Get The App

ચરોતરમાં દેવદિવાળી ધામધુમથી ઉજવાશે

Updated: Nov 23rd, 2018

GS TEAM


Google News
Google News

- ડાકોર, નડિયાદ, વડતાલ, ફાગવેલમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે મંદિરોમાં પૂજા, આરતી, છપ્પનભોગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે


ચરોતરમાં દેવદિવાળી ધામધુમથી ઉજવાશે 1 - imageનડિયાદ, આણંદ, તા,22 નવેમ્બર 2018, ગુરુવાર

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર, ફાગવેલ, નડિયાદ તથા વડતાલમાં આજે  કારતક સુદ પૂનમનો દેવદિવાળી પર્વ ધામધૂમથી ઉજવાશે.ડાકોરના રાજા રણછોડરાયને વર્ષમાં એક વાર જ પહેરાવવામાં આવતા રત્નજડીત મુગટથી શણગારાશે. આ ઉપરાંત નડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ઉજવણી લાખો દીવડાઓની રોશનીથી કરવામાં આવશે. આ જ રીતે જિલ્લાના અન્ય યાત્રાધામો વડતાલ અને ફાગવેલમાં દેવદિવાળી નિમિત્તના લોકમેળા ભરાશે.  આણંદ શહેર સહિત જિલ્લાભરમાં શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના દિવસે દેવદિવાળી અને ગુરૂનાનક જ્યંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ મંદિરોમાં દેવદિવાળી પર્વ નિમિત્તે વિશેષ પૂજા-આરતી અને છપ્પનભોગ સહિતના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે.

ડાકોરમાં દેવદિવાળીની તડામાર ઉજવણીની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. કારણ કે ડાકોરના ઠાકોર દ્વારિકાથી ૮૬૨ વર્ષ પહેલા આ દેવદિવાળીની પૂનમે પોતાના ભક્તની ભક્તિને ખાતર ડાકોર પધાર્યા હતા. આ અર્થમાં ડાકોરના રણછોડરાયને ત્યાં દેવદિવાળીનું પર્વ જન્મોત્સવના પર્વ જેટલું મહત્વનું બની રહે છે. આ પ્રસંગે આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મંગળા આરતી બાદ મોડી રાત સુધી દર્શન ખુલ્લા રહેશે. 


શ્રીજીને ભોગ ધરાવતી વખતે થોડો સમય દર્શન બંધ રહેશે.  ઠાકોરજીને સવા લાખનો રત્નજડિત મુગટ પહેરાવવામાં આવશે. કારતક માસ અને દેવદિવાળી નિમિત્તે અમદાવાદ, વડોદરા તથા સૂરત સહિત દેશના અનેક સ્થળોએથી લાખોની સંખ્યામાં મહેરામણ દર્શન માટે  ઉમટશે. 

જિલ્લાના વડા મથક નડિયાદના સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી  હજારો દિવડાની રોશનીથી કરવામાં આવશે. એ દિવસે સાંજે સંતરામ દેરી ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો દ્ધારા ૧,૧૧,૦૦૦ દીવડાઓની રોશની કરાશે. જે માટે અગણિત તેલ તથા દિવેલના ડબાઓ ઠલવાશે. આ ઉપરાંત મંદિરમાં આતશબાજી કરવામાં આવશે, ઉપરાંત રોશનીના ઝગમગાટ વચ્ચે મંદિરની વિવિધ શાખાઓ દ્વારા ભજનની રમઝટથી સમગ્ર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠશે. લાખો દિવડાઓને નિહાળવા માટે મંદિરના ચોક અને ટેરેસ પર માનવ મહેરામણ ઉભરાશે. 

જ્યારે સ્વામિનારાયણના તીર્થસ્થાન વડતાલમાં પણ દેવદિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તીર્થસ્થાનોમાં લોકમેળાના દ્રશ્યો જામશે. કારતક સુદ નોમથી વડતાલમાં શરુ થયેલા કારતીકી સામૈયાનું આવતીકાલે વિસર્જન થશે. આ નિમિત્તે ચાલી રહેલી હરિકથાની પણ ધામધૂમથી પૂર્ણાહૂતિ કરવામાં આવશે. 

