mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગાંધી જયંતિએ વડાપ્રધાને રાજઘાટ ઉપર મહાત્માજીને શ્રધ્ધાંજલિ અર્પી

Updated: Oct 3rd, 2023

ગાંધી જયંતિએ વડાપ્રધાને રાજઘાટ ઉપર મહાત્માજીને શ્રધ્ધાંજલિ અર્પી 1 - image


- રાષ્ટ્રપતિ મુર્મુએ અર્પેલી શ્રધ્ધાંજલિ

- પાસેના વિજયઘાટ ઉપર લાલ બહાદૂર શાસ્ત્રીને પણ મોદી સહિત સર્વેએ શ્રધ્ધાંજલિ અર્પિત કરી

નવી દિલ્હી : ગાંધી જયંતિએ સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સ્મરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ૭.૩૦ વાગે રાજઘાટ પર પૂ. બાપુને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મહાત્માજીને શ્રધ્ધાંજલિ સમર્પિત કરી હતી. તે સમયે સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.

રાજઘાટ પહોંચ્યા પછી વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીનાં સમાધી સ્થળ વિજયઘાટ ગયા હતા. ત્યાં પણ તેઓએ ભારતના આ વીર-સુપુત્રને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

પૂ. બાપુની ૧૫૪મી જન્મ જયંતિના દિવસે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સવારે ૧૧.૩૦ વાગે કોનોટ-પ્લેસ સ્થિત ખાદી ઇન્ડિયા કાર્યક્રમનું વિમોચન કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સવારે સાત વાગે રાજઘાટ ઉપર મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના મહામંત્રી અભિષેક બેનર્જી તથા પાર્ટીના સાંસદો, વિધાયકો અને જિલ્લા અધ્યક્ષો પણ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્માજીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ ઉપરાંત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરેએ પણ પૂ. બાપુને અને લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રધ્ધાંજલિઓ અર્પી હતી.

આ પૂર્વે વડાપ્રધાન મોદીએ ફીટનેસ ટ્રેનર અંકિત, બૈથન પુરિયા સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાને બૈથન પુરિયા સાથે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો એક વિડીયો પણ વહેતો મુક્યો હતો. ૧લી ઓકટોબરથી જ સ્વચ્છ ભારત અભિયાન માટે, વડાપ્રધાને સ્વચ્છતા માટે તેઓની 'મન કી બાત'માં પણ કહ્યું હતું.

બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે પહેલા કહ્યું હતું કે, મુંબઈમાં યોજાયેલી INDIA ગઠબંધનની બેઠકમાં જ ૨જી ઓકટોબરથી અનેક વિધ કાર્યક્રમો યોજવા નિર્ણય લેવાયો હતો. જો કે તેની વિગતો પ્રસિધ્ધ થઇ નથી.

Gujarat