હર્યાભર્યા ખેતરમાં ઉગાડી માતા-પિતાની સ્મૃતિ
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
દિવંગત માતા-પિતાની સ્મૃતિમાં ઘણાં સંતાનો ઘરમાં તૈલચિત્ર કે ફોટા લગાડે છે, કોઈ દાન કરીને વડીલોના નામની તક્તિ લગાડે છે, પણ નિઝામાબાદના ફળદ્રુપ ભેજાના કિસાને હર્યાભર્યા ખેતરમાં માતા-પિતાની સ્મૃતિને રીતસર ઉગાડીને સહુને છક્ક કરી દીધા છે. અનાજમાંથી ઘણાં રંગોળી બનાવે છે, પણ ચિંતલૂર ગામના ગંગારામ ચિન્ની કૃષ્ણુુંડુંએ તો સૌથી પહેલાં એક ચિત્રકારની મદદ લીધી. ચિત્રકારે ખેતરમાં ખેડૂતનાં માતા-પિતાનાં સુંદર ચિત્રો બનાવ્યાં. ત્યાર બાદ ખેડૂતે ચિત્રોની રેખાઓ પર જુદા જુદા અનાજના બી વાવ્યાં. વરસાદ પછી આ બી ઉગી નીકળ્યા ત્યારે હર્યાભર્યા ખેતરમાં ખેડૂતનાં માતા-પિતાના ચિત્રો ઉપસી આવ્યાં. જો કે આ ચિત્રો ડ્રોન કેમેરાથી અથવા તો ઊંચી સીડી ઉપરથી નજર કરતાં જોઈ શકાય છે. મા-બાપને કેવી હરીભરી શ્રદ્ધાંજલિ આપી!
આજે કેટલાક સંતાનો વૃદ્ધ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને પછી એની યાદ સુદ્ધાં ભૂલાવી દે છે, જ્યારે નિઝામાબાદના આ ખેડૂતે મા-બાપની સ્મૃતિ જળવાઈ રહે અને આવનારી પેઢી પણ જોઈ શકે માટે કેવો નુસખો સરસ અજમાવ્યો! આ જોઈને કહેવું પડે કે-
કોઈ વડીલોને
વૃદ્ધાશ્રમમાં પુગાડે છે,
તો કોઈ વડીલોની સ્મૃતિ
હર્યાભર્યા ખેતરમાં ઊગાડે છે.
જિલ્લાની જીદ માટે વધારી દાઢી
દાઢી અને મૂછ મરદની ખેતી ગણાય છે. એટલે ઘણા પુરુષો દાઢી વધારતા હોય છે. 'ચલતી કા નામ ગાડી' પછી કિશોરકુમારની એક ફિલ્મ આવેલી 'બઢતી કા નામ દાઢી.' પણ છત્તીસગઢના એક નાગરિકે ૨૧ વર્ષ સુધી દાઢી વધારી હતી. શું કામ, ખબર છે? રામકૃષ્ણ ગુપ્તા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે પ્રતિજ્ઞાા કરી હતી કે જ્યાં સુધી છત્તીસગઢમાં મહેન્દ્રગઢ- ચિરમીરી- ભરતપુર જિલ્લો નહીં રચાય ત્યાં સુધી તે દાઢી નહીં કરે. આખરે બે દાયકા બાદ સરકારે મહેન્દ્રગઢ-ચિરમીરી- ભરતપુરને રાજ્યનો ૩૨મો જિલ્લો જાહેર કર્યા બાદ ૨૧ વર્ષે ગુપ્તાજીએ દાઢી ઉતરાવી હતી. સત્યાગ્રહની જેમ આ અનોખો દાઢીગ્રહ જોઈને કહેવું પડે કે-
જિલ્લાની જીદ ખાતર
વધારી દાઢી,
છેવટે માગણી સંતોષાતા
વાઢી દાઢી.
