સબરીમાલા મંદિરમાં જવાનો પ્રયત્ન કરનાર રેહાનાને મુસ્લિમ સમાજમાંથી બહાર મુકવાનુ એલાન
કોચી. તા. 21. ઓક્ટોબર 2018 રવિવાર
સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરનાર એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાને કેરાલાના એક મુસ્લિમ સંગઠને મુસ્લિમ સમાજમાંથી બહાર કાઢી મુકવાની જાહેરાત કરી છે.
કેરાલા મુસ્લિમ જમાત કાઉન્સિલે મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવાનો આરોપ રેહાના પર મુકીને આ એલાન કર્યુ છે. સાથે સાથે કાઉન્સિલે અર્નાકુલમ સેન્ટ્રલ મુસ્લિમ જમાતને પણ ફાતિમા અને તેના પરિવારને સમાજ બહાર મુકવાની અપીલ કરી છે.
ફાતિમા અને હૈદ્રાબાદની એક પત્રકારે બે દિવસ પહેલા મંદિરમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દરમિયાન મુસ્લિમ કાઉન્સિલના પ્રમુખ પૂકૂંજુએ કહ્યુ છે કે ફાતિમાને મુસ્લિમ નામ ઉપયોગ કરવાનો હક નથી.
રેહાના સરકારી કર્મચારી અને બે બાળકોની માતા છે તેમજ એક મોડેલ અને એક્ટિવિસ્ટ પણ છે. સબરીમાલામાં ઘૂસવાની કોશિશ કર્યા બાદ તેમના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.