રશિયામાં ગન-પતિ... ભારતમાં ગણ-પતિ
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
હો રંગરસિયા... લોકગીતની કડી રશિયા-યુક્રેન યુદ્ધ પછી ફેરવીને ગાવી પડે: હો તંગ રશિયા... યુદ્ધ ભલે સરહદ પર લડાતું હોય, પણ તેનો આર્થિક માર આખા દેશે સહન કરવો પડે છે. આવા યુદ્ધગ્રસ્ત વાતાવરણથી છુટકારો મેળવવા અને માનસિક શાંતિ પામવા રશિયન ટુરિસ્ટો, એક યુવાન અને યુવતીનો, મુંબઈની લોકલ ટ્રેનમાં ભેટો થયો. ફર્સ્ટ-કલાસમાં બેસવાની જગ્યા હોવા છતાં દરવાજે ઊભા રહી તેઓ આકાશ સામે તાકીને હરખાતાં હતાં,અને અંદરોઅંદર રશિયન ભાષામાં વાત કરી એકબીજાને તાલી આપતા હતા. યુવાનને પૂછ્યું કે આકાશમાં શું જુઓ છો? યુવાને ભાંગીતૂટી અંગ્રેજીમાં જવાબ આપ્યો, 'નો વોર-પ્લેન, નો મિસાઈલ, નો ડ્રોન ઈન સ્કાય... વેરી હેપ્પી!' આ જવાબ સાંભળીને ખ્યાલ આવ્યો કે ફાઈટર પ્લેનની ઉડાઉડ કે મિસાઈલ વગરના ખુલ્લા અને શાંત આકાશને ઘણા વખતે જોયુંએટલે રાજી થઈ ગયા.
મજાની વાત એ છે ભારતમાં આવી હિન્દુત્વને રંગે રંગાયેલા યુવાને ગળામાં કેટલીય રૂદ્રાક્ષની માળા ધારણ કરી હતી, માથે જટા શોભતી હતી અને કપાળે ચંદનનું તિલક કર્યું હતું. રશિયને જે ટી-શર્ટ પહેરેલું એની ઉપર વિધ્નહર્તા ગણેશજીનું સુંદર ચિત્ર હતું. ધર્મનો રસ્તો અપનાવવાનું કારણ પૂછતા યુવાને બે જ શબ્દમાં જવાબ આપ્યો, 'ફોર પીસ.' આવું છે, ભાઈ. રશિયામાં દેખાય ગન-પતિ અને ભારતમાં દેખાય ગણપતિ.
પત્નીના શબને ખભે ઉપાડી
પતિએ પગપાળા ચાલવું પડયું
સામાન્ય રીતે પતિ આખા પરિવારનો બોજો ઉપાડી સંસારની વાટે ચાલતો હોય છે, પણ પતિએ જ્યારે મૃત પત્નીના મૃતદેહનો બોજો ખભે ઉપાડી ચાલવુંપડે એ કરૂણતાની ચરમસીમા જ કહેવાયને? ઓડિશાના સામુલૂ પાંગી નામના શખસે બીમાર પત્નીને સારવાર માટે દૂરની હોસ્પિટલમાં દાખલ કરી હતી. માંદગી ગંભીર હતી અને બચવાની આશા નહોતી રહી. એટલે ડોકટરોએ તેને ઘરે લઈ જવા કહ્યું. સામુલૂપાંગી પત્નીને રિક્ષામાં બેસાડી ઘરે લઈ જતો હતો ત્યાં અડધે રસ્તે પત્ની મૃત્યુ પામી. એટલે જાલીમ રિક્ષાવાળાએ ડેડબોડી લઈ જવાનો ઈનકાર કર્યો અને રિક્ષામાંથી ઉતરી જવા કહ્યું. આજુબાજુ કોઈ વાહન પણ ન મળ્યું એટલે નાછુટકે તેણે પત્નીનો મૃતદેહ ખભે ઉપાડયો અને ચાલવા લાગ્યો. તાતડિયે તડકે કેટલાય કિલોમીટર ચાલ્યા પછી રસ્તામાં પોલીસે વેન મળી. પછી પોલીસોએ તરત જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી ત્યારે પત્નીનો મૃતદેહ ઘરે પહોંચ્યો.