ખાડા સામે
કલાત્મક વિરોધ
ખાડા સર્વવ્યાપી છે. ખાડા બધાને આડા આવે છે. સિયાસતને રસ્તે અખાડા જોવા મળે છે, એટલે જ ગાવું પડે છેઃ 'ખાડાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતું ન મેલો ઘનશ્યામ...' ખાડાની શાશ્વત સમસ્યા સામે મોર્ચા નીકળે, આંદોલન થાય અને પોસ્ટરો-બેનરો પર ખાડાવિરોધી પોકાર કરવામાં આવે છતાં ખાડે ગયેલા તંત્રને ઝાઝી અસર નથી થતી. એટલે પછી ખાડા સામે વિરોધની અવનવી તરકીબો અજામાવાય છે. મુંબઈ નજીક કોંગ્રેસીઓએ વડા પ્રધાનનો જન્મદિન ખાડાની વચ્ચે કેક કાપી (અને તંત્રનું નાક કાપી) ઉજવ્યો. ક્યાંક વળી દરેક ખાડાની ફરતે સુંદર રંગોળી કરીને ખાડામય રંગોળીના ફોટા વાઈરલ કરાયા. ક્યાંક તો વળી ખાડ-ખાબોચિયામાં છોડ વાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો અને લાઉડ-સ્પીકરમાં હાથ બનાવટનું ગીત વહેતું મૂકવામાં આવ્યું ઃ 'ખાડે' રહિયો ઓ બાંકે યાર રે 'ખાડે' રહિયો... ફિલ્મનું નામ 'પાકિઝા'ને બદલે અપાયું 'થાકી-જા.' જોકે સૌથી અનોખી ઢબે વિરોધ સુખી સંસારના રસ્તે આગળ વધવા નિકળેલી કેરળની કોડીલી કન્યાએ કરી દેખાડયો. સામાન્ય રીતે લગ્નપૂર્વનું પ્રી-વેડિંગ શૂટ કન્યાઓ સુંદર જગ્યામાં કરાવતી હોય છે, પણ કેરળની કન્યાએ લાલચટક સાડી પહેરી, સોનાના દાગીનાથી લદાઈ અને મેંદી લગાડેલા હાથે શહેરમાં ઠેર ઠેર પડેલાં ખાડા વચ્ચેથી લટકમટક ચાલીને ફોટા પડાવ્યા. આ ફોટા જબરજસ્ત વાઈરલ થયા. આ કન્યાના લગ્ન પછી કન્યા-વિદાય વખતે ગાવું પડયું હશેઃ 'બાબુલ કી દુવાંએ લેતી જા... જા તુઝકો સુખી સડક મિલે... ખડ્ડે કી કભી ના યાદ આયે... જા તુઝકો સુખી સડક મિલે...'
હયાત પત્નીઓનું પિંડદાન
પતિના લાંબા આયુષ્ય માટે પત્નીએ કયું વ્રત પાળવું જોઈએ? એવો સવાલ કોઈ પીડિત પતિને પૂછવામાં આવે તો અચૂક જવાબ મળે કે પત્નીએ મૌનવ્રત પાળવું જોઈએ. પત્ની પતિવ્રતા મળે તો સંસાર તરી જવાય પણ આપત્તિ-વ્રતા મળે તો મરી જવાય હો? જેના ભાગ્યમાં આવી આપત્તિવ્રતા લખાયેલી હોય એવાં લગભગ ૫૦ પીડિત પતિદેવોએ શ્રાદ્ધપક્ષમાં મુંબઈમાં અનોખું પિંડદાન કર્યું. કોનું ખબર છે? પોતાની જીવિત આજી-માજી પત્નીઓનું કર્યું પિંડદાન. શ્રાદ્ધપક્ષમાં દિવંગત પૂર્વજોને મોક્ષ મળે એવી કામના સાથે પિંડદાન કરવામાં આવે છે, પણ મુંબઈના ઐતિહાસિક બાણગંગાના તળાવ પર ભેગા થયેલા પીડિત પતિદેવોમાંથી મોટાભાગનાને છૂટાછેડા મળી ચૂક્યા હતા અને બાકીના પીડિત પતિદેવોના છૂટાછેડાના કેસ હજી કોર્ટમાં ચાલે છે. એટલે સંગીન જેવી ધારદાર જીવન-સંગીનીઓથી કાયમ માટે પિંડ છૂટયો એટલે પતિદેવોએ જીવિત પત્નીઓનું પિંડદાન કર્યું હતું અને છૂટકારો મળતા હરખઘેલા બનેલા એક હસબંડે તો માથે મુંડન પણ કરાવ્યું, બોલો. આ બધાએ મનોમન હાથ જોડીને પ્રાર્થના પણ કરી કે હવે જન્મોજન્મ આ પત્ની ન જોઈએ. આ જોઈને કહેવું પડે કે હિમ્મતથી બંડ કરી છૂટા પડે અને મુક્તમને હસી શકે એ હસ-બંડ. જો છૂટા વો સિંકદર બાકી મનમાં બીક રાખી સહન કર્યે જાય અને બહાર ન પડે બીક-અંદર.
