સયાજીનગરી ટ્રેનમાં ભુજથી મુંબઈ જતા પરિવારની રૂ.1.38 લાખની મત્તા ચોરાઈ
અમદાવાદ : સયાજીનગરી ટ્રેનમાંથી ભુજથી મુંબઈ જવા નિકળેલા પરિવારની સોનાના દાગીના તથા રોકડ સહિત ૧.૩૮ લાખની મત્તાની ચોરી થઈ હોવાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જોગેશ્વરી મુંબઈ ખાતે રહેતા ઇમરાન અબ્બાસમિયાં સૈયદ કાપડના વેપારી છે. ગત ૨૯ ઓગસ્ટના રોજ તેઓ પોતાના પરિવાર સાથે સયાજીનગરી ટ્રેનમાં ભુજથી મુંબઈ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે સુઈ જતી વેળાએ તેમની સાથે આવેલ પરિવારજને પોતાનું પાકિટ સીટ પાસે રાખ્યું હતું. સવારે પાકીટ ખોલતા તેમને માલુમ પડયું કે તેમાં રાખેલ સોનાની ચેન, રોકડ રૂપિયા, દાગીના તથા મોબાઈલ ફોન એમ કુલ મળીને ૧,૩૭, ૯૦૦રૂપિયાનો મુદ્દામાલ તેમાંથી ગાયબ હતો. તેમણે ૨૧ સપ્ટેમ્બરમના રોજ આ અંગે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.