ભુજમાં બે યુવકો ભાગીદારીમાં ગાંજાનો ધંધો શરૂ કર્યો ને પહેલી ખેપમાં પકડાયા
પડીકીઓ બનાવી વેચવા નીકળ્યા ત્યાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છાપો માર્યોે
હજારનો ૬૦૦ ગ્રામ ગાંજો, ૫૦ હજારની બાઇક, બે મોબાઇલ, રોકડા ૧,૯૩૦ સહિત ૬૭,૯૩૦નો મુદામાલ કબજે કર્યા
ભુજ: ભુજના ભાનુશાલીનગર પાછળ રઘુવંશીનગરમાં બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છાપો મારીને રહેણાકના મકાનમાંથી બે યુવકોને રૂપિયા ૬ હજારની કિંમતના ૬૦૦ ગ્રામ ગાંજો, ૫૦ હજારની બાઇક રોકડા રૂપિયા ૧,૯૩૦ તથા ૧૦ હજારના બે મોબાઇલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે એક આરોપી હાથ લાગ્યો ન હતો.
બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, ભાનુશાલીનગરના રઘુવંશીનગરમાં રહેતા જીગર નીતીનભાઇ ચાવડા (ઉ.વ.૨૧), અક્ષય ઉર્ફે અક્ષલ ઇશ્વરભાઇ સોલંકી (ઉ.વ.૨૧) નામના બે યુવાનોએ ભાગીદારીમાં ગાંજાનો ધંધો કરવાનું નકી કર્યું હતું. જેથી અક્ષયએ જીગરને રૂપિયા ૧૪ હજાર આપ્યા હતા. જીગર આરોપી હર્ષદ ઉર્ફે ચીનો જયંતીભાઇ રાઠોડ સાથે મોટર સાયકલથી ગાંધીધામ જઇને ૧૦૦૦ ગ્રામ ગાંજો લઇ આવ્યા હતા. બાદમાં આરોપી જીગર ગાંજો તેના રહેણાકના મકાનમાં રાખી જીગર અને અક્ષય બન્ને જણાઓ ગાંજાની ૨૮ પ્લાસ્ટિકની જીપવાળી પડીકીઓ બનાવી આઇસ બોક્ષમાં મુકી વેચવાની પેરવીમાં હતા. તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બી ડિવિઝન પોલીસને સાથે રાખીને આરોપી જીગરના ઘરમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન જીગર ચાવડા અને અક્ષય સોલંકી ગાંજા સાથે પકડાઇ ગયા હતા. જ્યારે આરોપી હર્ષદ હાથ લાગ્યો ન હતો. પોલીસની ટીમે સ્થળ પરથી રૂપિયા ૬ હજારની કિંમતનો ૬૦૦ ગ્રામ ગાંજો, ૫૦ હજારની બાઇક તથા રોકડા ૧,૯૩૦ તેમજ ૧૦ હજારના બે મોબાઇલ મળીને કુલે રૂપિયા ૬૭,૯૩૦નો મુદામાલ કબજે કરીને આરોપીઓ વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અક્ષય અને હર્ષદ વિરૂધ અગાઉ એ અને બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસના કેસો નોંધાઇ ચુક્યા હોઇ પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.