Get The App

૩૫ કરોડની બજાર કિંતમનો પ્લોટ મેટ્રોને એક કરોડમાં ફાળવી દેવાશે

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
૩૫ કરોડની બજાર કિંતમનો પ્લોટ મેટ્રોને એક કરોડમાં ફાળવી દેવાશે 1 - image


કોબા રાયસણ ટીપી નં.૧માં

શાળા બનાવવા માટે પાંચ હજાર ચો.મી.નો પ્લોટ રિઝર્વ રાખવામાં આવ્યો હતો ઃ આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાશે

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેટ્રોના બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે ત્યારે મેટ્રો માટે ટીપી સ્કિમ નં. ૧ કોબા રાયસણમાં રીસીવીંગ પાવર સ્ટેશન બનાવવા માટે પાંચ હજાર ચો.મી.નો પ્લોટ જંત્રીના દરે ફાળવવા માટે આગામી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ૩૫ કરોડની બજાર કિંમતનો આ પ્લોટ જંત્રી પ્રમાણે એક કરોડ ઉપરાંતની રકમમાં ફાળવી દેવામાં આવશે.

અમદાવાદ ગાંધીનગર વચ્ચે બીજા તબક્કાનું મેટ્રો રેલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી વર્ષના અંત સુધીમાં તેને પુર્ણ કરી દેવાનું આયોજન છે ત્યારે મેટ્રો રેલ દ્વારા બાકી રહેલી જગ્યામાં જમીન સંપાદનનું કામ પુરઝડપે ચાલી રહ્યું છે.ત્યારે કોબાથી રાયસણ અને ગિફ્ટસિટી તરફ જઇ રહેલી મેટ્રો રેલની કામગીરી માટે અમુક સ્થળે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. કોબા રાયસણ ટીપી નં.૧માં મેટ્રો રેલના રીસીવીંગ પાવર સ્ટેશન માટે પાંચ હજાર ચો.મીટરનો રિઝર્વ પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.બજાર કિંમત પ્રમાણે, આ પ્લોટની કિંમત ૩૫ કરોડ ઉપરાંતની થવા જાય છે પરંતુ નિયમ પ્રમાણે, મટ્રો રેલ પ્રોજેક્ટને જંત્રી પ્રમાણે જગ્યા ફાળવવાની હોવાથી એક કરોડ ઉપરાંતની રકમ મળશે. જો કે, ગાંધીનગર કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત ઉપર સોમવારે નિર્ણય લેવામાં આવશે. ગુડા દ્વારા આ ટાઉન પ્લાનીંગ સ્કિમ તૈયાર કરવામાં આવી ત્યારે આ પાંચ હજાર ચો.મીટરનો પ્લોટ શાળા માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે આ વિસ્તારમાં શાળા માટે નવા પ્લોટની શોધ કરવી પડશે તેમ લાગી રહ્યું છે.


Tags :