તિહાર એટલે જેલ નહીં, જશ્નઃ ઈશાનમાં દિવાળીની ઉજવણીની શાન
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
દિવાળી એટલે પ્રકાશનો પર્વ. રાવણનો વધ કરી યુદ્ધમાં વિજય મેળવીને પ્રભુ રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે એમની જન્મભૂમિમાં વસતી પ્રજાએ અગણિત દીવડા પ્રગટાવી શ્રીરામને વધાવ્યા હતા. ત્યારથી દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ એવું મનાય છે. ઈશાન ભારતની દિવાળી તિહાર એટલે તહેવાર તરીકે અનોખી રીતે ઉજવાય છે. તિહારનું નામ કાને પડતાં દિલ્હીની તિહાર જેલ યાદ આવે, પણ ઈશાન ભારતમાં તિહાર એટલે તહેવાર. પાંચ દિવસની આ તિહારની ઉજવણીમાં પ્રકૃતિનાં તત્ત્વોની વનસપ્તિની અને કાગડાથી માંડીને કૂતરાની અને ગાયમાતાની પૂજા કરવામાં આવે છે. પાંચ દિવસની ઉજવણી કાગ તિહાર તરીકે ઓળખાય છે. આ દિવસે કાગડાને મીઠાઈ ધરવામાં આવે છે. કાગડો દુઃખ અને શોકનું પ્રતીક માનવામાં આવે છે. એટલે તેની પૂજા કરી મીઠાઈનો ભોગ ધરવામાં આવે તો પરિવારના જીવનમાંથી શોકની છાયા નષ્ટ થાય છે એવી માન્યતા છે. બીજો દિવસ એટલે કુક્કુડ તિહાર. આ દિવસે માનવીના સૌથી વફાદાર સાથી અને જીવનરક્ષક કૂતરાની શ્વાન-પૂજા થાય છે અને એમને ભાવતું ભોજન ખવડાવવામાં આવે છે. ત્રીજો દિવસ એટલે ગાય તિહાર, જેમાં ગાયમાતાની સાથે ગૌવંશની પૂજા થાય છે. ગાયને ફૂલોના હારથી શણગારવામાં આવે છે, ચાંદલા કરવામાં આવે છે. ગાય તિહારને દિવસે જ લક્ષ્મીપૂજન થાય છે. ત્રીજો દિવસ સૌથી વધુ મહત્ત્વનો ગણાય છે. એ દિવસે મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં દરેક ઘરના છાપરે દીવડા ઝળહળી ઉઠે છે અને રોશનીના ઝગમગાટથી આંખો અંજાઈ જાય છે. છેલ્લાં બે દિવસ ગોવર્ધનપૂજન અને ભાઈબીજની ધામધૂમથી ઉજવણી થાય છે.
તૃતીયપંથી સુરક્ષા માટે તૈયાર
ભારતમાં આતંકવાદીઓને ધકેલી ખાનાખરાબી કરતા પાકિસ્તાન સામે જ્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો એ વખતે આ દેશના બહાદુર તૃતીયપંથીઓએ પડકાર ફેંક્ેલો કે અમારા હાથમાં બંદૂકો આપો તો એ પાકિસ્તાની નહીં પણ 'પાપીસ્તાનીઓ'ના છક્કા છોડાવી દઈએ (કારણ અમે તો પહેલેથી છૂટેલા છીએ, અમને કોઈનો ડર નથી). જો કે એ વખતે તૃતીયપંથીઓની હાકલને કોઈએ ગંભીરતાથી નહતી લીધી, પરંતુ અત્યારે કર્ણાટક એવું પહેલું રાજ્ય બન્યું છે, જે તૃતીયપંથીઓના હાથમાં બંદૂક આપી લોકોની સુરક્ષાની જવાબદારી સોંપશે. કર્ણાટક સરકારે સ્ટેટ આર્મ્ડ ફોસીઝ મેલ થર્ડ જેન્ડર સમુદાય માટે ૭૯ પદ અનામત રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે પૈસા માગવા માટે તાલી અને તાબોટા પાડતા તૃતીયપંથીઓ પર લોકો તિરસ્કાર વરસાવીને કહેતા હોય છે કે યહાં આના-મત. હવે કર્ણાટકમાં તેમને જેનો લાભ મળશે તે છે અના-મત. નવાબો અને બાદશાહોના જમાનામાં જનાનખાનાની સુરક્ષા માટે હટ્ટાકટ્ટા તૃતીયપંથીઓને જ રાખવામાં આવતા હતા. કર્ણાટકની પહેલને લીધે તૃતીયપંથીઓ ફરી સુરક્ષાની જવાબદારી નિભાવશે.
