ્કૂલ વચ્ચે યુરોપમાં અમેરિકાનાં દળોને તમામ પ્રકારની સહાય આપવાના કરાર થયા. કેનેડા ૧૯૪૯માં આ સમજૂતીમાં જોડાયું જ્યારે ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા ૧૯૫૬થી જોડાયાં. છેલ્લાં ૩૩ વર્ષથી આ એલાયન્સ કામ કરે છે.