મરીમાતાના ખાંચામાં મોબાઈલ શોપમાં આવી ગુંડાની ધમકી હું આ વિસ્તારનો દાદો છું, ધંધો કરવો હોય તો રૃપિયા આપવા પડશે
રાજમહેલ રોડ પરના મરીમાતાના ખાંચામાં કાકા- ભત્રીજાનો ત્રાસ :ધંધો કરવો હોય તો ખંડણી આપ
વડોદરા,તા,6,જાન્યુઆરી,2020,સોમવાર
અમારા વિસ્તારમાં બેસીને જમીન લે-વેચનો ધંધો કરે છે. તો મને રૃપિયા આપવા પડશે. હું આ વિસ્તારનો દાદો છું. મને રૃપિયા નહી આપે તો તારૃ ગળુ કાપી નાંખીશ તેવી ધમકી આપનાર માથાભારે કાકા-ભત્રીજા વિરૃદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે ફતેપુરા લાલ અખાડા પાસે રહેતા કિશોર જંગલીયાભાઈ કહાર જમીન લે-વેચનો ધંધો કરે છે. કિશોર કહારના મિત્ર મનજીતસીંગ સરદારની મોબાઈલ શોપ રાજમહેલ રોડ, મરીમાતાના ખાંચામાં છે. જ્યાં અવારનવાર તે બેસવા જાય છે. ગત ૧૮મી ડિસેમ્બરે કિશોર કહાર મનજીતસીંગની દુકાને ગયો હતો. મનજીતસીંગના કાકાની હોટલ વેચવાની હોઈ તે અંગે કિશોર અને મનજીતસીંગ વાતો કરતા હતા. તે સમયે વિષ્ણુ કહાર આવી જતાં તેણે ધમકી આપી હતી કે, તું અહીંયા અમારા વિસ્તારમાં બેસીને જમીન લે-વેચનો ધંધો કરે છે જેથી તારે મને રૃપિયા આપવા પડશે. વિષ્ણુ કહારનો ભત્રીજો નવલ ઘનશ્યામભાઈ કહારે પણ કિશોરને ધમકી આપી હતી. વિષ્ણુ કહારે કિશોરના ગળા પર છરી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બંને કાકા ભત્રીજા માથાભારે હોઈ કિશોર કહારે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ બે દિવસ પૂર્વે વિષ્ણુ અને નવલે મરીમાતાના ખાંચાના વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી હતી. જે અંગે ગુનો દાખલ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જેથી કિશોર કહારે પણ કાકા ભત્રીજા વિરૃધ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.