પાઇપલાઇન ગેસના ભાવમાં છેલ્લા ૧ વર્ષમાં યુનિટ દીઠ રૃા.૨૩ વધ્યા
ગયા ઓક્ટોબરમાં પ્રતિ યુનિટ ટેક્સ સાથે ભાવ ૨૭.૫૦ હતો, જે વધીને હવે ૫૦.૬૧ થયો છે
વડોદરા, તા.22 વડોદરા મ્યુનિ.કોર્પોરેશન અને ગેઇલ ગેસની સંયુક્ત સાહસની બનેલી કંપની વડોદરા ગેસ લિ. દ્વારા છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક પાઇપ લાઇન ગેસના ભાવમાં પ્રતિ યુનિટે ટેક્સ સાથે ૨૩.૧૦ નો વધારો કરતા મોંઘવારીનો માર સહન કરતા લોકોની કમર ભાંગી નાખી છે.
ગયા વર્ષે તા.૧-૧૦-૨૦૨૧ થી ટેક્સ સાથે અમલમાં આવે તેમ ગેસનો ભાવ પ્રતિ યુનિટ ૨૭.૫૦ થી, વધારીને ૨૯.૬૧ કર્યો હતો એ સમયે ગેસ ગ્રાહકો ૧૮,૬૦૦૦ હતા, જે આજે વધીને ૨૦,૬૦૦૦ થયાં છે આમ વર્ષમાં એક તબક્કાવાર પાંચ વખત ગેસના ભાવ વધારવામાં આવ્યા છે. એમાંય ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર નવ મહિનામાં ચાર વખત ભાવ વધ્યા છે જેમાં ૧ માર્ચ, ૧ એપ્રેલિ, ૧ જૂન અને ૧૬ સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ૧ ઓક્ટોબરે ૨.૧૦ ભાવ વધારા સાથે ગેસનો ભાવ પ્રતિ યુનિટે ટેક્સ સાથે ૨૯.૬૧ કર્યો હતો જે હવે ટેક્સ સાથે વધીન ૫૦.૬૧ થયો છે. જે લગભગ ૫૫ ટકા જેટલો ભાવ વધારો કહી શકાય. ઓક્ટોબરમાં એપીએમ (એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇઝ મિકેનિઝમ) ગેસના બેઝિક ભાવ ૧.૭૯ ડોલરથી વધીને ૨.૯૦ ડોલર એમએમબીટીયુ (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) હતો. જે છેલ્લે ૬.૧૪ ડોલરથી વધારીને ૮.૦૫ ડોલર કરાયો હતો. જોકે વડોદરા ગેસ કંપની કહે છે કે નવા ભાવવધારા બાદ પણ ગુજરાતની અન્ય ગેસ કંપનીઓ કરતા ગેસનો ભાવ ઓછો છે.