સસ્પેન્ડ જમાદાર નાસિર દારૃના ધંધા માટે ખંડણી પણ માંગતો હતો
કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ : પોલીસે મહિલાના ઘરે જઇને પંચનામુ કર્યુ
વડોદરા,મહિલા સાથે દુષ્કર્મ કરનાર સસ્પેન્ડ પોલીસ જમાદાર નાસિરનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.ગઇકાલે રાતે ડીસીપી ઝોન - ૩ ની ટીમે પોલીસ જમાદારને ઝડપી લઇને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.ગુનાની તપાસ કરતા પી.આઇ.એ જે સ્થળે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.તે સ્થળે જઇને પંચનામુ કર્યુ હતું.
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી મહિલના ઘરે જઇને તેના પતિ પર દારૃનો કેસ કરી પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપી ત્રણ વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર પોલીસ જમાદાર મોહંમદનાસિર અનવરમીંયા ઠાકોર (રહે.સિટિ પોલીસ લાઇન,પાણીગેટ રોડ, મૂળ રહે.ભાલેજ દૂધ ડેરીની સામે તા.આણંદ)ની સામે ગત રાતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, ખંડણી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો દાખલ થયો હતો.ત્યારબાદ તેને પકડવા માટે ડીસીપી ઝોન - ૩ એલ.સી.બી.ની ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.દરમિયાન એલસીબીએ મોહંમદનાસિરને તેના મૂળ વતન ભાલેજ ખાતેથી ઝડપી પાડયો હતો.
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ વાડી પોલીસને સોંપવામાં આવી છે.વાડી પી.આઇ.એમ.બી.રાઠોડે નાસિરને પકડી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.આજે સાંજે કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.મહિલા અગાઉ આયુર્વેદિક વિસ્તારમાં રહેતી હતી.ત્યાં જઇને નાસિરે દુષ્કર્મ આચર્યુ હતું.તે સ્થળે જઇને પોલીસે આજે પંચનામુ કર્યુ હતું.દરમિયાન એવી પણ વિગતો જાણવા મળી છે કે,નાસિરે મહિલાના પતિને કહ્યું હતું કે,તું દારૃનો ધંધો કરે છે, ત્રણ હજાર આપજે.જેથી,પોલીસે ખંડણીની કલમ પણ તેની સામે લગાવી હતી.
નાસિર સસ્પેન્ડ થયા પછી વતનમાં જતો રહ્યો હતો
વડોદરા,પોલીસ જમાદાર નાસિર સામે મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી.દરમિયાન પાણીગેટ પોલીસે મહિલાએ ઝેરી દવા પી લેવાની ઘટનામાં ફરીથી તપાસ શરૃ કરી હતી.તે રિપોર્ટના અંતે નાસિરની બદલી એસ.ઓ.જી.માંથી હેડ ક્વાર્ટર કરી દેવામાં આવી હતી.મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં કરેલી ફરિયાદ અંગે એસીપી દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં નાસિર અને મહિલાની કોલ ડિટેલ મંગાવવામાં આવી હતી.તે રિપોર્ટના આધારે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.પંરતુ,નાસિર સીક રજા પર ઉતરીને વતન ભાલેજ જતો રહ્યો હતો.
પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું
વડોદરા,પોલીસ જમાદાર મોહંમદનાસિરનો ભોગ બનેલી મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ઘટના દરમિયાન નાસિર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હોવાથી તેની સામેની ફરિયાદની તપાસ વાડી પોલીસને સોંપવામાં આવી છે.દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનું આજે મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું.પોલીસ તંત્રમાં ફરજ બજાવતા નાસિરે પોતાની સત્તાનો દુરૃપયોગ કરીને મહિલાનું શારીરિક શોષણ કર્યુ હતું.આ રીતે તેણે અન્ય મહિલાઓ સાથે પણ બળજબરી કરી છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
.
ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો
વડોદરા,મોહંમદનાસિર મહિલાના ઘરે મોડી રાતે જતો હતો.તેના પતિને જમવાનું લેવા મોકલતો હતો.ત્યારબાદ પીડિતાની એકલતાનો ગેરલાભ ઉઠાવી બળજબરી કરતો હતો.બળજબરી કર્યા પછી નાસિર એવી ધમકી આપતો હતો કે,તારા ઘરવાળાને કહીશ તો ડ્રગ્સનો કેસ કરી ફિટ કરી દઇશ.અને પીડિતાનો પતિ નાસ્તો લઇને ઘરે આવે પછી નાસિર માત્ર એક કોળિયો ખાઇને જતો રહેતો હતો.