પરિચિત વ્યક્તિને પોતાના નામ પર લોન અપાવી મહિલા ફસાઇ
બેન્કે મહિલાના એકાઉન્ટમાંથી ચાર લાખ વસૂલી લીધા અને કોર્ટમાં કેસ કર્યો
વડોદરા,કાર લેવા માટે પરિચિત વ્યક્તિને લોન અપાવનાર મહિલા ફસાઇ ગઇ હતી.લોનના હપ્તા નહી ભરનાર પરિચિત વ્યક્તિના કારણે મહિલા સામે બેન્કે કોર્ટમાં કેસ કર્યો છે.તેમજ મહિલાના એકાઉન્ટમાંથી ૪ લાખ વસૂલી લીધા હતા.મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણેજા વિસ્તારમાં રહેતા મિનાક્ષીબેન ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું વર્ષ - ૨૦૦૮ માં અન્ય એક ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતી હતી.તે સમયે મારી સાથે સમીર નવિનચંદ્ર પટેલ (રહે.સુરેશ પાર્ક સોસાયટી,વાઘોડિયા રોડ) પણ નોકરી કરતા હતા.જેથી,અમે એકબીજાના પરિચયમાં હતા.સમીરના મિત્ર ઉપેન્દ્રભાઇ રમણભાઇ પરમાર (રહે.સુરેખ પાર્ક,વાઘોડિયા રોડ) પણ ઓફિસમાં અવાર - નવાર આવતા હોવાથી હું તેઓને પણ ઓળખતી હતી.વર્ષ - ૨૦૧૫ માં ઉપેન્દ્રભાઇ પરમારને નવી કાર ખરીદવી હતી.પરંતુ,તેઓને લોન લેવામાં મુશ્કેલી થતી હોવાથી ઉપેન્દ્રભાઇ તથા સમીરભાઇ મને મળ્યા હતા.તેઓએ મને જણાવ્યું હતું કે,તમારા નામ પર ઉપેન્દ્રભાઇ પરમારને લોન લઇ કાર લેવી છે.લોનના તમામ હપ્તા ઉપેન્દ્રભાઇ ભરપાઇ કરશે.જેથી,મેં મારા નામ પર ૯.૯૫ લાખની લોન લીધી હતી.તેના પર એક કાર ઉપેન્દ્રભાઇએ લીધી હતી.જેના રેગ્યુલર હપ્તા તેઓ ભરપાઇ કરતા હતા.ત્યારબાદ તેઓને વધુ રૃપિયાની જરૃર પડતા મેં બેન્કમાંથી ૬.૯૪ લાખની લોન લઇને તેઓને રૃપિયા આપ્યા હતા.ગાડીના હપ્તા નહીં ભરાતા બેન્ક દ્વારા ગાડી પરત ખેંચી લેવામાં આવી હતી.તે ગાડી પરત મેળવવા માટે ઉપેન્દ્રભાઇએ મને આજીજી કરતા મેં પેનલ્ટી તથા ડયૂ થયેલી લોનની રકમ પેટે ૧.૨૫ લાખ ચૂકવ્યા હતા.પરંતુ,ત્યારબાદ પણ ઉપેન્દ્રભાઇ લોનની રકમ ભરતા નહીં હોવાથી બેન્ક દ્વારા મારો ચેક રિટર્ન કરાવીને કેસ કરવામાં આવ્યો હતો.જેથી,મેં બેન્કમાં ૭૫ હજાર ભરી દેતા બેન્ક દ્વારા કેસ પરત ખેંચી લેવામાં આવ્યો હતો.હાલમાં ગાડીની લોનના હપ્તા વ્યાજ સાથે ૧૨.૯૮ લાખ બાકી પડે છે.આ રકમ માટે બેન્કે મારી સામે કોર્ટમાં કેસ પણ કર્યો છે.ઉપેન્દ્રભાઇ લોન ભરતા નહી હોવાથી બેન્કે મારા એકાઉન્ટમાંથી ચાર લાખ વસૂલ કરી લીધા છે.અને દર મહિને બેન્કના અધિકારીઓ મારા ઘરે આવીને લોનના હપ્તાની ઉઘરાણી કરે છે.જેના કારણે મને માનસિક ત્રાસ થાય છે.