પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સંભાજી નગરમાં ઈડીના દરોડા
400 કરોડથી વધુની ગેરરીતીની આશંકા
કોન્ટ્રાકટરના ઘર, હોસ્પિટલ સહિત 9 સ્થળે સર્ચ કાર્યવાહી : 1 ડોક્ટરને ત્યાં પણ દરોડો
મુંબઇ : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આર્થિક ગેરરીતિના મામલામાં એન્પોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) એ મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ આજે છત્રપતિ સંભાજીનગરમાં નવ જગ્યાએ દરોડા પાડયા છે. આ કૌભાંડમાં એક કોન્ટ્રાકટર, એક ડૉકટર અને અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું.
પંતપ્રધાન આવાસ યોજનામાં રૃા.૪૦૦ કરોડથી વધુનું મોટું કૌભાંડ કરાયું હોવાનું કહેવાય છે. તમામ કોન્ટ્રાકટ એક જ વ્યક્તિને આપવામાં આવ્યા હોવાનો આરોપ છે. તેના પર હવે કાર્યવાહી ચાલું કરવામાં આવી છે.
ઇડીએ આજે સવારથી કાર્યવાહી દરમિયાન શું જપ્ત કર્યું હતું હાલ એની માહિતી મળી શકી નહોતી.
આ ગેરવ્યવહારમાં અમૂક મોટા નેતાઓ સામેલ હોવાનું કહેવાય છે. ઇડીએ સંબંધિત કોન્ટ્રાકટરના ઘર એક હોસ્પિટલ અને અન્ય સાત સ્થળો પર આજે દરોડા પાડયા હતા.
છેલ્લા થોડા સમયથી છત્રપતિ સંભાજીનગર ખાતે રૃા.૪૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા થતી હતી.
બે અઠવાડિયા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ટેન્ડર પ્રક્રિયામાં કૌભાંડ સાથે સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિની ફરિયાદ સ્થાનિક લોકપ્રતિનિધિએ કરી હતી. તેમજ તાજેતરમાં એક જ આઇપી એડ્રેસ પરથી ટેન્ડર ભરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
૪૦ હજાર ઘરો માટે ચાર હજાર કરોડનો પ્રોજેક્ટ તૈયાર થવા જઇ રહ્યો છે. તેની ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની મહત્વની કડી ઇડીને મળી છે.