ખેડા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરવાની ચિમકી
- ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
- પોલીસની હપ્તાખોરીના કારણે દારૂબંધીનો અમલ થતો નથી, બુટલેગરો બેફામ બન્યા હોવાના આક્ષેપ
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ મુખ્યમંત્રીને સંબોધન કરતું કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર, હાદક ભટ્ટ અયુબખાન પઠાણ, ગોકુલ શાહ વગેરે હાજર રહ્યા હતા. આ આવેદનપત્રમાં ખેડા જિલ્લામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે મોટી સાંઠ ગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠના કારણે દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ડામવામાં ખેડા જિલ્લા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે તેના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા અને બુટલેગરોને છાવરવામાં જે કોઈ પોલીસ અધિકારી સંડોવાયેલ હોય તેની સામે ખાતાકીય રાહે શિસ્ત ભંગના પગલા લેવા માંગણી કરી છે. પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી અનેક સામાજિક પ્રવૃત્તિઓ ના રવાડે ચડેલા ગરીબ પછાત વર્ગના બેરોજગાર યુવાનો ભોગ બની રહ્યા છે દારૂને રવાડે ચડેલા યુવાનોને લીધે તેમના પરિવાર બરબાદ થઈ રહ્યા છે યુવાન વયે મહિલાઓ વિધવા બની રહી છે ત્યારે જાહેર લોક હિતમાં અસામાજિક પ્રવૃત્તિને સખત હાથે ડામવા માંગણી કરી છે.
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના ગામડાના લોકો દારૂ જુગારની ગુનાહિત પ્રવૃત્તિ ના રવાડે ચઢી રહ્યા છે જે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે પોલીસ દારૂબંધીનો સખતાઈ થી અમલ કરવાના બદલે પોલીસ પોતાના ઘરની તિજોરીઓ ભરવા બુટલેગરો અસામાજિક તત્વોને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડા જિલ્લામાં નડિયાદ સહિત ગામે ગામે છડે ચોક દારૂ જુગારની બદી ફૂલી ફાલી છે. આ દારૂ જુગારની પ્રવૃત્તિ ડામવામાં સરકાર નિષ્ફળ જશે તો પ્રદેશ કોંગ્રેસ રાજ્યપાલને આવેદનપત્ર આપશે એટલું જ નહીં ખેડા જિલ્લા કોંગ્રેસ વિવિધ કોંગ્રેસના સંગઠનો સાથે રાખી પ્રચાર માધ્યમોની હાજરીમાં જિલ્લામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ ઉપર જનતા રેડ પાડશે. આમ કોંગ્રેસ દ્વારા જનતા રેડ પાડી રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત સમગ્ર દેશમાં ખુલ્લી પાડવામાં આવશે તેવી ચીમકી આપી છે. ત્યારે જિલ્લા પોલીસ તંત્ર નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવુતીને સદંતર બંધ કરવા કેવા પગલાં લે છે તેના પર પ્રજાની મીટ મંડાયેલી છે.