Get The App

અડાલજના શોરૃમમાંથી બે નવા બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
અડાલજના શોરૃમમાંથી બે નવા બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

મોઢે રૃમાલ બાંધીને આવેલા બે શખ્સો બાઈકના તાળા તોડી કમ્પાઉન્ડ બહાર લઈ ગયા

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજમાં આવેલા બાઇકના શોરૃમના કમ્પાઉન્ડમાંથી મોઢે રૃમાલ બાંધીને આવેલા બે શખ્સો બે બાઈક ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે ત્યારે આ મામલે અડાલજ પોલીસે ૨.૧૩ લાખના બાઇકની ચોરીનો ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડવા મથામણ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં શિયાળાની ઠંડી દરમિયાન ચોરીની ઘટનાઓ વધતી હોય છે ત્યારે આ વખતે પણ તસ્કર ટોળકી સક્રિય થઈ ગઈ છે અને બંધ મકાનોને નિશાન બનાવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા અડાલજમાં બાઈકના શો રૃમમાંથી બે નવા બાઇકની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ખોરજ ગામે રહેતા અને અડાલજ પાસે કેસર ઓટો નામની બાઈકની એજન્સી ધરાવતા નિકુલ દશરથભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તે શનિવારે રાત્રે તેમનો બાઈકનો શોરૃમ બંધ કરીને ઘરે ગયા હતા અને ગઈકાલે સવારે શોરૃમ પર પહોંચ્યા ત્યારે કમ્પાઉન્ડનો દરવાજો ખુલ્લો હતો. જેથી બાજુમાં આવેલી દુકાન ધરાવતા વેપારીએ રાત્રે કંઈક અવાજ આવતો હોવાનું પણ કહ્યું હતું. જેના પગલે નિકુલભાઈએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમના કમ્પાઉન્ડમાં રહેલા બે નવા બાઈકના તાળા તોડી મોઢે રૃમાલ બાંધીને આવેલા શખ્સો દ્વારા ચોરી કરી જવામાં આવતી હોવાનું જણાયું હતું. જેથી આ મામલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ૨.૧૩ લાખ રૃપિયાના બે નવા બાઇકની ચોરીનો ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડવા માટે મથામણ શરૃ કરી છે. નોંધવું રહેશે કે, છેલ્લા ઘણા સમયથી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે પરંતુ આ તસ્કરો પોલીસના હાથમાં આવતા નથી.

Tags :