કેરળની અનોખી ડ્રેસ બેન્ક
આપણા દેશની અનેક બેન્કોમાંથી ઢગલાબંધ પૈસા ઉપાડી બેન્કોને 'અન-ડ્રેસ' કરી પરદેશ પલાયન કરી જનારાનો તોટો નથી. આપણે ત્યાં જાતજાતની બેન્કો છે. બ્લડ-બેન્ક, આઈ-બેન્ક, સહકારી બેન્ક, કૃષિ-બેન્ક વગેરે, પણ તમે જાણો છો, કેરળમાં એક સામાન્ય ટેક્સી-ડ્રાઈવરે અનોખી બેન્ક ખોલી છે અને તેને નામ આપ્યું છે વેડિંગ ડ્રેસ બેન્ક? દસ વર્ષ સાઉદી અરેબિયામાં નોકરી કરી કેરળ પાછા ફરેલા નાસર થુથાએ ટેક્સી ફેરવવા માંડી. એમાં એક વાર તેને કાને વાત આવી કે કોઈ ગરીબ ઘરની કન્યાનાં લગ્ન થવાનાં છે, પણ મા-બાપ પાસે કન્યા લગ્નમાં પહેરી શકે એવાં મોંંઘા વસ્ત્રો નથી. બસ, એ જ વખતે નાસરે સંકલ્પકર્યો કે તે ગરીબ ઘરની કન્યાઓ લગ્નનાં વસ્ત્રો માટે વેડિંગ ડ્રેસ બેન્ક ખોલશે. નાસરે સોશ્યલ મિડિયામાં અપીલ કરી કે શુભ કાર્યમાં સહભાગી થવા ડ્રેસ મોકલો. થોડા વખતમાં ફક્ત કેરળ જ નહીં, બહારના રાજ્યોમાંથી પણ પાર્સલોનો પ્રવાહ શરૂ થઈ ગયો. પાંચ હજારથી માંડીને ૫૦ હજારની કિંમતના નવાનક્કોર ડ્રેસ આ ડ્રેસ બેન્કમાં જમા થવા માંડયા. ગરીબ કે સાધારણ પરિવાર દીકરીનાં લગ્ન માટે ડ્રેસ બેન્કનો સંપર્ક કરે છે. તરત જ પસંદગીના ડ્રેસ એક પણ પૈસો લીધા વગર આપવામાં આવે છે. કોઈ રૂબરૂ ન આવી શકે તો કુરિયર મારફત ડ્રેસ પહોંચતા કરવામાં આવે છે. અત્યારે ૮૦૦થી વધુ ડ્રેસ જમા થયા છે અને પ્રવાહ ચાલુ જ છે. જેને ડ્રેસ અપાય તેને ભાર દઈને કહેવામાં આવે છે કે આ ડ્રેસ બેન્કને પાછો આપવાનો નથી, પણ શક્ય હોય તો બીજા કોઈને જરૂર પડે તો એક પણ પૈસો લીધા વગર આપી દઈને આ સેવાકાર્યમાં સહભાગી થજો. આ અનોખી બેન્ક વિશે જાણીને કહેવાનું મન થાય કે-
બેન્ક લૂંટનારા ખાય મેવા
ડ્રેસ-બેન્ક મારફત મદદ આપનારા કરે સેવા.