આ જ ઓડિશામાં ૨૦૧૬માં હોસ્પિટલમાં એક સ્ત્રી મૃત્યુ પામી ત્યારે હોસ્પિટલે શબ લઈ જવા માટે એમ્બ્યુલન્સ આપવાનો ઈનકાર કર્યો ત્યારે તેના પતિએ આવી જ રીતે મૃત પત્નીના અચેતન દેહને ખભે ઉપાડી ૧૨ કિલોમીટર ચાલીને ઘરે પહોંચાડવું પડયું હતું. પતિની કેવી દશા થઈ હશે? નેતાઓ ગામડાઓમાં આરોગ્ય સુવિધા પૂરી પાડવાના બણગા ફૂંકતા હોય છે, શહેરોમાં તો ત્રણ આંકડાનો ફોન નંબર ડાયલ કરો ત્યાં ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી જતી હોય છે, જ્યારે ગામડાની આ કેવી વરવી અને વિષમ વાસ્તવિક્તા કહેવાય કે પોતાની મૃત અર્ધાંગિનીને ખભે ઉપાડી પતિએ ચાલતા જવું પડે?
તામિલનાડુમાં હાથીઓ
માટે સ્વિમિંગ પુલ
તામિલનાડુમાં તો ખરેખરા હાથીઓ માટે લાખોના ખર્ચે સ્વિમિંગ પુલ બંધાયા છે. તાજેતરમાં જ કોઈમ્બતુરના પેરૂર પીઠેશ્વર મંદિરના હાથી માટે ૫૦ લાખને ખર્ચે બંધાયેલા જંગી તરણહોજનું ઉદ્ઘાટન થયું. તામિલનાડુ સરકારમાં ખાસ હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરીટેબલ એન્ડોવમેન્ટ ખાતું છે, જે મંદિરોની બાબતો સંભાળે છે અને મંદિરમાં જે પાળેલા હાથીઓ રાખવામાં આવે છે તેની સુવિઘાનો ખ્યાલ રાખે છે. પેરૂર પીઠેશ્વર મંદિરના હાથી માટે ૫૦ લાખના ખર્ચે રેમ્પવાળો સ્વિમિંગ પુલ બંધાયો એનાં હજી બીજા ૧૦ એલિફન્ટ સ્વિમિંગ પુલ બાંધવા માટે ૨૦૨૨-૨૩ના સ્ટેટ બેજટમાં નાણાંની જોગવાઈ કરવામાં આવી છે. ૨૫ મંદિરોમાં તો આ અગાઉ હાથીઓ માટે તરણહોજની વ્યવસ્થા થયેલી જ છે. મુંબઈના રેસકોર્સમાં રેસના ઘોડા માટે અફલાતૂન સ્વિમિંગ પુલ છે. હાથી અને ઘોડાને પુલમાં તરતા અને નાહતા જોઈ કહેવું પડે-
હાથી ઘોડા પાલખી
સબ મજા લે સ્નાન કી
વટલાવનારા માટે
ગામડામાં નો-એન્ટ્રી
કોઈ એવું ગામડું નજરે પડે કે જ્યાં કોણે ગામમાં ન આવવું એવું મોટું બોર્ડ લગાડેલું હોય એ જોઈને કેવું આશ્ચર્ય થાય? આ ગામડાનું નામ છે કેકડિયા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. કેકડિયાની બહાર બોર્ડ મારેલું છે કે 'ધર્મ પરિવર્તન કરાવવાના આશયથી આવતા ઈસાઈ મિશનરીઓનો પ્રવેશ વર્જિત છે.' આ આદિવાસી વિસ્તારમાં પૂરજોશમાં ચાલતી વટાળ પ્રવૃત્તિને બ્રેક લાગે માટે કાકડિયા નામના આ આદિવાસી ગામડાની બહાર જ સૂચના ફલક લગાડવામાં આવ્યું છે કે મિશનરીઓને માટે નો-એન્ટ્રી છે. ધર્મ પરિવર્તનના વધતા જતા મામલા અને લવ જિહાદના સામે આવતા કિસ્સાને લીધે મધ્યપ્રદેશ સરકારે ૨૦૨૦ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ કાનૂન ઘડયો છે. આમ છતાં વટાળ પ્રવૃત્તિ ચાલ્યા જ કરે છે. આ વિસ્તારના લગભગ ૧૦૦ આદિવાસી ગ્રામજનોને વટાલાવવામાં આવ્યા પછી જાગેલા ગ્રામજનોએ ગામડાને ગોંદરે નો-એન્ટ્રીનું બોર્ડ મારવું પડયું છે.
