ટીવી પર આવતી ક્રાઇમ સિરિયલ જોઇ રિંપલને માતાના મૃતદેહના ટુકડા કરવાનો વિચાર આવ્યો
વિણા જૈન હત્યા પ્રકરણ
પોલીસે યુપીથી તાબામાં લીધેલા સેન્ડવીચ વિક્રેતા અને રિંપલની સામ-સામે બેસાડી પૂછપરછ કરી
મુંબઇ: લાલબાગમાં પુત્રીએ સગી જનેતાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કર્યા હોવાના આરોપને લીધે ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ પ્રકરણે એવો દાવો કર્યો હતો કે ટીવી પર આવતી એક ક્રાઇમ સિરિયલ જોઇ રિંપલને માતાના મૃતદેહના ટુકડા કરવાનો વિચાર આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે રિંપલ સતત ટીવી પર આવતી એક ક્રાઇમ સિરિયલ જોતી હતી અને તે જોઇને તેણે આવું હિચકારું કૃત્ય કર્યું હશે તેવી શંકા વ્યક્ત કરી હતી. વીણા જૈનના મૃત્યુ પાછળનું ખરું કારણ હજી પણ સ્પષ્ટ થઇ શક્યુ નથી. પોલીસને એવી શંકા છે કે વીણા જૈનની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા. જોકે રિંપલે આ આરોપ ફગાવી નાંખી તેની માતાનું નીચે પડી જવાથી મૃત્યુ થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું.
દરમ્યાન પોલીસે આ પ્રકરણે એક સેન્ડવીચ વિક્રેતા ને યુપીથી તાબામાં લીધો છે. આ સેનેેડવીચ-વાળો રિંપલ જૈનને ઓળખે છે અને પોલીસે શુક્રવારે બન્નેને સામ-સામે બેસાડી તેમની પૂછપરછ કરી હતી. આ સેન્ડવિચ વિહેતા વોટ્સએપ પર સતત રિંપલના સંપર્કમાં હતો. શંકાની સોઇ સેન્ડવીચ વિક્રેતા પર પણ છે અને પોલીસે તેને ક્લિનચીટ આપી નથી. તેવું એક પોલીસ અધિકારીએ માધ્યમોને જણાવ્યું હતું.
પોલીસે રિંપલના સંપર્કમાં હોય તેવા લોકોના નિવેદનો નોંધ્યા છે. દરમ્યાન રિંપલે પોલીસ સમક્ષ એવું જણાવ્યું હતું કે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ટોયલેટમાં જવાના પ્રયાસમાં તેની માતાનું નીચે પડી જવાથી મોત થયું હતું. જોકે તપાસના ડરથી તે ડરી ગઇ હતી અને તેથી બચવા તેણે મૃતદેહના ટુકડા કર્યા હતા તેવું તેણે પોલીસને જણાવ્યું હતું. માતા અને પુત્રી વચ્ચે સતત ઝઘડો થતો હોવાનું રિંપલના પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતું.
કાલાચોકી પોલીસને એ વાતની પણ તપાસ કરી રહી છે કે સેન્ડવીચ વિક્રેતાએ રિંપલ જૈનને માર્બલ કટરથી તેની માતાના ટુકડા કરવામાં કોઇ મદદ કરી છેકે નહીં. દરમ્યાન આ પ્રકરણે ચાઇનીઝ સ્ટોલના બે વેઇટરોએ પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે વીણા જૈન નીચે પડયા બાદ તેમણે તેમની નાડી તપાસ્યા બાદ તેઓ ગુજરી ગયા હોવાનું તેની પુત્રી રિંપલને જણાવ્યું હતું આ સાથે જ આ વાતની જાણ સંબંધીઓને પણ કરવાનું જણાવ્યું હતું પણ રિંપલે તેમને ચાલ્યા જવાનું કહી તે આ બાબત જોઇ લેશે તેવું કહ્યું હતું.