Get The App

ભુજની ભાગોળે મિરજાપરમાં ગટરની ચેમ્બરમાં બે ખાનગી કામદારના ગેસની ગૂંગળામણથી મોત

- નિંભર તંત્રના વાંકે નિર્દોષે જીવ ગુમાવ્યા : ખાનગી સફાઈ કામદારોને કોણે બોલાવ્યા?

-એક સફાઈ કામદાર અંદર ફસાઈ જતા બીજો તેને બચાવવા અંદર ઉતર્યો ને બંનેએ જીવ ગુમાવ્યા

Updated: Nov 24th, 2022

GS TEAM


Google News
Google News
ભુજની ભાગોળે મિરજાપરમાં ગટરની ચેમ્બરમાં બે ખાનગી કામદારના ગેસની ગૂંગળામણથી મોત 1 - image

ભુજ,બુધવાર

ભુજ તાલુકાના મિરજાપર ગામે આજે ડ્રેનેજની કામગીરી દરમિયાન મોટી ઘટના બની હતી. મિરજાપર ગામના બસ સ્ટેશન સામેની ભાગે ગટરની ચેમ્બરમાં ઉતરીને તેની સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક બે કામદારોના ડ્રેનેજમાં ગુંગળાઈ જવાથી મોત નિપજયા હોવાનું સામે આવ્યુ છે. ઘટનામાં ગૂંગળામણને કારણે કામદારોની તબિયત લાથડી હતી. કામદારોને હોસ્પીટલમાં લઈ જવાયા હતા પરંતુ સારવાર નસીબ થઈ ન હતી. ઘટનાને પગલે સૃથાનિક તંત્ર દોડતુ થયુ હતુ. પોલીસ અને પાલિકાના જણાવ્યા મુજબ, મૃતક કામદારો ખાનગી રીતે કામ કરી રહ્યાં હતાં. પોલીસ હવે એ મુદ્દે તપાસ કરી રહી છે કે, ખાનગી કામદારોને કોણે બોલાવ્યા અને ગટરમાં ઉતાર્યા?

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન મીરજાપર બસ સ્ટેશનની સામેના ભાગે ચાની હોટલ પાસે આવેલી ગટરની ચેમ્બરની સફાઇ દરમિયાન બન્યો હતો. મુન્દ્રા રોડ પર શનિ મંદિર સામેની ભક્તિ પાર્ક નીલકંઠ નગરમાં રહેતા ભરત શાંતિલાલ અઠવા (ઉ.વ.૨૯) અને ભુજના મંગલમ  ચાર રસ્તા પાસે આવેલા નગર પાલિકા વોર્ડ ઓફિસ ખાતે રહેતા રવિ રાજુભાઇ મારવાડી (ઉ.વ.૩૦) બન્ને સફાઇ કામદારો મીરજાપર ખાતે ગટર લાઇનની સફાઇ કરવા ચેમ્બરમાં ઉતર્યા હતા. જેમાં એક સફાઈ કામદાર અંદર ફસાઈ જતાં બીજો તેને બચાવવા અંદર ઉતર્યો હતો. બન્ને મજુરોનું ઝેરી ગેસના ગૂંગણામણને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ દ્વારા તુરંત ઘટનાસૃથળે પહોંચી ફસાયેલા કામદારોને બહાર કાઢી લીધા હતા. હતભાગી કામદારોને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે બન્ને મૃત જાહેર કર્યા  હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

સરકાર જે રીતે હેલ્મેટ, સીટ બેલ્ટ જેવી બાબતોએ પ્રજા પાસેાથી તગડો દંડ વસુલે છે ત્યારે આ રીતે સેફટી વિના કામ કરતા કામદારોના જીવના મુલ્યને ધ્યાને લઈ જવાબદારોને દંડ ફટકારી જરૃરી કાયદેસરની કાર્યવાહી કરે તો નિર્દોષ કામદારોના જીવને બચાવી શકાય.

કમનસીબી એ છે કે, બન્ને સફાઈ કામદારો રોજીરોટી રળવા માટે ખાનગી રીતે ગટર સફાઈનું કામ કરતા હોવાની વિગતો પોલીસને પ્રાથમિક રીતે મળી છે. ભુજ પાલિકા અને મિરજાપર પંચાયતે બન્ને કામદારો પોતાના હોવાનો નનૈયો ભણ્યો છે. પોલીસ હવે એ મુદ્દો તપાસે છે કે, ખાનગી કામદારોને ગટર સફાઈ માટે કોણે બોલાવ્યા હતા અને સલામતી સાધનો વગર અંદર કોણે ઉતાર્યા હતા. ચૂંટણી સમયે જ જાહેર ગટરની સફાઈ કરવા જતાં  બે યુવકોના મૃત્યુની ઘટનાએ લોકોમાં આક્રોશ સર્જ્યો છે અને તંત્ર ખો.. આપી રહ્યું છે.

ગટરની સફાઇ માટે કોણે બોલાવ્યા તેની તપાસઃ પીઆઇ

એ ડિવિઝન પીઆઇ આર.આઇ સોલંકીને પુછતાં તેમણે જણાવ્યું કે, મૃત્યુ પામેલા બે કામદાર નગરપાલિકાના કર્મચારી નાથી. તેઓ મૂળ રાજસૃથાનના છે. વર્ષોથી ભુજ ખાતે રહીને ખાનગી રીતે ગટર સફાઇનું કામ કરીને રોજી રોટી રળતા હતા એવી પ્રાથમિક વિગતો મળી છે. અમને આ ગટરની સફાઇ માટે કોણ વ્યક્તિએ બોલાવ્યા હતા એ અંગેની તપાસ ચાલી રહી છે.

પંચાયત પાસે કામદારો છે, અમે નથી બોલાવ્યાઃ તલાટી

આ ઘટનાને ટાંકીને મિરજાપર ગ્રામ પંચાયતના તલાટી સંગીતાબેન સાથે વાત કરતા તેમણે જણાવેલ કે, ગ્રામ પંચાયત પાસે પુરતા સફાઈ કામદારો  છે, એટલે બહારાથી સફાઈ કામદારોને બોલાવવાનો પ્રશ્ર ઉભો થતો જ નાથી. અમે કોઈ કામદારોને બોલાવ્યા નાથી.

Tags :