જીવલેણ લાઈટ કરોડો
પક્ષીઓનો ભોગ લે છે
લાઈટ પોલ્યુશનનો એક હિન્દી અખબારે અનુવાદ કર્યો હતો 'હલકા-સા પ્રદૂષણ'! હે ભગવાન ...આ અનુવાદ કરનારને ખબર નહીં હોય કે લાઈટ પોલ્યુશન એટલે આર્ટિફિશિયલ લાઈટથી ફેલાતું પ્રદૂષણ? ઠીક છે આવાં છબરડાં ને 'લાઈટલી' લેવામાં જ મજા છે. બાકી લાઈટથી ફેલાતા પ્રદૂષણને લાઈટલી લેવામાં હેવી રિસ્ક છે. વીજળીની જ્યારે શોધ નહોતી થઈ ત્યારે સૂર્યોદય થતાંની સાથે સહુ કામે લાગતા. દિવસભર સૂરજના અજવાળે કામ કર્યા પછી સંધ્યાટાણે ઘરે આવી વાળુ-પાણી પતાવતા અને પછી ખુલ્લા આકાશ નીચે બેસી ટોળટપ્પા કરતા. આજે તો રાતે પણ શહેરોમાં લાખો લાઈટોના કૃત્રિમ અજવાળાને કારણે ભ્રમ થાય કે આ દિવસ તો નથી ઉગ્યોને! આ આર્ટિફિશિયલ લાઈટનું પોલ્યુશન માનવશરીર માટે ગંભીર ખતરારૂપ છે અનેક ગંભીર બીમારીમાં ધકેલી શકે છે, સાથે સાથે આ કૃત્રિમ અજવાળાને લીધે દુનિયામાં દર વર્ષે લગભગ દસ કરોડ પક્ષીઓ મોતને ભેટે છે. કબૂતરને ચણ નાખી પુણ્ય કમાવવાનો પ્રયાસ કરવાવાળા લાઈટને લીધે થતી આ પક્ષી-હિંસાથી કદાચ વાકેફ નહીં હોય. ગામો અને શહેરોમાં રાત્રે ઝગમગીઉઠતી કૃત્રિમ લાઈટોના અજવાળાને લીધે સૌથી વધુ કફોડી દશા યાયાવર પક્ષીઓની થાય છે. સૂર્યોદય થતાંની સાથે ઉડ્ડયન શરૂ કરવાવાળા પક્ષીઓ રાતના આ કૃત્રિમ અજવાળાને લીધે ભૂલા પડી જાય છે. ઊંચી ઈમારતો પર ઝળહળતી લાઈટોના અજવાળા આસપાસ ચકરાવા લઈને થાકીને ઊંચેથી નીચે પટકાય છે અથવા ઈમારતો સાથે અથડાઈ મોતને ભેટે છે. આ રીતે દર વર્ષે કરોડો પક્ષીઓ કૃત્રિમ અજવાળાનો ભોગબને છે, પ્રાણીઓને પણ કૃત્રિમ લાઈટથી ત્રાસ થાય છે. કાચબાનો દાખલો લઈએ તો આજે મુંબઈ સહિત દેશ અને દુનિયાના દરિયા કાંઠે રોશનીનો ઝળહળાટ જોવા મળે છે. કિનારે કૃત્રિમ અજવાળું જોઈને કાચબી ઈંડા મૂકવા કિનારે નથી આવતી. એ તો દરિયા કિનારાના ઝાડી-ઝાંખરાવાળા અંધારિયા ભાગને જ ઈંડા મૂકવા માટે પસંદ કરે છે. આમ જળચર, થળચર, ખેચર અને માનવ માટે જીવલેણ બનતી આ ખતરનાક કૃત્રિમ લાઈટને કેવી રીતે લાઈટલી લઈ શકાય? રાત્રે કારમાં જતા હોઈએ અને સામેથી આવતી કારની હેડલાઈટથી આપણી આંખો કેવી અંજાઈ જાય છે? આના પરથી ધડો લેવો જોઈએ કે જેનું કુદરતી તેજ હોય તેનાથી અંજાઈ જવાય તો વાંધો નહીં, બાકી જે ઠાઠમાઠ કરી, ખોટો દેખાડો કરી અને ભ્રમજાળ ઊભી કરી કોઈ આંજી નાખવાનો પ્રયાસ કરે તો જરાય અંજાવું નહીં એને સંભળાવી દેવાનું કે ઊછીનું તેજ લેનારા શું લડવાના સૂરજથી....
પંચ-વાણી
ગુજરાતી- મધરટંગ
અંગ્રેજી - અધરટંગ