સુરજબારી ચેકપોસ્ટ પાસે ટ્રેઇલરે અકસ્માત કરતા 7 પ્રવાસી ઘાયલ
અકસ્માતમાં ટ્રેઇલર ચાલક પણ ઘાયલ થયો, બસની પાછળ ધડાકાભેર અકસ્માત કર્યો હતા
ગાંધીધામ: ભચાઉ તાલુકાના શિકારપુર નજીક સૂરજબારી ચેકપોસ્ટ પાસે ટ્રેઇલર એસટી બસમાં અથડાતાં બસમાં મુસાફરી કરી રહેલા ૭ પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રેઇલર ચાલક પણ ઘાયલ થયો હતો.
આ અંગે સામખિયાળી પોલીસ મથકેથી પોરબંદર રહેતા એસટી બસના ચાલક હક્કાભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે ભુજ રહેતા કન્ડક્ટર મોહમ્મદરફિક ઇસ્માઇલ સમા સાથે પ્રવાસીઓને લઇ પોરબંદર ભુજ રૂટની બસ લઇને આવી રહ્યા હતા. સાંજે સવા ચાર વાગ્યે બસ સૂરજબારી ચેકપોસ્ટ પહોંચી ત્યારે પાછળથી આવી રહેલું ટ્રેઇલર ધડાકાભેર કે બસમાં અથડાયું હતું. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા આંબલિયારાના હીરૂબેન રબારી, ઘરાણાના રેણીબેન રબારી, સામખિયાળીના જેતુબેન રબારી, ઘરાણાના સેજુબેન રબારી, મોરબીના સનાળાના શિલ્પાબેન કોરિંગા, ભુજ તાલુકાના માધાપરના રેખાબેન જયેન્દ્રભાઇ નિમાવત અને આદિપુરના કિશન ખેમજી મઢવીને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક દેવેન્દ્રકુમાર દુબરી મિશ્રાને પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો.