મહાઠગ કિરણ પટેલની અનેક સ્પા મસાજ પાર્લરમાં પણ ભાગીદારી હતી
મોટા અધિકારીઓ સ્પામાં આવતા હતા
સ્પાના સીસીટીવીના રેકોડીંગના આધારે તે ઉચ્ચ અધિકારીઓને બ્લેકમેઇલ કરતો હોવાની પણ ચર્ચા
અમદાવાદ,શનિવાર
ેમહાઠગ કિરણ પટેલે દિલ્હી અને ગાંધીનગરમાં સરકારી કામ કરાવી આપવાની સાથે ગેરકાયદેસર રીતે કમાયેલા કરોડો રૂપિયાનું રોકાણ કોફી શોપમાં કરવાની સાથે તેણે શહેરના પોશ વિસ્તારમાં સ્પા-મસાજ સેન્ટરમાં ભાગીદારી પણ કરી હતી. જેમાં તેના સિનિયર પોલીસ અધિકારીઓથી માંડીને અન્ય વિભાગના અધિકારીઓને બોલાવીને તેમનું રેકોર્ડીંગ કરીને બ્લેકમેઇલ કરતો હોવાની પણ ચર્ચા જોવા મળી છે. પોતાને પ્રધાનમંત્રી કાર્યાલયનો ઉચ્ચ અધિકારી ગણાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લઇને ફરતા કિરણ પટેલના અનેક કારનામા પણ ચર્ચામાં છે. તેણે બે થી ત્રણ વર્ષના ટુંકા સમયગાળામાં તેણે કરોડો રૂપિયાની મિલકતો બનાવી હતી. જેમાં સિધું ભવન રોડ પર વૈભવી બંગલો લીધો હતો. આ ઉપરાંત, તેણે એક કોફી શોપની જાણીતી બ્રાંડમાં પણ રોકાણ કર્યું હતું. એટલું જ નહી તેણે શહેરના પોશ વિસ્તારમાં આવેલા મોટા સ્પા સેન્ટરમાં પણ ભાગીદારી કરી હતી. જે સ્પા સેન્ટરનો ઉપયોગ તે પોલીસ તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને ત્યાં સગવડ પુરી પાડીને મસાજ માટે બોલાવતો હતો. જો કે મસાજ સેન્ટરમાં તે રેકોર્ડીંગ કરતો હતો. જેના આધારે જે તે વિભાગમાં સરકારી કામ કઢાવીને નાણાં કમાતો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કિરણ પટેલ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં પોતાને પીએમઓના એડીશનલ ડાયરેક્ટરની ઓળખ આપતો નહોતો. પણ પાર્ટીનો કાર્યકર હોવાને નાતે તેના ગાંધીનગર અને દિલ્હીમાં સબંધ હોવાનું જણાવીને વિશ્વાસ કેળવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.