દહેશત વચ્ચે દેશભક્તિઃ રોજ આખું ગામ ગાય રાષ્ટ્રગીત
છેલ્લાં અનેક દાયકાથી નકસલી હિંસાચારનો અવારનવાર ભોગ બની ચૂકેલા મહારાષ્ટ્રના નકસલગ્રસ્ત જિલ્લા ગઢચિરોલીના ગ્રામજનો કાયમ મોતના સોદાગર માઓવાદીઓની દહેશતને લીધે ફફડાટમાં જ જીવતા હોય છે. ગામડાં ઉપર ત્રાટકતા નકસલવાદીઓ કોઈ પોલીસ ખબરી છે એવી શંકાને આધારે ગામ વચ્ચે એનું ગળું રહેંસી નાખતા જરા પણ અચકાતા નથી. ઘણી વાર પોલીસ અને માઓવાદીઓની વચ્ચે સામસામા ગોળીબારને કારણે ગાજી જંગલ ગાજી ઉઠે છે.
આવી દહેશત વચ્ચે જીવતા ગામડાવાસીઓનો ડર દૂર કરવા અને દેશભક્તિની ભાવના પ્રગટાવવા પોલીસે પહેલ કરી છે. ગઢચિરોલી જિલ્લાના મુલચેરા ગામમાં ૧૫મી ઓગસ્ટ પછી અનોખી પ્રથા પાડવામાં આવી છે. પોલીસો અને મુલચેરાના રહેવાસીઓ દરરોજ સવારે ૮.૪૫ વાગ્યે ગામના ચોકમાં ભેગા થાય છે અને એક સાથે રાષ્ટ્રગીત ગાય છે.
રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં પોલીસ તરફથી લાઉડ-સ્પીકરમાં દેશભક્તિનું ગીત વગાડવામાં આવે છે. એટલે લોકો સમજી જાય છે કે રાષ્ટ્રગાનનો સમય થઈ ગયો છે એટલે બધા ભેગા થઈ જાય છે અને રાષ્ટ્રગીત ગાઈને પછી છૂટા પડે છે. આનું સારું પરિણામ જોવા મળ્યું છે. પોલીસ ખભેખભા મિલાવી ઊભા રહે છે એટલે ગામડાના લોકોને ધરપત રહે છે કે રક્ષા કરનારા મોજૂદ છે એટલે ડર ઓછો થયો છે. બીજું રોજેરોજ ઉમદા આશય સાથે મળવાની શરૂઆત થવાથી આપસના મતભેદ અને વિવાદો ઓછા થયા છે. આમ, તેલંગાણાના નલગૌંડા અને સાંગલી જિલ્લાના ભીલવડી પછી ંમુલચેરા ત્રીજું એવું ગામ છે, જ્યાં ગ્રામજનો તરફથી દરરોજ સમુહમાં રાષ્ટ્રગીત ગવાય છે. આ નવતર પ્રયોગ જોઈને કહી શકાય કે-
ઘટાડે દહેશત
જળવાય સહુનું હિત,
જ્યારે ગામડે ગામડે
ગવાય સમુહમાં રાષ્ટ્રગીત.
પંચ-વાણી
રાસના ખેલૈયા રાસવાદી,
મફતીયા પાસવાળા પાસવાદી,
પાંજા કચ્છી છાશવાદી.