ભારતમાં સિંગલ ડોઝની જોનસન એન્ડ જોનસન રસીને ઇમરજન્સી મંજૂરી
અમેરિકી કંપનીની રસીને માન્યતા મળતા ભારતમાં હવે કોરોના સામે પાંચ રસી ઉપલબ્ધ
24 કલાકમાં કોરોના વાઇરસના 38 હજાર કેસ, વધુ 617 લોકોના મોત : રસીના 51 કરોડથી વધુ ડોઝ અપાયા
નવી દિલ્હી : ભારતમાં રસીકરણ અભિયાનને વધુ ઝડપી બનાવવાના હેતુથી પાંચમી રસીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ રસીને કેન્દ્ર સરકારે માન્યતા આપી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ દાવો કર્યો હતો કે આ સાથે જ ભારતમાં રસીકરણ અભિયાન વધુ ઝડપી બનશે, હવે લોકો પાસે પાંચ રસીઓનો વિકલ્પ છે. જેમને જે યોગ્ય લાગે તે લઇ શકશે. શુક્રવારે અમેરિકાની જોનસન એન્ડ જોનસન કંપનીએ રસીના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવાની માગણી કેન્દ્ર સમક્ષ કરી હતી, જેને સ્વિકારી લેવામાં આવી છે.
અગાઉ ચાર રસીને માન્યતા અપાઇ ચુકી છે જ્યારે જોનસન એન્ડ જોનસન પાંચમી રસી છે. જોકે આ રસી અન્ય રસી કરતા અલગ હશે કેમ કે આમા વ્યક્તિએ માત્ર એક જ ડોઝની જરૂર રહેશે જ્યારે અન્ય રસીમાં બે ડોઝ લેવાના હોય છે.
કંપનીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે જોનસન એન્ડ જોનસનની રસી 85 ટકા અસરકારક સાબિત થઇ ચુકી છે. હાલ ભારતમાં સીરમની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન, રશિયાની પુતનિક અને મોડર્ના રસીને મંજૂરી મળી ચુકી છે અને હવે તેમાં જોનસન એન્ડ જોનસનનો સમાવેશ કરાયો છે.
બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 38,628 કેસો સામે આવ્યા છે જ્યારે 617 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. એક્ટિવ કેસો ઘટીને 4.12 લાખે પહોંચી ગયા છે. જ્યારે રિકવરી રેટ વધીને 97.37 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના 51.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
નિષ્ણાતોનો દાવો છે કે જોનસન એન્ડ જોનસનની રસી સામાન્ય તાપમાનમાં પણ રાખી શકાય છે. જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં આ રસીને રાખવા અને લઇ જવામાં મદદ મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં રસીનો બીજો ડોઝ પહોંચાડવો મુશ્કેલ હોય ત્યાં આ રસીનો સિંગલ ડોઝ જ પુરતો સાબિત થઇ શકશે.
જોકે આ રસીને લઇને વિવાદ પણ સામે આવ્યો હતો, અમેરિકાએ આ રસીના ઉપયોગ પર 13મી એપ્રીલે રોક લગાવી દીધી હતી કેમ કે કેટલાક કેસોમાં લોહીના ગઠ્ઠા થઇ જવાની ફરિયાદો સામે આવી હતી. જોકે બાદમાં આ રોકને હટાવી દેવામાં આવી હતી અને હાલ તેનો ઉપયોગ અમેરિકામાં પણ થઇ રહ્યો છે.