મેરેજમાં આધાર-કાર્ડ વિના નો-એન્ટ્રી
સ્ટેજ-શો કે કાર્યક્રમોમાં પાસ વગર પ્રવેશ આપવામાં ન આવે એ સમજાય, પણ લગ્નપ્રસંગે મંડપ-પ્રવેશ વખતે પાસ નહીં, પણ આધાર કાર્ડ માગવામાં આવે ત્યારે કેવી નવાઈ લાગે? બન્યું એવું કે ઉત્તર પ્રદેશના અમરોહા નજીક આવેલા એક ગામના મહોલ્લામાં એક જ સમયે બે લગ્ન-પ્રસંગ યોજાયા હતા. હવે જુદા જુદા માંડવે જમણવારમાં ગામના વણનોતર્યા મહેમાનો ઘૂસી ન જાય માટે પ્રવેશદ્વાર પર સ્વયંસેવકો ઊભા રાખી દેવામાં આવ્યા હતા અને આધાર કાર્ડ તપાસીને પછી એન્ટ્રી આપતા હતા. એમાં કેટલાકની કફોડી દશા થઈ હતી. એમના ખિસ્સામાં આધાર કાર્ડ નહોતા એટલે દાખલ થવા દેવામાં નહોતા આવ્યા. એક તો કકડીને ભૂખ લાગી હોય અને ધૂમાડાબંધ જમણવાર ચાલતો હોય ત્યારે બહાર ઊભા રહેવું પડે ત્યારે કેવી હાલત થાય? જો કે ગામના ડાહ્યા માણસોએ આનો તોડ કાઢ્યો. નામ-ઠામ અને ઓળખાણ પૂછીને પછી એન્ટ્રી આપવાનું શરુ કર્યું.
મુંબઈ જેવાં શહેરોમાં તો મોટા મોટા લગ્ન-સમારંભો વખતે ભાડાના સૂટ પહેરી અપ-ટુ-ડેટ તૈયાર થઈને બિનધાસ્ત ઘૂસી જતા 'માનવંતા' ઘૂસણખોરોનો તોટો નથી. એટલે આધાર કાર્ડ ચેક કરી એન્ટ્રી આપવાનો નુસ્ખો અજમાવવા જેવો છે.
મસ્જિદ પર ગણપતિ દર્શન
દિલ્હી આવતા દેશ-વિદેશના પર્યટકો અચુક કુતુબમિનાર જોવા જાય છે. હવે કુતુબમિનાર જોવા માટે જતા પર્યટકોએ પરિસરની કવત્તુલ ઈસ્લામ મસ્જિદની દિવાલ પર દુદાંળા દેવ ગણેશજીના દર્શન કરી શકશે. અત્યાર સુધી મસ્જિદના પાછળના ભાગમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ આડે લોખંડની જાળી લગાડેલી હતી. આને કારણે વિધ્નહર્તાના સ્પષ્ટ દર્શન નહોતા થતા. આખરે હિન્દુ સંગઠનોએ જોરદાર અવાજ ઉઠાવ્યા બાદ આર્કિયોલોજીકલ વિભાગે લોખંડની જાળીનું માળખું હટાવી દીધું છે અને ત્યાં મૂર્તિને પારદર્શક બુલેટપ્રૂફ ગ્લાસથી ઢાંકી દીધી છે.
સુલતાન કુત્બુદ્દીન ઐબકે ૨૭ હિન્દુ અને જૈન મંદિરો નષ્ટ કરીને આ મસ્જિદ બાંધી હતી. વિધર્મી શાસકોએ દેશભરમાં હજારો મંદિરો તોડી તેની જગ્યાએ મસ્જિદો બાંધી દીધી હતી. એટલે જ બાબરીનો ઢાંચો પાડીને ત્યાં રામજન્મભૂમિ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં આગળ વધી રહ્યું છેને? કુતુબમિનાર પરિસરની મસ્જિદની દીવાલ પર ગણપતિની મૂર્તિ ઊંધી લગાડવામાં આવી છે એવો વર્ષોથી વિવાદ ચાલતો હતો, પરંતુ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયો મૂર્તિની સફાઈ કરી લોખંડી જાળીઓ હટાવતા સ્પષ્ટ થઈ ગયું છે કે મૂર્તિ સીધી જ છે. તેથી વિવાદ શમી ગયો છે. હવે મૂર્તિના દર્શન કરી ગાઈ શકાશેઃ
જય ગણેશ જય ગણેશ
જય ગણેશ દેવા
પ્રગટ થયા પ્રથમેશજી
આહીં દર્શન દેવા.
પંચ-વાણી
સઃ ચુનાવી રાજકારણમાં શું થાય?
જઃ ખોટા ચૂંટાય અને સાચા કૂટાય.