Get The App

મુંબઈની શેરીમાં જન્મી ને સીમા પાર પહોંચી પાવ-ભાજી

Updated: Mar 9th, 2023

GS TEAM


Google News
Google News
મુંબઈની શેરીમાં જન્મી ને સીમા પાર પહોંચી પાવ-ભાજી 1 - image


- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

મિંયા-બીબી  રાજી તો કયા કરેગા કાઝી એ કહેવત પાવ-ભાજીના જન્મસ્થાન મુંબઈમાં ફેરવીને કહી શકાય કેઃ મિંયા-બીબી રાજી તો દોનો ખાય પાવ-ભાજી. મુંબઈમાં વેંચાતા સ્ટ્રીટ-ફૂડમાં  પાવ-ભાજીએ અનેક દાયકાથી પોતાનું મોભાદાર સ્થાન ટકાવી રાખ્યું  છે. પાક શાસ્ત્રના નિષ્ણાતના મત પ્રમાણે, જ્યારે મુંબઈમાં અનેક કાપડ મિલો ધમધમતી ત્યારે કાપડની માંગને પહોંચી વળવા મિલ કામદારોએ કલાકોના કલાકો સુધી કામ કરવું પડતું. મોડી રાત્રે મિલમાંથી છૂટી ઘરે  જઈને જમવાનું  અગવડભર્યું  હતું. આથી કોઈ ભેજાબાજે જે મળ્યું એ જુદું જુદું શાક ભેગાં કરી તવામાં તીખા તમતમતા મસાલા સાથે  ફ્રાય કરી ભાજી બનાવી. ભાજી સાથે ખાવા માટે રોટલા કે રોટલી બનાવવામાં વાર લાગે. એટલે ભાજી  સાથે બેકરીના તૈયાર પાવ પીરસી ભૂખ ભાંગવાની શરૂઆત થઈ. લોકોને ધીમે ધીમે આ પાવ-ભાજીનો એવો ચટકો લાગવા માંડયો કે મુંબઈભરમાં રસ્તા પર પાવ-ભાજીની લારીઓ ફૂટી નીકળી. મૂળ  સ્ટ્રીટ-ફૂડ ગણાતી પાવ-ભાજી આજે તો ઠેઠ ફાઈવ સ્ટાર હોટેલો સુધી પહોંચી ગઈ છે. સમયાંતરેે મિક્સ ભાજીના જુદા જુદા પ્રકાર સ્વાદપ્રેમીઓની જીભે પહોંચી ગયા. ચીઝ પાવ-ભાજી, બટરપાવ-ભાજી, કાલાભાજી, ચાઈનીઝ શેઝવાન પાવ-ભાજી અને આમાં સૌથી મજેદાર નામ લાગે એ, ખડા પાવ-ભાજી! આખા બાફેલા શાકને ક્રશ કર્યા વગર તૈયાર ંકરાય એ ખડા-પાવ-ભાજીને ચાખો તો ખરા! પહેલાં લોકો પાવ-ભાજી ખાવા લારી પાસે ખડા રહેતા અને હવે ખાય છે ખડા પાવ-ભાજી. 

મજાની વાત એ છે કે મુંબઈની આ પાવ-ભાજી સીમાડા વળોટીને  ઠેઠ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને કેેનેડા  સહિત અનેક દેશોમાં પહોંચી ગઈ છે. આપણાં કટ્ટર દુશ્મન પાકિસ્તાનના કરાચી શહેરમાં સુદ્ધા બોમ્બે પાવ-ભાજી વેંચાય છે, બોલો. આ જોઈને કહેવું પડે કે દુશ્મન પાજી પણ ખાય આપણી પાવ-ભાજી થઈને રાજી રાજી. ટૂંકમાં, સસ્તું ભાડું સિધ્ધપુરની જાત્રા એ કહેવત બદલીને કહેવું પડે કે સસ્તી પાવ-ભાજી ખાઈને થાય સહુ રાજી.

શિક્ષિત યુવતીના શિવજી સાથે વિવાહ

આજકાલના જમાનામાં ભણેલગણેલ કન્યા મોટે ભાગે લગ્ન માટે મનપસંદ મુરતિયો પસંદ કરી લેતી હોય છે, પરંતુ મધ્યપ્રદેશના દતિયા શહેરની નિકેતા નામની એમબીએ થયેલી યુવતીએ ધામધૂમથી ભગવાન શંકરજી સાથે લગ્ન કરી સહુને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. પ્રેમના  એકરારના પરદેશી ઉત્સવ વેલેન્ટાઈન ડે પર યુવક-યુવતીઓ એકબીજાને ગુલાબનાં ફૂલ, દિલ આકારની સોગાતો અને મોંઘી ભેટો આપીને પ્રેમની લાગણી વ્યક્ત કરે છે, પણ ઉચ્ચ શિક્ષિત છાત્રા નિકેતા તો નાનપણથી બ્રહ્માકુમારી આશ્રમમાં જતી એટલે પહેલેથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું હતું. આશ્રમમાં ભણાવતી દીદીએ એકવાર તેને કહ્યું કે દુનિયાને દુઃખોમાંથી મુક્તિ અપાવવા માટે કોઈએ તો આગળ આવવું જોઈએ. ત્યારે જ નિકેતાએ સંકલ્પ કરી લીધો કે તે શિવજી સાથે લગ્ન કરીને એ મહાદેવનો સંદેશ આખી દુનિયામાં ફેલાવશે. 

ગયા મહિને વેલેન્ટાઈન-ડે પર બેન્ડવાજા સાથે આશ્રમથી શિવજીની બારાત નીકળી. જાન લગ્નને માંડવે પહોંચી અને ત્યાં વિધિવત ભોલેશંકર સાથે નિકેતાએ લગ્ન કર્યાં.  આ અનોખા લગ્ન-સમારંભને જોઈ ઐસી લાગી લગન મીરાં હો ગઈ મગન... એ ગીત ફેરવીને ગાવાનું મન થાયઃ  ઐસી લાગી 'લગન' વો બની પ્રભુ કી દુલ્હન...

 બે હજાર વર્ષની ઉંમરનો ડોસો!

પુરુષની ઉંમર વધે એટલે એ ડોસો થઈ જાય, પણ આ ડોસાની ઉંમર સદીઓ વટાવી  ગઈ હોવા છતાં એનો ટેસ્ટ હજી પણ એવો જ જુવાન છે.  અહીં ડોસા એટલે જેનો 'ઢોસા'ઉચ્ચાર કરવામાં આવે છે, એ. દેશ અને દુનિયાના  સ્વાદ-શોખીનોની દાઢે વળગતા આ 'ડોસા'ની ઉંમર સહેજે બે હજાર વર્ષથી  વધુ હશે. લગભગ બે હજાર વર્ષથી  એ દક્ષિણ ભારતમાં  ખવાતા આવ્યા છે એવું કહેવાય છે. સહેજે સવાલ એ થાય કે 'ડોસા' નામની આ લોકપ્રિય વાનગી દક્ષિણના એક્ઝેક્ટલી કયા ભાગમાં શોધાઈ હશે? ફૂડ હિસ્ટોરિયનોમાં આ વિશે મતમતાંતર પ્રવર્તે છે. કોઈ કહે છે કે ડોસાની શોધ અત્યારના કર્ણાટકમાં થઈ, તો કોઈ કહે  છે કે તામિલનાડુમાં  થઈ.  એક પાકશાસ્ત્ર- ઈતિહાસકારના મત પ્રમાણે 'ડોસા'નો  જન્મ અત્યારના કર્ણાટકના  ઊડુપીમાં  થયો હતો. એટલે  જ દેશભરમાં  ઉડુપી હોટેલો ખુલી ગઈ છેને? ઉડુપી અને ડોસા એકમેકના પર્યાય બની ગયા છે. અગાઉ આ ડોસા ડોસાઈ, ડોસે જેવા નામે  ઓળખાતા. બીજા એક ફૂડ હિસ્ટ્રોરિયન કહે છે  ડોસાની  શોધ પ્રાચીન તામિલ રાજમાં  પહેલી સદીમાં  થઈ હતી, એટલે તેનો ઉલ્લેખ સંગમ-શાસ્ત્રમાં  મળે છે. જે હોય તે, આપણને તો ડોસાના વિવાદ સાથે નહીં સ્વાદ સાથે જ મતલબ છેને? એવું કહેવાય છે કે ડોસાની વચ્ચે શાક ભરી મસાલા ડોસા બનાવવાની રીત માયસોરના રાજા સોમેશ્વર ત્રીજાએ શોધી હતી. કદાચ એટલે જ આજે હોટેલોમાં માયસોર મસાલા ડોસા  મળે છે!  હવે તો  મસાલા ડોસા,  સાદા ડોસા, પેપર ડોસા, કડક સાદા, ચીઝ સાદા, બટર સાદા ડોસા જેવા જાતજાતના  ટેસ્ટી ડોસા  મળે છે. 

તાજેતરમાં  તેલંગણાના હૈદરાબાદમાં ૨૪ કેરેટ  શુદ્ધ સોનાની વરખવાળી એક ડોસાની કિંમત હજાર રૂપિયા છે. ડોસાની આ લોકપ્રિયતા જોઈ જોડકણું કહેવું પડેઃ

એક ડોશી 'ડોસા'ને ચાહે છે

કેવી સવાદ પારખુ જીભ 

એની પાંહે છે!

યાંત્રિક હાથીની કમાલ

'હાથી-ઘોડા પાલખી જય કનૈયા લાલકી...'ના જયજયકાર સાથે રથયાત્રા નીકળે ત્યારે આગળ શણગારેલા હાથી અને ઘોડા ચાલતા હોય છે. દક્ષિણના અનેક મંદિરોમાં  ધાર્મિક વિધિ,  રથયાત્રા  અને સરઘસ માટે  હાથી પાળવામાં આવે છે.  તામિલનાડુમાં  તો રાજ્ય સરકારમાં ધાર્મિક બાબતો સંભાળતું મંત્રાલય છે તે ખાસ હાથીઓના રખરખાવ  અને સ્વિમિંગ પુલની સુવિધા પૂરી પાડવા  સહાય કરે છે... પરંતુ ગમે એટલી સુવિધા  સાચવવામાં આવે છતાં  પ્રાણીપ્રેમીઓના સંગઠનોના મતે હાથી અને બીજાં પ્રાણીઓ  પર અત્યાચાર થતો  હોય છે. એટલે જ ક્યારેક હાથી વિફરે ત્યારે  ખાનાખરાબી સર્જે છે.  એટલે જ  ભારતમાં પહેલી જ વાર કેરળના  એક મંદિરમાં  ધાર્મિક વિધિ  અને પૂજન  માટે જીવતા હાથીની નહીં પણ  રોબોટિક એલિફન્ટ  એટલે  કે યાંત્રિક હાથીને કામે લગાડવામાં  આવ્યો  છે. 

કેરળના થ્રીસુર (ત્રિચુર) જિલ્લામાં  ઈરિંજદપ્પીલે શ્રીકૃષ્ણ મંદિરમાં અભિનેત્રી પાર્વતી થીરૂવોથુ અને પ્રાણીરક્ષક સંગઠન 'પીટા' તરફથી  આ યાંત્રિક હાથીની ભેટ આપવામાં  આવી છે.  પ્રાણી ઉપર  કોઈ  પણ જાતની ક્રૂરતા  આચર્યા વગર આ યાંત્રિક હાથીનો ધાર્મિક ઉત્સવ અને પૂજનવિધિમાં  ઉપયોગ કરવામાં આવશે.  આ એલિફન્ટ  રોબોટને જોઈ કહેવાનું મન થાય કે-

ધર્મને નામે થાય નહીંં

કોઈ જાનહાનિ,

એ ઉપલબ્ધિ કહેવાય

નહીં નાની.

પંચ-વાણી

જો છલતે હૈ

વહી જ્યાદા ઉ-છલતે હૈ,

જો ગલત રાસ્તે પે

ચલતે હૈ

વહી જ્યાદા મ-ચલતે હૈ.


Tags :