ગુજરાતમાં 887 ગામડાં એવા છે જયાં બધા જ ગ્રામવાસીઓ રસી લઇ લીધી
શહેરીજનો કરતાં ગામડાના લોકોએ જાગૃતતાના દર્શન કરાવ્યા
ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, આણંદના ગામોમાં હજુય 100 ટકા રસીકરણમાં પાછળ, સાબરકાંઠા સૌથી મોખરે
અમદાવાદ : ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે.
ગુજરાતમાં અત્યાર સુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. એક સમયે ખોટી જાણકારી અને અફવાને લીધે લોકો રસી લેવા તૈયાર ન હતાં .
અત્યારે રસીકેન્દ્રો પર લોકોની કતારો લાગી રહી છે. હવે તો શહેરો જ નહીં, ગુજરાતમાં ગ્રામિણ વિસ્તારોમાં રસીકરણ વેગવાન બન્યુ છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે.
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના 43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. નોંધનીય છેેકે, સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે.
જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે તેનુ કારણ એછેકે, આ જિલ્લાઓમાં માંડ એકથી માંડીને દસ ગામડાઓમાં સંપૂર્ણ રસીકરણ થઇ શક્યુ છે.યાદ રહે કે, હજુય આદિવાસી-પછાત વિસ્તારોમાં તો રસીને લઇને ખોટી માન્યતાને કારણે લોકો રસી લેતા નથી જેના કારણે આરોગ્ય કર્મચારીઓ જ નહી, ધાર્મિક-સામાજીક આગેવાનોએ મથામણ કરવી પડી રહી છે.