MSUમાં ગુંડાગર્દીઃ સંગઠન સાથે છેડો ફાડનારા વિદ્યાર્થીને એજીએસયુના નેતાઓએ માર માર્યો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ પર એફવાયના શિક્ષણકાર્ય સમયે આજે ફરી એક વખત મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા.એફવાયમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી લેક્ચર એટેન્ડ કર્યા બાદ જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ( યુનિટ બિલ્ડિંગ) પરથી બહાર નિકળી રહ્યો હતો ત્યારે તેને ઘેરી લઈને માર મારવામાં આવ્યો હતો.તેનુ શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યુ હતુ.જાહેરમાં મારામારી જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ હેબતાઈ ગયા હતા.
વિદ્યાર્થી આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે એક સપ્તાહ પહેલા એફવાયના વિદ્યાર્થીએ કોમર્સના વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સાથે છેડો ફાડી નાંખ્યો હતો.એ પછી તેણે અન્ય વિદ્યાર્થીઓ સાથે પોતાનુ અલગ ગુ્રપ બનાવ્યુ હતુ.જેના કારણે રોષે ભરાયેલા એજીએસયુના કેટલાક વિદ્યાર્થી આગેવાનો આજે યુનિટ બિલ્ડિંગ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીને ઘેરી લઈને તેને માર મારવાનુ શરુ કર્યુ હતુ.એજીએસજીના વિદ્યાર્થી નેતાઓની લુખ્ખાગીરી જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા.
આખરે હરિફ વિદ્યાર્થી સંગઠનના કેટલાક વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને માર ખાઈ રહેલા વિદ્યાર્થીને છોડાવ્યો હતો.આ વિદ્યાર્થીએ ડીનને પણ ફરિયાદ કરી હતી અને એજીએસયુના આગેવાનો સામે પગલા લેવા માટે માંગ કરી હતી.તેણે પૂરાવા તરીકે સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા હતા.
વિદ્યાર્થી આલમમાં એવી ચર્ચા છે કે, વિદ્યાર્થી પોલીસ ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યો હતો અને તે સમયે એજીએસયુનુ છેલ્લા ૧૫ વર્ષ કરતા વધારે સમયથી સંચાલન કરતા અને પીઢ વિદ્યાર્થી આગેવાનનુ બિરુદ મેળવી ચુકેલા એક નેતાએ માર ખાનારા વિદ્યાર્થીને સમજાવીને સમાધાન કરાવી દીધુ હતુ .
યુનિટ બિલ્ડિંગ પર ફરી થયેલી મારામારીએ યુનિવર્સિટીમાં વિજિલન્સ સ્કવોડ પાછળ થઈ રહેલા લાખો રુપિયાના ખર્ચ સામે ફરી સવાલો ઉભા કર્યા છે.