ડાકોર ઉપરાંત જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા ભાથીજી મહારાજના ધામ ફાગવેલમાં દેવદિવાળીનો ઘણો મોટો મહિમા હોવાથી ભાથીજી મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આ દિવસે ભાથીજી મહારાજના ર્દ્શન કરી પોતાની મન્નત પૂરી કરવાનું ઘણું મોટું મહત્વ હોવાથી જિલ્લા ઉપરાંત રાજ્યભરમાંથી ભાથીજીના ભક્તો ફાગવેલમાં ઉમટી પડશે. 

આ ઉપરાંત જિલ્લાના ધાર્મિક સ્થળો ઉપરાંત નાના મોટા ગામોમાં આવલ મંદિરોમાં કારતક સુદ પૂર્ણિમાએ દેવદિવાળના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.  મંદિરોમાં દીવડા પ્રગટાવવા સાથે રંગબેરંગી  રોશની કરી આતશબાજી કરવામાં આવશે. દેવદિવાળીના દિવસે શ્રાવણ માસથી ચાલ્યા આવતા નાના મોટા તહેવારોની હારમાળાનું  સમાપન થશે. કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવદિવાળી.

દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ભાવિક ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવશે. આણંદ શહેર સહિત જિલ્લાના અનેક મંદિરોમાં દેવ-દેવતાઓને વિશિષ્ટ શણગાર, અન્નકૂટ અને છપ્પનભોગ ધરાવવામાં આવનાર છે. જિલ્લાવાસીઓ પોતાના ઘર આંગણે તેમજ તુલસી ક્યારે દિપ પ્રગટાવી અને મોડી સાંજે ફટાકડા ફોડી દેવદિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરશે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ દેવદિવાળી પર્વના દિવસે પૂજનનું અનેરૂ મહત્વ છે. પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લાભરના વિવિધ મંદિરોમાં દેવદિવાળીની વિશેષ આરતી-પૂજા વિધિ તેમજ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવદિવાળી પર્વ નિમિત્તે આણંદ શહેરના સાંઈબાબા મંદિર, ભાથીજી મંદિર સહિતના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાનાર છે. આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિર ખાતે દીવડાની દીપમાળા કરવામાં આવશે. આણંદ પાસેના સુવિખ્યાત લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે દેવદિવાળી પર્વ નિમિત્તે સવારે ૬:૦૦ કલાકે પ્રાત:આરતી, બપોરે ૧૨:૦૦ કલાકે અન્નકોટ આરતી તથા સાંજે ૭:૦૦ કલાકે સાયંઆરતી થશે. તા.૨૪-૧૧-૨૦૧૮ને શનિવારના રોજ નીજ મંદિરે બેસતા વર્ષની ઉજવણી કરાશે. જેમાં સવારે ૫:૩૦ કલાકે પ્રાત: આરતી તથા સાંજે ૭:૦૦ કલાકે સાયંઆરતી થશે.

મુખ્યમંત્રીએ નડિયાદ ખાતે એકતાયાત્રાનું સમાપન કરાવ્યા બાદ ફરી આજે દેવદિવાળીના દિવસે ખેડા જિલ્લાના પ્રવાસે આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે ૧૦ કલાકે સંતરામ મંદિરમાં દર્શન કરી આશીર્વાદી મેળવશે, જ્યારે બપોરે ૧૧ કલાકે વડતાલ તાબે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે, ત્યારબાદ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં મસ્તક નમાવી આર્શીર્વાદ મેળવનાર છે. આજે તેમની ધાર્મિક યાત્રાના પ્રસંગે બંને યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ ગેસ્ટ હાઉસ ઉભરાયાં

દેવ દિવાળીની આગલા દિવસે અને ખાસ કરીને પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિરની આસપાસના માર્ગો ભક્તોના ઘોડાપુરથી ઉમટયા છે. ડાકોરથી નડિયાદ તરફનો, ડાકોરથી ઠાસરા અને ડાકોરથી કપડવંડ સહિતના માર્ગો પર ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. આ ઉપરાંત અહીં ડાકોર મંદિરના ગેસ્ટ હાઉસો પણ શ્રધ્ધાળુઓથી છલકાયાં છે. ત્યારે દેવદિવાળીની વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તજનોની કતારો જોવા મળનાર છે.  લાખોની સંખ્યામાં આજે ભાવિકો શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.

