કાર પલટી જતા ઇજાગ્રસ્ત બે મિત્રો પૈકી એકનું મોત
૧૦ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું
વડોદરા,માંજલપુર અવધૂત ફાટક પાસે કાર પલટી જતા કારમાં સવાર બે મિત્રોને ઇજા થઇ હતી.જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતો પરમ કમલેશભાઇ જોશી (ઉ.વ.૨૨) ગત તા.૮ મી એ તેના મિત્ર આયુષ ઉર્ફે છોટુ કલ્પેશભાઇ સુરતી સાથે કારમાં બેસીને નીકળ્યા હતા.આયુષ કાર ચલાવતો હતો.સાંજે સાડા સાત વાગ્યે માંજલપુર અવધૂત ફાટક પાસે કાર પલટી જતા બંને મિત્રોને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તે સમયે ફરિયાદ કરવાની પરિવારે ના પાડી હતી.પરંતુ,ગઇકાલે સારવાર દરમિયાન પરમનું મોત નિપજ્યું હતું.જે અંગે પરમના પિતાએ ફરિયાદ નોંધાવતા રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.