Get The App

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોચી કોર્પોરેશનને રૂપિયા 100 કરોડનો દંડ ફટકાર્યો

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોચી કોર્પોરેશનને  રૂપિયા 100 કરોડનો દંડ ફટકાર્યો 1 - image


- બહ્મપુરમ ડમ્પિંગ સાઈટ આગ મુદ્દે કાર્યવાહી

- આ સાથે જ એનજીટીએ જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે

નવી દિલ્હી : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મુખ્ય બેંચે કોચી કોર્પોરેશનને રૂપિયા ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીનો આરોપ છે કે, કોચી કોર્પોરેશન દ્વારા નિયમોનું પાલન ન કરાતા ૨ માર્ચના રોજ બ્રહ્મપુરમ ડમ્પિંગ સાઈટ પર ભયાનક આગ ફાટી નીકળી હતી. એનજીટીના ચેરપર્સન આદર્શ કુમાર ગોહિલની ખંડપીઠે કોચી કોર્પોરેશનને એક મહિનાની અંદર મુખ્ય સચિવ પાસે રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મુખ્ય બેંચે કોચી કોર્પોરેશનને આદેશ કર્યો છે કે, બ્રહ્મપુરમમાં આવેલી ડમ્પિંગ સાઈટમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલા લેવામાં આવે. આ સાથે જ એનજીટીના ચેરપર્સને કેરળના મુખ્ય સચિવને જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરના પગલા લેવાનો આદેશ કર્યો છે. 

આ સાથે જ તેમણે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ લીધેલા પગલાની માહિતી સાર્વજનિક કરવા જણાવ્યું છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, માર્ચ ૨ના રોજ કચરાના ઢગલા પર લાગેલી આગના કારણે પૂરા કોચી શહેરને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ કોચી શહેરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. કચરાના ઢગલા પર લાગેલી આગ એટલી ભયંકર હતી કે, આગ પર કાબૂ મેળવવા માટે નેવીના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. 

સરકારી હોસ્પિટલના આંકડા મુજબ, ૩૦૦ જેટલા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. શહેરની હોસ્પિટલોમાં ૧૨૦ ઓક્સિજનના બેડ લગાવવામાં આવ્યા હતાં. બ્રહ્મપુરમ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે અનેક હાઈકેપેસિટી વાળા પંપ, ૩૫૦ ફાયરમેન, ૧૫૦ સહાયક કર્મચારીઓ અને ચાર હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી હતી.

Tags :