GS logo

બિહારમાં મંદિરમાં પૂજા માટે ગયેલી મહિલાને પૂજારીએ મારતા ચકચાર

ઘટનાનો વિડિયો વાયરલ, પૂજારીને મંદિરના કામમાંથી હટાવાયા

Updated: Aug 7th, 2021

દરભંગા (બિહાર), 7 ઓગસ્ટ 2021 શનિવાર

બિહારના દરભંગામાં આવેલા એક મંદિરમાં એક મહિલા ભાવિકને મારવાની ચોંકાવનારી ઘટના બની છે, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપભેર વાયરલ થઇ રહ્યો છે. જેના પર મહિલા ભાવિકને મારવાનો આરોપ છે એ પૂજારીને મંદિરના વહીવટદારોએ કામમાંથી હટાવી દીધા છે અને બનાવ વિષે તપાસનો આદેશ કર્યો છે.

આ જ પખવાડિયામાં બનેલી આ ઘટનામાં એવું થયું કે રાજ પરિસરમાં રહેતાં મા શ્યામા નામની મહિલા માઇ મંદિરમાં પૂજા કરવા ગઇ હતી. કોરોના માર્ગદર્શિકાઓના લીધે જનસામાન્ય માટે મંદિરના દરવાજા બંધ હતાં.

મહિલા મંદિરની અંદર જઇને પૂજા કરવા માટે હઠે ચઢી હતી. એ જ મુદ્દે મંદિરના પૂંજારી સાથે મહિલાની ટક્કર થઇ ગઇ. પૂજારીએ પહેલાં મહિલા સાથે બદતમીજી કરી એ પછી એને વાળ પકડીને મારી.

મહિલાએ પૂજારીના ગેરવર્તનનો વિરોધ કર્યો તો પૂજારીએ એને ધક્કા મારીને મંદિરના પ્રાંગણમાંથી બહાર કાઢી મૂકી. ત્યા ભેગા થઇ ગયેલા લોકોએ આ બનાવનો વીડિયો ઉતારી લીધો જેને સોશ્યલ મીડિયા પર 'શેર' કરી દેવાયો.

© All Rights Reserved 2022 GujaratSamachar.com