Get The App

ઉજ્જૈનમાં રેપ બાદ બાળકી અર્ધનગ્ન, લોહીલુહાણ 12 કિમી સુધી ભટકતી રહી

Updated: Sep 28th, 2023

GS TEAM


Google News
Google News
ઉજ્જૈનમાં રેપ બાદ બાળકી અર્ધનગ્ન, લોહીલુહાણ 12 કિમી  સુધી ભટકતી રહી 1 - image


- નિર્ભયાની જેમ બાળકીને રેપ બાદ રસ્તા પર ફેંકી દેવાઇ

- બાળકી ઘરે ઘરે જઇને મદદ માટે કગરતી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ, અંતે એક પૂજારીએ મદદ કરી

- બાળકી કઇ બોલી શકે તેવી હાલતમાં નથી, બળાત્કાર થયો હોવાની પુષ્ટી, તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. નરાધમોએ એક ૧૨ વર્ષીય બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેને લોહીલુહાણ કરીને અર્ધ નગ્ન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી હતી. આ બાળકી કલાકો સુધી નગ્ન અવસ્થામાં મદદ માટે ભટકતી રહી. જોકે અંતે કેટલાક લોકોએ તેને મદદ કરીને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી. આ સમગ્ર મામલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અને મધ્ય પ્રદેશની શિવરાજ સરકારની મહિલા સુરક્ષાને લઇને ભારે ટિકા થઇ રહી છે. 

મધ્ય પ્રદેશના પ્રખ્યાત ઉજ્જૈન જિલ્લાના બારનગર વિસ્તારમાં એક ૧૨ વર્ષીય સગીરા લોહીથી લથપથ અવસ્થામાં મદદ માટે ભટકતી હતી, આ બાળકી પર રેપ ગુઝારવામાં આવ્યો ઉપરાંત તેના ગુપ્તાંગને ઇજા પહોંચાડાતા લોહિલૂહાણ થઇ ગઇ હતી. બાળકી આ અવસ્થામાં ઘરે ઘરે જઇને મદદની ભીખ માગતી રહી. જોકે લોકો તેને જોતા રહ્યા પણ મદદ માટે કોઇ આગળ નહોતુ આવ્યું, આ અવસ્થામાં બાળકી  પગપાળા જ ૧૨ કિમી સુધી ભટકતી રહી. કેટલાક લોકોએ બાળકીનો આ અવસ્થામાં વીડિયો પણ ઉતાર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બાળકી ભટકતી ભટકતી એક આશ્રમમાં પહોંચી હતી, જ્યાંના પૂજારી બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મેડિકલ તપાસ કરતા બાળકી પર રેપ થયો હોવાનું પુરવાર થયું હતું.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનના એસપી સચિન શર્માએ કહ્યું હતું કે બાળકી પર રેપ થયો છે, તેની સાથે સામાન્ય વાતચીત થઇ છે જેના પરથી લાગી રહ્યું છે કે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી છે. હાલત ખરાબ હોવાને કારણે તેને હાલ ઇંદોરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે હાલ અજાણ્યા લોકોની સામે પોક્સો કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કાયદો અને વ્યવસ્થાને લઇને આ ઘટના બાદ ઘેરાયેલી રાજ્ય સરકારના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે સમગ્ર મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. 

એવામાં ઘટનાના સાક્ષીઓના નિવેદનો પણ સામે આવ્યા છે. રાજેશ નામના એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતંું કે મંગળવારે સવારે હું છ વાગ્યાની આસપાસ ઉઠયો અને ઘરનો દરવાજો ખોલ્યો તો જોયું કે મારી સામે એક બાળકી અર્ધનગ્ન સ્થિતિમાં ઉભી છે. તે રોઇ રહી હતી, અને લોહિલુહાણ હાલતમાં હતી. હું તાત્કાલીક મારી પત્નીને જાણ કરવા ઘરની અંદર ગયો, મારી પત્ની અને હું બહાર આવ્યા જોકે એવામાં બાળકી જતી રહી હતી. બાળકીને મદદ કરનારા આશ્રમના આચાર્ય રાહુલ શર્માએ જણાવ્યું હતું કે બાળકી અર્ધ નગ્ન અવસ્થામાં લોહિલુહાણ હાલતમાં આશ્રમમાં આવી હતી, મે મારો ગમછો તેને ઢાંકવા આપ્યો, બાળકી કઇ બોલી શકે તેમ નહોતી તેથી મે તેને બાદમાં પેન પેપર આપ્યા જોકે તે કઇ લખી શકે તેમ પણ નહોતી. 


Tags :