કિશોર પુત્રના ડીએનએ તપાસની પિતાની માગણી હાઈ કોર્ટે નકારી કાઢી
ભરણપોષણની જવાબદારીથી બચવાનો પ્રયાસ હોવાની કોર્ટની નોંધ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે એક કિશોરને રાહત આપીને તેના પિતાએ તેના ડીએનએની તપાસ કરવાની કરેલી અરજી ફગાવી હતી. કિશોરના પિતૃત્વને સાબિત કરવા પિતાએ આ અરજી કરી હતી. હાઈ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે બાળકોને અધિકાર છે કે તેમના જન્મની કાયદેસરતાને લઈને કોર્ટમાં તુચ્છ સવાલો કરવામાં આવે નહીં.
હાઈ કોર્ટની નાગપુર બેન્ચે જણાવ્યું હતું કે રોજગારની દ્રષ્ટીએ ખમતીધર હોવા છતાં પિતા બાળકના ભરણપોષની ચૂકવણીની જવાબદારીથી બચવા માટે તેના ડીએનએની તપાસ કરવાની માગણી કરી રહ્યો છે.
ખાનગી કંપનીમાં કાર્યરત અરજદારના લગ્ન કંપનીની મહિલા સાથે ૨૦૦૬માં થયા હતા. લગ્ન થકી બંનેને ૨૭ એપ્રિલ ૨૦૦૭ના રોજ પુત્ર અવતર્યો હતો. વૈવાહિક વિવાદને કારણે પતિ પત્ની જુદા થઈ ગયા હતા. મહિલાએ મહિને રૂ. ૫૦૦૦નું ભરણપોષણ માગ્યું હતું. અરજદારે આ રકમ આપવાનો ઈનકાર કરીને પુત્ર તેનો નહોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ અરજદારે જિલ્લા અદાલતના ૨૦૨૧ના આદેશને પડકાર્યો હતો જેમાં બાળકના ડીએનએ તપાસનો આદેશને રદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાઈ કોર્ટમાં અપીલ કરતાં હાઈ કોર્ટે પણ અપીલ નકારી હતી.