પરીક્ષાના ૧૧૦ દિવસ પછી પણ એફવાયબીઈનું પરિણામ જાહેર થયું નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સત્તાધીશોએ પરીક્ષા સમયસર લેવાય અને પરિણામ સમયસર આવે તે માટે કમિટિ બનાવી છે પણ કમિટિએ સૂચવેલા સુધારા વધારા અમલમાં મુકાય તે પહેલા પરિણામના ધાંધિયા યથાવત છે.
પહેલા કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનુ પરિણામ જાહેર કરવામાં ૧૬૫ દિવસ થઈ ગયા હતા અને હવે ટેકનોલોજી ફેકલ્ટીમાં એફવાયના બીજા સેમેસ્ટરનુ પરિણામ પણ પરીક્ષાના ૧૧૦ દિવસ પછી પણ જાહેર થયુ નહીં હોવાની વિગતો સપાટી પર આવી છે.
એફવાયની સાથે સાથે એમઈના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમનુ પરિણામ પણ જાહેર કરવાનુ બાકી છે.આ મુદ્દે ટેકનોલોજીના વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.આજે વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓએ આ મુદ્દે ડીનને રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, પરિણામ નહીં આવવાના કારણે ફી ભરાઈ નથી અને ફી સ્લીપના અભાવે લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓને બૂક્સ નથી મળી રહી.બીજી તરફ ડિસેમ્બરમાં સત્તાધીશોએ એસવાયની પરીક્ષાની પણ જાહેરાત કરી દીધી છે.બે દિવસમાં પરિણામ જાહેર નહીં થાય તો વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરશે.
બીજી તરફ ફેકલ્ટી ડીન પ્રો.મૂર્થિનુ કહેવુ હતુ કે, અધ્યાપકોએ ઉત્તરવહીઓ તો તપાસી નાંખી છે પણ સોફટવેરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે ડેટા એન્ટ્રી કરવામાં સમસ્યા નડી રહી છે અને તેના કારણે પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે.જોકે વહેલી તકે પરિણામ જાહેર થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.