''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' થીમ આધારિત અન્નકૂટનું આયોજન

આણંદ સ્થિત સાંઈબાબા મંદિર ખાતે દેવદિવાળી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૫૫૧ વાનગીઓનો મહાઅન્નકૂટ કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રસ્ટી ગણ દ્વારા ''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' થીમ આધારિત ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે એક કાર્યકર જીતુભાઈ રાસધારીના વધુમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ૧૦૧ કિલોની સરદાર વલ્લભભાઈ પટેલની ''સ્ટેચ્યુ ઓફ યુનિટી''ની પ્રતિકૃતિ સમાન કેક તૈયાર કરવામાં આવનાર છે. ૧૫૫૧ વાનગીઓના આ ભવ્ય અન્નકૂટના દર્શનનો લ્હાવો ભક્તો સાંજના ૪:૦૦ થી ૭:૦૦ કલાક દરમ્યાન લઈ શકશે. ત્યારબાદ આ અન્નકૂટને પ્રસાદી સ્વરૂપે ભક્તોને વહેંચવામાં આવશે.

ડાકોરમાં ઠાકોરજીને રત્નજડિત મુગટ પહેરાવાશે

ડાકોરના રહેવાસી ભગત બોડાણા જીવનના ૭૦ વર્ષ સુધી નિયમિત રીતે હાથમાં તુલસી પકડીને ડાકોરથી દ્વારિકા સુધી ચાલતા દર્શનાર્થે જતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ દ્વારકાધિશ ગાડામાં બેસીને ૮૬૨ વર્ષ અગાઉ તા.૨૭-૧૦-૧૧૫૫ના રોજ દ્વારિકાથી ડાકોર આવ્યા હતા. મુગલ સામ્રાજ્ય દરમ્યાન ડાકોરના ઠાકોરને ૮૬૧ વર્ષ પહેલા એ સમયે સવા લાખની કિંમતનો હીરા રત્નજડિત મુગટની ભેંટ રાજા રણછોડરાયને એક વૈષ્ણવ ભક્તે ધરી હતી. જેમાં પન્ના, માણેક, મોતી, સાચા હીરા, જેવા મૂલ્યવાન રત્નોથી મુગટને શણગારવામાં આવ્યો છે. પરંપરાનુસાર આ મુગટ દેવદિવાળીના દિવસે જ રણછોડરાયને પહેરાવવામાં આવે છે. દેવદિવાળીની સવારે સ્નાનવિધિ સંપન્ન કરાયા બાદ શ્રીજીને અનેક સુંદર આભૂષણોની સાથે સવા લાખનો આ મોટો મુગટ પહેરાવવામાં આવશે. ત્યારે તેની આ અલૌકિક દર્શનની ઝાંખી કરવા પાંચ લાખ જેટલા ડાકોર ભક્તો ઉમટશે. આ પ્રસંગે જયરણછોડના જયજયકારથી મંદિર પરિસર ગૂંજી ઉઠશે. 

વૌઠા પાલ્લાના ભાતીગળ મેળાનો રંગ જામ્યો 

દેવદિવાળી પર્વ નિમિત્તે માતર નજીક સપ્તનદીઓના સંગમ સ્થાને વૌઠા પાલ્લાના ભાતીગળ મેળાનો આરંભ થયો છે. મેળા દરમ્યાન  ઊંટ, ગદર્ભ તથા બીજા પશુઓનું ગુજરી બજાર ભરાયું  છે અને  ઊંચી કિંમતે પશુઓનું વેચાણ થઈ રહ્યું છે. ચરોતર, અમદાવાદ તથા સૌરાષ્ટ્ર સહિત અન્ય સ્થળોએ લાવવામાં આવેલ પશુઓની લે-વેચ થઈ રહી છે.  નદીના પટમાં જામેલા આ મેળા દરમ્યાન  મોટાભાગના પશુઓનું મોંમાગી કિંમતે વેચાણ થઈ રહ્યું છે.  

Tags :